ડાંગ પ્રવાસ

ડાંગ……

ઘણા સમયથી ડાંગ જવાની ઈચ્છા હતી પણ નહોતું જઈ શકાતું. એક પ્રસંગમાં સુરત જવાનું હતું એટલે પેહલા ડાંગનો પ્રોગ્રામ બનાવી લીધો. ડાંગ વિષે ઘણું સાભળ્યું છે. ડાંગ એટલે ગુજરાતનું સ્વિઝરલેન્ડ. ગુજરાતના ડાંગ જીલ્લામાં ઘણા ધોધ આવેલા છે. ડાંગ જીલ્લો કુદરતી સૌન્દર્યથી ભરપુર છે. અહી પૂર્ણા, અંબિકા જેવી નદીઓ છે,  જંગલો, ટેકરીઓ, ઉંચાનીચા રસ્તા, ઝરણાં, કુદરતને ખોળે વસતા લોકો – એમ ઘણું બધું છે. જોવાલાયક સ્થળનું લીસ્ટ બનાવી લીધું. અને રૂટ પણ બનાવી લીધો. અહિયાથી આહવા વાયા રાજપીપળા, દેડિયાપાડા, સોનગઢ થઇને શબરીધામ જવાનું નક્કી કર્યું. આહવામાં અને કીલાડમાં રેહવા માટેનું એડવાન્સ બુકિંગ કરાવી દીધું.

૧૪ અપ્રિલ,૨૦૧૬, ગુરુવાર

૧૪ અપ્રિલ,૨૦૧૬ ને ગુરુવારે સવારે ૪:૧૫ વાગે અમે નીકળ્યા. સવારે ૬:૧૫ વાગે વડોદરા પહોચ્યા. આગળ ચા-નાસ્તો કરીશું એમ વિચારીને અમે ડભોઇવાળા રસ્તે આગળ ચાલ્યા. ડભોઈમાં ચા-નાસ્તો કર્યો. અમે સવારે ૮:૩૦ વાગે પોઈચા નીલકંઠધામ પહોચ્યાં. નીલકંઠધામ નર્મદા નદીને કિનારે વિશાળ જગ્યામાં  આવેલું છે. નીલકંઠધામના મુખ્યદ્વાર પાસે શિવની તાંડવ કરતી વિશાળ મૂર્તિ આવેલી છે. ખરેખર ખુબજ સુંદર લાગતી હતી. નદીને સામે કિનારે કુબેરભંડારી મંદિર આવેલું છે. ત્યાં હોડીમાં બેસીને જઈ શકાય. દરરોજ સાંજે સ્વામીનારાયણ પ્રભુની નગરયાત્રા નીકળે છે જે ખરેખર જોવા જેવી હોય છે. પણ સમયના અભાવે દર્શન કરીને રાજપીપળા બાજુ આગળ વધ્યા. રસ્તામાં કેળાંની વેફર બનાવતી ઘણી દુકાનો હતી. રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. ત્યાં રેહવાની અને જમવાની સગવડ છે.

રાજપીપળાથી ૨૭ કી.મી. મોવી ગામ આવે છે. ત્યાંથી બે ફાંટા પડે છે. એક નેત્રાંગ જાય અને બીજો ડેડીયાપાડા. ત્યાંથી ડેડીયાપાડા ૧૮ કી.મી. જેટલું થાય. રસ્તો ઉતાર ચઢાવ વાળો હતો પણ ડ્રાઈવ કરવાની મજા આવે તેવો છે. રસ્તામાં થોડા થોડા અંતરે નાની નાની નળિયાની બનાવેલી ઝુંપડીઓં આવે છે ત્યાં પાણીની સગવડ મળી રહે અને ત્યાં થોડીવાર બેસી રેહવાનું મન થાય એવી ઠંડક. અમે સવારે ૧૧:૦૦ વાગે ડેડીયાપાડા પહોચ્યા. અહિયાથી નિનાઈ ધોધ જવાનો ફાંટો પડે છે. અહીંથી નિનાઈ ધોધ ૩૬ કી.મી. થાય. ડેડીયાપાડાથી ૧૫ કી.મી. દુર કમ્બીપીઠા આવે છે ત્યાંથી ડાબીબાજુ ૧૦ કી.મી. દેવમોગરા આવે. કમ્બીપીઠા અને દેવમોગરા વચ્ચેનો રસ્તો થોડો સાંકડો છે પણ સારો છે. છેક મંદિર સુધી ગાડી જઈ શકે છે. અમે સવારે ૧૧:૪૫ વાગે પહોચ્યા હતા.

દેવમોગરામાં માં પંડેરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. આ દેવી વિશે એક એવી દંતકથા છે કે તે એક સુંદર રાજકુમારી હતી. ઘણા રાજકુમારો અને મહારાજા તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. તેમણે એક બહેન પણ હતી. કોઈપણ તેમની બહેન સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતા કારણ કે દેવ મોગરા માતા ખૂબ જ સુંદર હતા. તેથી મોગરા માતાએ જંગલમાં જવાનો અને ત્યાં રહેવા માટે નિર્ણય કર્યો હતો. અન્ય એક એવી દંતકથા છે કે પાંડવો સાથે વનવાસ દરમિયાન તેઓ આ જંગલ પર આવ્યા હતા. દર્શન કરીને રસ્તામાં ઘરેથી લાવેલો નાસ્તો કરી લીધો અને આગળ ચાલ્યા.

અમે પાછા કમ્બીપીઠા આવ્યા. ત્યાં આગળ જવાનો રસ્તો પૂછ્યો પણ કોઈ સોનગઢ જવાનો રસ્તો ના બતાવી શક્યું. ગૂગલ મેપ ચાલુ કરીને આગળનો રસ્તો જાણી લીધો. અહીંથી ૧૨ કી.મી. સાગબારા આવે છે. સાગબારાથી ૬ કી.મી. દુર મહારાષ્ટ્ર બોર્ડેર આવે છે. સાગબારાથી જમણીબાજુ વળવું ત્યાંથી ૨૦ કિ.મી.એ બોરડા ગામ આવે છે. બોરડાથી તાપી નદી અમારી સાથે થઇ ગઈ. આખો જંગલ વિસ્તાર છે. વચ્ચે થોડો રસ્તો ખરાબ હતો પણ ડ્રાઈવ કરવાની મજા આવે તેવો રસ્તો છે. વચ્ચે બે U-Turn આવે છે ત્યાં થોડું સાચવવું. બાકી રસ્તો મસ્ત છે. વચ્ચે ઉકાઈ ડેમ અને સોનગઢનો કિલ્લો ગાડીમાં જ જોઈ લીધો.

સોનગઢથી સુબીર તરફના રસ્તે, ૧૦ કી.મી. જેટલું ગયા પછી, ધોણ ગામ આવે છે, ત્યાંથી ડાબી તરફ એક ફાંટો પડે છે. આ ફાંટામાં ૪ કી.મી. જેટલું જાવ એટલે ગૌમુખ પહોંચાય છે. છેક સુધી પાકો રસ્તો છે, વાહન જઇ શકે છે. અમે બપોરે ૩:૧૫ વાગે પહોચ્યા. અહીં એક ગાયનું મુખ બનાવેલું છે, અને એ મુખમાંથી પાણી નીકળે છે. તેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. ગૌમુખની આજુબાજુ અને ખીણની સામે ગાઢ જંગલો છે. અહી એક ધોધ આવેલો છે. ગૌમુખ આગળ એક બોર્ડ મારેલું છે, ‘ધોધ તરફ જવાનો રસ્તો.’ આશરે ૧૦૦ જેટલા પગથીયા નીચે ઉતરતા આ ધોધ પાસે પહોચી શકાય છે. ચોમાસામાં અહી આવવાની મજા આવે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ધોધમાં પાણી ઘણું હોય છે. અત્યારે આ ધોધ સુકાઈ ગયો હતો. એકદમ શાંત વાતાવરણ હતું. અહી રેહવાની વ્યવસ્થા છે.

અહીંથી શબરીધામ તરફ આગળ વધ્યા. ગૌમુખથી શબરીધામ ૪૩ કિ.મી. થાય. રસ્તો ઉતાર ચઢાવ વાળો છે અને સાંકડો પણ એટલે થોડું સાચવવું પડે. રસ્તામાં મેધા, હિંદલા, ચીમાર, ગિરિમાલા જેવા આદિવાસી ગામ હતા. અહી બધે સરસ મજાના ધોધ આવેલા છે પણ ચોમાસામાં જ જવાય. અમે સુબીર થઈને સાંજે ૫:૦૦ વાગે શબરીધામ પહોંચ્યા. અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, શબરીની પ્રતિમા અને શીલાનાં દર્શન થાય છે. દર્શન કરતાં જ જાણે બધો થાક ઊતરી જાય છે. મંદિરના શિખરેથી આસપાસનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે. મંદિરમાં પ્રસાદ તરીકે બોર આપે છે. અહી રેહવા માટે સુબીર રેસ્ટ હાઉસ આવેલું છે પણ રોકવા માટે આહવા ફોરેસ્ટ ઓફિસમાંથી મંજુરી લેવી પડે.બીજું અહી શબરીધામ રિસોર્ટ & ફાર્મ આવેલું છે.અહીંથી પમ્પા સરોવર ૮ કી.મી. દુર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ જતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. પમ્પા સરોવરથી આહવા ૨૭ કી.મી. જેટલું થાય. રસ્તામાં સનસેટની મજા લેતા લેતા સાંજે ૭:૦૦ વાગે આહવા પહોચ્યા. અમે જ્યાં રોકાયા હતા ત્યાંજ જમવાની વ્યવસ્થા હતી. જમીને ઊંઘી ગયા અને ક્યાં સવાર પડી ગઈ ખબર જ ના પડી.

૧૫ અપ્રિલ ૨૦૧૬, શુક્રવાર

કોઈ પણ સ્થળ ઉપર જાવ ત્યાંની સવાર હંમેશા માણવી. બસ સવારે વહેલા ઉઠીને મોર્નિંગ વોક માટે નીકળી પડ્યો. ચહેલપહેલ બહુ ઓછી હતી. થોડાઘણા લોકો દેખાતા હતા. મેઈન રોડ તરફ ચાલવા લાગ્યા. મેઈન રોડ ઉપરથી સૂર્ય ઉગતો દેખાતો હતો. ત્યાં એક ભાઈ જીપમાં બેઠા હતા. તેમનું નામ જયદીપ હતું. ડાંગના લોકોનો સ્વભાવ મળતાવડો લાગ્યો. અમે સાથે ચા પીધી અને થોડી પેક કરાવી લીધી જેથી નાસ્તો કરીને વેહલા અંજનકુંડ જવાય. અહીંથી અંજનકુંડ ૩૦ કી.મી. જેટલું થાય. પણ એ પેહલા અમે ઝારખંડેશ્વર મહાદેવ મંદિરે ગયા. જે આહવાથી ૨ કી.મી.ના અંતરે આહવા ઘાટ ઉતરતા જ આવે છે. મંદિરમાં પેહલા શાંતિસાગર હનુમાનજી મંદિર છે અને તેની બાજુમાં થોડે ઉપર ઝારખંડેશ્વર મહાદેવ મંદિર છે. મંદિરની સામે બેસવા માટે બાંકડા મુકેલા છે.

અમે ત્યાંથી પાછા આહવા આવ્યા અને ત્યાંથી જમણીબાજુ સાપુતારા રસ્તે ૧૦ કી.મી. પાયારધોડીથી ડાબીબાજુ લિંગા તરફ જવું પડે. ત્યાંથી ૧૩ કી.મી. દુર અંજનકુંડ આવેલું છે. જો અત્યારે ઉનાળામાં ડાંગ આટલું સરસ હોય તો ચોમાસામાં તો કેટલું સરસ હશે. જાણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોય તેવું લાગતું હતું. અમે અંજનકુંડ સવારે ૯:૦૦ વાગે પહોચી ગયા હતા. પોરાણિક કાળનું દંડકારણ્ય વન એટલે હાલનો ડાંગ વિસ્તાર. ડાંગના લોકો એવું મને છે કે ભગવાન હનુમાનજીનો જન્મ અંજની પર્વતની એક ગુફામાં થયો હતો તેને અંજન ગુફા તરીકે ઓળખાય છે. જે અહીંથી દોઢેક કિલોમીટર દુર છે. ત્યાં ચાલીને જઈ શકાય. એવું પણ કેહવાય છે કે લક્ષ્મણને મૃત્યુથી બચાવવા માટે ભગવાન હનુમાન સંજીવની જડીબુટ્ટી સાથેનો હિમાલય પર્વત લઈને લંકા તરફ જતા હતા ત્યારે તે પર્વતનો થોડો ભાગ અહી પડી ગયો હતો તે પર્વતને અંજની પર્વત તરીકે ઓળખાય છે. ભગવાન હનુમાન જયારે નાના હતા ત્યારે જે કુંડમાં નાહતા હતા તેને અંજનકુંડ તરીકે ઓળખાય છે. ત્યાં ઘણા નાના છોકરા ભેગા થઈ ગયા. તેમને ચવાણું આપ્યું તો બધા ખુશ થઇ ગયા. તેમની સાથે ફોટા પડાવ્યા અને એમની સાથે થોડું ક્રિકેટ રમ્યા. ત્યાં બાજુમાં એક કુવો હતો તેમાં લાકડાની સીડી બનાવેલી હતી છોકરાઓ પાણી પીવા માટે ત્યાંથી નીચે ઉતરતા. હવે બીજીવાર ચોમાસામાં આવીશું ત્યારે અંજનગુફા અને અંજન પર્વત પણ ચોક્કસ જઈશું એવું વિચારીને પાછા ફર્યા. ત્યાંથી પાછા પાયારધોડી આવ્યા અને ત્યાં ચા-નાસ્તો કર્યો. ત્યાંથી પાછા આહવા આવ્યા અને વઘઈ તરફ આગળ વધ્યા. આહવાથી કીલાદ કેમ્પસાઈટ ૩૫ કી.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જમવાની વ્યવસ્થા નથી. જમવા માટે તમારે વઘઈ આવવું પડે. ત્યાં એક મિત્ર મળી ગયો તે લોકો આખી લક્ઝરી બસ લઈને આવ્યા હતા. તેને કીધું કે અમારી સાથે જ જમી લો. રૂમ ઉપર જઈને આરામ કર્યો.

અમે બપોરે ૩:૦૦ વાગ્યા જેવા માયાદેવી જવા નીકળ્યા. કીલાદ કેમ્પસાઈટથી ભેંસકતરી ૩૦ કી.મી. જેટલું થાય. ત્યાંથી માયાદેવી માત્ર ૨ કિ.મી. ના અંતરે છે. પહેલીવાર રસ્તામાં બે વ્હીલવાળું ટ્રેકટર જોયું. થોડું અજુગતું લાગ્યું. તેને બાઈકની જેમ ચલાવવું પડે. અમે બપોરે ૩:૪૫ વાગે માયાદેવી પહોંચ્યા. પરિસરમાં રામેશ્વર મહાદેવ નામનું શીવમંદિર આવે છે. બાજુમાં હનુમાન મંદિર છે. મંદિર આગળ બગીચો છે. બાળકોને રમવા માટે હીંચકા, લપસણી વગેરે છે. એક દુકાન છે. મંદિર આગળ બેઘડી આરામ ફરમાવવાનું મન થઇ જાય એવું છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, હિમાલયની પુત્રી દેવી શિવને પ્રાપ્ત કરવા માટે જંગલમાં ભટકે છે. ત્યારે તારકાસુર દેવીની પાછળ પડે છે અને દેવી પૂર્ણા નદીની ગુફા સંતાઈ જાય છે. માબાપ તેને શોધીને શીવજી સાથે પરણાવી અને રાક્ષસને માયા છોડવા જણાવ્યું. આથી આ સ્થળ માયાદેવી કહેવાય છે. ગુફા માટે મંદિરની પાછળ પત્થરો ઉપર ચાલીને જવું પડે. અને પછી મનમાં એક સરસ સ્થળ જોયાનો આનંદ માણીને આગળ વધ્યા.

અહીંથી ૧૭ કી.મી. દુર એક ખાતડ ગામ આવે છે. ત્યાંથી દોઢેક કી.મી. ડાબીબાજુ જતા પૌરાણીક મંદિર પુર્નેશ્વર મહાદેવ મંદિર આવે છે. આ મંદિર આશરે ૫૦૦ વર્ષથી વધારે પૂરાણુ છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, પેશ્વા-મરાઠા સૈન્યનો પડાવ આ સ્થળ પર રેહતો. તે સમયે અહી પેશ્વાઓ દ્વારા શહસ્ત્ર(૧૦૦૦) શિવલિંગની પૂજા કરવામાં આવતી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતા.બીજી લોકવાયકા પ્રમાણે અહલ્યાબાઈ સોમનાથ યાત્રાએ જતા જ્યાં રોકાતા ત્યાં ત્યાં શિવમંદિર બનાવતા.

ત્યાંથી વઘઈ તરફ આગળ વધ્યા, રસ્તામાં રોડ ઉપર આંબો હતો કેરી લટકતી જોઈને ખાવાનું મન થયું એટલે અમે ઉભા રહ્યા. જેના ઘરે આંબો હતો ત્યાં એક ભાઈ ઊભા હતા એમને પૂછ્યું કે વેચાતી આપશો. એ ભાઈએ કીધુ કે અમારો આંબો નથી. તેઓ ઝડપથી ઘરમાં જઈને પાછા આવ્યા. તેમના બંને હાથમાં કેરી હતી અને અમને આપી. પૈસાની વાત કરી તો એમને લેવાની ના પડી અને મારા દીકરા સામે જોઇને એમને કીધું કે અમારો છોકરો ખાશે. બે મિનીટ પેહલા અમે અજાણ્યા હતા પણ પછી તો જાણે અમને વર્ષોથી જાણતા હોય એમ અમારી આગતાસ્વાગતા કરવા માંડ્યા. એમના ફેમીલીની ઘણી વાતો કરી. તેમનું નામ જિમનભાઈ અને તેમના પત્નીનું નામ સરજુબેન હતું. તેમનું ઘર ખુબજ રંગબેરંગી હતું. તેમણે હાલમાંજ નવું ટ્રેકટર ખરીદ્યું હતું તે બતાવ્યું. ત્યાં એક બહેન હતા તેમને નાગલીના લોટના પાપડ બતાવ્યા. અમે એમની પાસેથી એ ખરીદ્યા. નીકળતા નીકળતાં અમને પાછી થોડી કેરી આપી. ખરેખર આવા માણસો જિંદગીભર યાદ રેહશે. ફરીથી ડાંગ આવીશું તો ચોક્કસ મળવા આવીશું એમ કહીને અમે પીપરીબાજુ આગળ વધ્યા અને વઘઈ પહોચ્યા.

વઘઈથી ૧ કી.મી. દુર સાપુતારા રસ્તે મકરધ્વજ હનુમાનજી મંદિર આવેલું છે. ત્યાં માતાજીનું અને વનેશ્વર મહાદેવનું મંદિર છે. મકરધ્વજ હનુમાનજી મંદિર બેટદ્વારકામાં પણ આવેલું છે. આમ તો વધઈથી સાપુતારા માત્ર 48 કિ.મી. જ દૂર છે પરંતુ બે દિવસના અમારા ટૂંકા પ્રવાસમાં તેનો સમાવેશ કરવો શક્ય નહોતું. ત્યાંથી વઘઈનું રેલવેસ્ટેશન જોવા ગયા. વઘઈથી સાપુતારા રસ્તે બે કી.મી. જઈએ ત્યાં જમણીબાજુ ૨ કી.મી. અંતરે આંબાપાડા ગામ છે. અહી ઘરે ઘરે વુડન ટોય્ઝ બનાવે છે. ઇડરમાં ખરાદી બજાર પણ પ્રખ્યાત છે. ત્યાં સાગના લાકડામાંથી જુદીજુદી વસ્તુઓ બનાવે છે. જયારે અહી વાંસમાંથી રમકડાં બનાવે છે. યાદગીરી માટે થોડા રમકડાં ખરીદ્યા. અને પાછા ચાલ્યા વઘઈ તરફ હવે બધાને ભૂખ પણ લાગી હતી. ત્યાં કોર્નરમાં આત્મીય રેસ્ટોરન્ટમાં જમ્યા. ત્યાં મધ, નાગલીનો લોટ, બામ્બુ(વાંસ)નું અથાણું મળતું હતું. જમીને રાત્રે ૮:૩૦ વાગે કીલાદ કેમ્પસાઈટ પાછા આવ્યા.

૧૬ અપ્રિલ ૨૦૧૬, શનિવાર

સવારે ૬:૦૦ વાગે ઉઠીને કેમ્પસાઈટના ફોટા પડ્યા. ત્યાંથી ગેટની બહાર ચેકડેમ બનાવેલો છે. પણ પાણી ઓછું હતું. ત્યાંથી નદીએ નદીએ આગળ ચાલ્યો. ત્યાં એક નાનો છોકરો તાપણી કરતો હતો. તે રોજ સવારે આંબાપાડાથી કોઈ ફળ તોડવા અહી આવે છે. નદી ક્રોસ કરીને ઊંચા ટેકરા ઉપર ચઢતા જ આંબાપાડા ગામ દેખાયું. પાછા આવીને મેઈન રોડ ઉપર ચા પીવા ગયા અને થોડી પેક કરાવી લીધી. મેઈન રોડ પાસે જ વાંસદા નશનલ પાર્ક આવેલું છે. ત્યાં અત્યારે મજા નહિ આવે એવું ત્યાંના ગેટકીપરે કહ્યું એટલે ત્યાં જવાનું માંડી વાળ્યું.

સવારે ૯:૦૦ વાગે સુરત જવા નીકળ્યા. ત્યાંથી ૨૧ કી.મી. ના અંતરે જાનકી વન આવે છે. તેમાં અશોક વાટીકા, આમ્ર વન, બીલી વન, વાલ્મીકી આશ્રમ, ચંદન વન અને ડાંગ જીલ્લાની માહિતી આપતું પરિચય કેન્દ્ર બનાવેલું છે. બહાર નીકળીને શેરડીનો રસ પીધો. ત્યાંજ એક સાઈ ભક્ત ઉંધા ચાલતા શેરડી જતા હતા.

અમે સવારે ૧૦:૩૫ વાગે ઉનાઈ પહોંચ્યા. વધઈથી ઉનાઈ કુલ 35 કિ.મી. છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. હાલમાં પાણીના સ્તર નીચે ગયેલા હોવાની પાણીના કુંડ જોવા ના મળ્યા. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહમણો મળી શકયા નહી તેથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહમણોને યજ્ઞૉ કરવા માટે બોલાવવામા આવ્‍યા તે બ્રાહમણોને ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમા બાણ મારીને ગંગાનો ગરમ પ્રવાહ ઉત્પન્ન્‍ા કર્યો. ઉપરાંત બીજી લોકાકૃતિ મુજબ વનવાસ ભોગવી રહેલા શ્રી રામ સીતા અને લક્ષ્મણ જયારે દંડકારણ્‍યમા શરભંગ રૂષીના આશ્રમમાં આવ્‍યા ત્‍યારે ઋષીએ યોગ બળથી પોતાનું દૂર્ગધયુકત ખોળિયું બદલ્યું, તેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ધ્યાન ઋષીના વેદના ભર્યા દર્દ પ્રત્‍યે દોર્યુ. મહારોગથી વ્‍યથિત ઋષીની સ્થિતિ દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધીયુકત ઝરા બહાર ફુટયા સાથે ઉષ્ણ અંબાની ભવ મૂર્તિ પ્રગટ થઈ સીતાજીએ ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકિત રૂપે અહીં વસવાટ કર્યો વળી સીતાજી આ જગામા સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ”હું નાઈ” તેમના મીઠાશ ભર્યા શબ્દોથી આ સ્થળ ગામનું નામ ”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયું. અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે લોકો દર્શનાર્થે આવે છે.

IMG_20160416_104015

ત્યાંથી ૧૧:૦૦ વાગે સુરત તરફ જવા નીકળ્યા. ત્યાંથી વચ્ચે એના ગામ આવે છે ત્યાં ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર જોવા જેવું છે. હવે અમારો પ્રવાસ સમાપ્ત થવા આવ્યો હતો. ઉનાઈથી વલોદ થઈને અમે સીધા જ સુરત પહોચ્યા.

ઉનાળામાં જંગલો ખૂંદવાનો પ્રોગ્રામ અમે મન ભરીને માણ્યો. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં આ પ્રકારના અનેક સ્થળો છે જે લોકોની જાણ બહાર છે. શહેરોથી દૂર એવાં આ નાનાં નાનાં ગામડાંમાં આવેલાં પર્યટન સ્થળો આપણા ગુજરાતને ખરા અર્થમાં સ્વર્ણિમ બનાવે છે. પ્રવાસમાં જોયેલી આ અદ્દભૂત જગ્યાઓ અને અહીના લોકો કાયમ યાદ રહેશે અને એ યાદો મનમાં હંમેશાં રોમાંચ જગાવતી રહેશે.

ચાલો ચાલતા મહાકાલેશ્વર

મને યાદ છે મારા દાદા શ્રાવણ મહિનામાં ઘરેથી દરરોજ સવારે વેહલા ચાલતા મહાકાલેશ્વર જતા હતા. ત્યારે તો હાલના જેવા રસ્તા પણ નહિ હોય. બસ એમજ મનમાં વિચાર આવ્યો અને ગ્રુપમાં પોસ્ટ કરી દીધું કે ચાલતા મહાકાલેશ્વર. ચાલતા જવાની મજા જ કઈ અલગ હોય છે એ પણ સવારમાં. ઓફ રોંડ જવાનું નક્કી કર્યું. રુટ મળીને નક્કી કરીશું. અમે સવારે ૬:૦૦ વાગે ઇડર બસ સ્ટેન્ડે મળવાનું ગોઠવ્યું.

બધાએ રેલ્વેના પાટે ચાલતા જવાનું નક્કી કર્યું. અમે ઇડર બસ સ્ટેન્ડથી સવારે ૬:૧૫ વાગે રેલ્વે ફાટક બાજુ ચાલવાનું ચાલુ કર્યું. ત્યાં રેલ્વે ક્રોસિંગ પાસે સુંદર ફૂલછોડ વાવ્યા હતા. થોડીકવાર ઉભા રહીને રેલ્વે સ્ટેશન બાજુ ચાલવા લાગ્યા. પાટાની બાજુમાં સાંકડો રસ્તો હતો. અમને એમ કે છેક સુધી હશે પણ આગળ જતા તો ચલાય એવી જગ્યા જ નહોતી. તો અમેં બધા રેલ્વેના પાટાની વચ્ચેની જગ્યામાં ચાલવા લાગ્યા. ધીમેધીમે સૂર્ય ઉગતો જતો હતો. બસ વાતો કરતા કરતા ઇડર રેલ્વે સ્ટેશને પહોચ્યા ત્યારે ૬:૩૦ વાગ્યા હતા. અહિયાં થોડી અવરજવર દેખાતી હતી. જયારે ઇડર બસસ્ટેન્ડ પાસે નહીવત લોકો જ દેખાતા હતા. જેને સવાર ગમે છે તેવા લોકો મોર્નિંગ વોક કરતા દેખાતા હતા. મેં જેટલા ને જોયા તે બધા મોટી ઉંમરના જ હતા. ત્યાં બાંકડા ઉપર થોડા લોકો બેઠા હતા, કદાચ ટ્રેનની રાહ જોતા હશે. પૂછ્યું તો જાણવા મળ્યું કે ટ્રેન ૭:૩૦ પછી આવશે. મહાકાલેશ્વર જે ડુંગરમાં છે તે ડુંગર ખુબ સુંદર દેખાતો હતો. ટ્રેન રીટર્નમાં જોઈશું એમ નક્કી કરીને આગળ ચાલતા થયા.

આગળ જતા રસ્તામાં કૂતરાઓનું ઝુંડ મસ્તી કરતુ હતું. પણ બીજી કોઈ ખાસ અવરજવર નહોતી.  અમેં ઇડરની બહાર આવી ગયા હતા. અમે મહાકાલેશ્વર ડુંગરની નજીક આવતા જતા હતા. થોડા આગળ ગયા ત્યાં તૂટેલા ઘરો દેખાયા. નજીક જઈને જોયું તો ઘરો ઉપર બોર્ડ મરેલા હતા “ઇન્દીરા આવાસ યોજના” અને જેને ફાળવામાં આવ્યા છે તેને નામ હતા. પંદર વીસ ઘરો હશો પણ ત્યાનું બાંધકામ પૂરું નહિ થયું હોય એવું લાગ્યું.

હવે બસ ખેતરો જ દેખાતા હતા. ખેતરની સામેની બાજુમાં મેઈન રોડ દેખાતો હતો. પણ એ બાજુ જવાનો કોઈ રસ્તો નહોતો. ખેતરની ચારેબાજુ વાડ કરેલી હતી. ત્યાંથી દુર છત્રીઓ દેખાતી હતી જ્યાં અમિતાભ બચ્ચનનો આલ્બમના એક ગીતનું શુટિંગ અહી થયું હતું. બસ અમે વાડની કિનારે કિનારે ચાલતા રહ્યા. ખેતર પૂરું થયું ત્યાજ મહાકાલેશ્વરનો મેઈન ગેટ દેખાયો. હજી ૭:૦૦ વાગવામાં ૧૫ મિનીટની વાર હતી.

IMG_20160411_063545

મેઈન ગેટની અંદર દાખલ થતા જ એક મોટુ શિવલિંગ દેખાય છે. ત્યાં બાજુમાં જ એક બીજો દરવાજો છે તેની અડીને અંદર ગુફા જેવું છે. તેને મહાકાલેશ્વર ગુફા કેહવાય છે. આ ગુફાની અંદર શિવલિંગ છે. મંદિરની બાજુમાં એક કુંડ છે. કુંડની બાજુમાં જ શનિદેવનું મંદિર આવેલું છે. ખરેખર ખુબ રમણીય સ્થળ છે. એકદમ શાંત જગ્યા છે. જો મેળ પડે તો એક વાર સાંજે જજો ખુબ મજા આવશે. બધાંએ દર્શન કર્યા અને બેઠા. અમે ૬ કિલોમીટર જેટલું ચાલ્યા હોઈશું.

હવે બધા પાછા જવા માંટે તૈયાર હતા. ખેતરો જોતા જોતા ૭:૧૫ વાગે પાછા ઇડર રેલ્વેસ્ટેશન પાછા આવ્યા પણ ટ્રેનને આવવાની હજુ પણ વાર હતી. ત્યાં ત્રણ નાના બાળકો ને જોયા જે અમારા કરતા પણ બહુ ઝાડપથી ચાલતા હતા. એવું લાગ્યું કે સ્કુલે જવાનું મોડું થતું હશે. અત્યારે તો સ્કુલવાનમાં બેસીને સ્કુલે જવાનું એટલે મોડા પહોચાવાનું કોઈ ટેન્શન જ નહિ. ત્યાં આગળ જતા રસ્તામાં એક સ્કુલ આવી, ત્યાં ઘણા બાળકોનું ટોળુ હતું પણ સ્કુલ હજુ ખુલી જ નહોતી. બસ ત્યાંથી ૭:૩૦ વાગે ઇડર બસસ્ટેન્ડે પહોચી ગયા.

IMG_20160411_070745

ખરેખર ખુબજ મજા આવી. બસ બહુ જલ્દી આવો જ બીજો પ્રોગ્રામ બનાવીશું એવું વિચારીને બધા છુટા પડ્યા.