વેકેશન…..
આ વેકેશનમાં આજના સ્માર્ટફોનના જમાનામાં દોડ, લીંબુ ચમચી, લંગડી, કોથળા દોડ, નાગોલચું, ફુગ્ગા ફોડ, સંગીતખુરશી, ડબ્બા ફોડ જેવી ભુલાતી જતી રમતો રમવાનો પ્રોગ્રામ અમારી સોસાયટીમાં બનાવ્યો હતો. જયારે આજના બાળકો એમના પેરેન્ટ્સને પૂછતાં હતા કે આ રમત કેવી રીતે રમાય ત્યારે ખરેખર ખુબ જ દુખ થતું હતું જયારે મોબાઈલમાં કોઈ ગેમ રમવાની હોય તો કોઈ પૂછે કે આ કેવી રીતે રમાય. બસ મને પણ મારું ઉનાળુ વેકેશન યાદ આવી ગયું.
વેકેશન…..એમાં પણ ઉનાળુ વેકેશનની મજા જ કાંઈ ઓર હોય છે. ઘણા લોકો પહેલાથી જ કોઈ હિલ સ્ટેશન પર જવાનો પ્લાન બનાવી દેતા હોય કાં તો બીજા કોઈ નજીકના સ્થળે જવાનો પ્લાન ગોઠવી દેતા હોય. આ બધા કરતા પણ મામાના ઘરે જવાનો રોમાંચ કઈક વધારે હોય છે અને યાદગાર પણ. “મામાનું ઘર કેટલે દીવો બળે એટલે” – એ પંક્તિ યાદ આવ્યા વગર ના રહે. પણ અમારે આવું કોઈ મામાનું ઘર નહોતું એટલે અમારું વેકેશન અમારે ઘરે જ વીતતું.
અમારા મોટાભાઈ વતનમાં નોકરી કરતાં એટલે ઉનાળુ વેકેશનમાં એમની ફેમીલી સાથે અમારા ઘરે આવતાં. અને એ આવે એટલે અમને એમ થતું કે અમારું વેકેશન પણ ચાલુ થઇ ગયું.
મોટાભાઈ આવે એટલે બધાં ઘરના ધાબા ઉપર જ ઉઘવા માટે જતા. ત્યાં કાલનો પ્રોગ્રામ બનાવતા અને અલકમલકની વાતો થાય અને ક્યારે સવાર પડી જાય એની ખબર જ ના પડે. એ વખતે અમારા મમ્મી કેરી કાપીને રસ બનાવતા અને બધા સાથે બેસીને જમતા. જમ્યા પછી પાછાં પત્તાની રમઝટ ચાલે. કાચુફુલ, ઝભ્ભો, જોકર, દો તીન પાંચ, દસ્સા પકડ, ચોકડી જેવી અલગ અલગ રમતો આખી બપોરે રમતા. સાંજ પડે એટલે અમને બધાને બહાર ફરવા લઇ જતા. અમદાવાદમાં તે સમયે બસ અને રીક્ષામાં ફરવાની મજા આવે. કોઈવાર બસ કે રીક્ષા ના મળે તો ચાલતાં પણ જતા પણ મજા આવતી. તે સમયે અમે લાલદરવાજા, માનવ મંદિર, સોલા મંદિર, ડ્રાઈવ ઇન, ગાંધીનગરનું અક્ષરધામ અને નવું બનેલું ઇસ્કોન મંદિર જોવા જતાં. ક્યારેક મોડું થાય તો કોઈ બસ કે રીક્ષા ના મળે તો ચાલતા ઘરે આવતાં. ચાલતા ચાલતા જે વાતો થતી હતી એ આજે whatsapp કે facebook માં પણ નથી થાતી. તે સમયે બધા પાસે પુરતો સમય હતો જે આજે નથી. અત્યારે તો પોતપોતાના વાહન ઉપર જેતે સ્થળે પહોચી જવાનું અને તેવી જ રીતે પાછા આવી જવાનું. ચાલતા જે વાતો થતી હતી એ વાતોનો આજે અભાવ છે. દસ પંદર દિવસ ક્યાં જતા રહેતા એ ખબર જ ના પડે. જયારે મોટાભાઈ પોતાના ઘરે જતા હોય ત્યારે એમ થાય કે એક દિવસ વધારે રોકાઈ ગયા હોત તો કેવું સારું. એ જાય એટલે એમ થાય કે અમારું વેકેશન પૂરું થઇ ગયું હોય એવું લાગે. જતા જતા દિવાળીના વેકેશનમાં ચોક્કસ પાછાં આવીશું એમ કહીને વિદાય લેતા.