૩૧ જુલાઈ ૨૦૧૬ રવિવાર
અમે સવારે ૬:૪૫ વાગે હોટલ વિનય લેઈક વ્યુ આગળ ભેગા થયા. ત્યાંથી ગુમાનદેવ ૧૨ કી.મી. થાય. ગુમાનદેવમાં હનુમાનજીનું મોટું અને પ્રાચીન મંદિર આવેલું છે. પણ અમારા પ્લાનમાં નહોતું એટલે અમે આગળ વધ્યા. ત્યાંથી લગભગ ૩ કી.મી. જેટલું રાજપારડી તરફ આગળ જઈને જમણીબાજુ, ૧ કી.મી. વાલિયા હાઇવે પર આગળ જઈને ડાબીબાજુ વળવું. ત્યાંથી ખારીયા, ધોળાકુવા થઇને ૧૩ કી.મી. પછી બે ફાટા પડે છે. ત્યાંથી ડાબીબાજુ ૧ કી.મી જઈને પાછા બે ફાટા પડે છે. ત્યાંથી જમણીબાજુ ૪ કી.મી. ઝાઝ્પોર(Zazpor) આગળ કડિયા ડુંગર આવેલો છે. અમે સવારે ૭:૪૫ વાગે પહોચી ગયા હતા.
ઝાડેશ્વરથી કડિયા ડુંગરના ફોટાઓ………
ત્યાં બીજા મેમ્બેર્સ ભેગા થવાના હતા અને નાસ્તા માટે ત્યાં રોકાવાનું હતું. ચોમાસાની અદભુત ઠંડકમાં અમે બટાકા પૌંઆનો નાસ્તો માણ્યો.
બધા મેમ્બરોનો મેળાપ…….
નાસ્તો કર્યા પછી સવારે ૮:૧૫ વાગે કડિયા ડુંગર ઉપર ચઢવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં પગથીયા છે એ પછી ફક્ત ડુંગર છે ત્યાં થોડું સંભાળવું પડે. જો બેલેન્સ ગયું તો ગયા સમજો, પણ અમારા ટીમ મેમ્બરો ત્યાં ગોઠવાઈ ગયા હતા અને બધાને સહેલાઈથી ડુંગર પસાર કરાવી આપ્યો. કડિયા ડુંગર પર ચઢાવા માટે બે રસ્તા છે એક આગળથી અને બીજો પાછળથી. આગળની બાજુએ એક મોટો આશ્રમ આવેલો છે. અહી વડના ઝાડ ઘણા છે. આશ્રમના છેડેથી ડુંગર પર ચડવાનાં પગથિયાં શરુ થાય છે. પગથિયાં વ્યવસ્થિત બનાવેલાં છે. છેક ઉપરથી નીચેનું દ્રશ્ય એટલું આલ્હાદક હતું કે વાત ના પૂછો. જાણે કોઈ હિલ સ્ટેશન ઉપર આવી ગયા હોય તેવું. ત્યાં એટલી લીલોત્તરી હતી કે આપણી આંખોને પુરતી ઠંડક મળી રહે. ત્યાં બે ઘડી બેસવાનું મન થાય એવી જગ્યા છે. એકદમ શાંત જગ્યા. ઝાડેશ્વર ચોકડીથી કડિયા ડુંગર ૩૪ કી.મી. જેટલું થાય.
કડિયા ડુંગર……
અહી ૭ જેટલી બૌધ્ધ ગુફાઓ આવેલી છે. અહી પાંડવોએ અજ્ઞાતવાસનો કેટલોક સમય વિતાવ્યો હોવાની લોકમાન્યતા છે. જે મુજબ અજ્ઞાતવાસમાં પાંડવો અને દ્રોપદીએ અહીં આશરો લીધો હતો અને ગુફાઓમાં તેઓ રહેતા હતા. ડુંગર પર ભીમનાં પગલાનાં નિશાન પણ જોવા મળે છે. સાથે હેડમ્બા સાથે ભીમે અહીં લગ્ન કર્યાં હતાં તેવી લોકમાન્યતા છે.
(ગુગલ પરથી..)
ત્યાંથી સવારે ૯:૦૦ વાગે દુકાન ઘાટ બાજુ આગળ વધ્યા. ત્યાંથી ૫ કી.મી. પછી જેસપોર ચોકડી આવે છે જે રાજપારડી-નેત્રાંગ હાઇવેને મળે છે. ત્યાંથી ૬ કી.મી. વણખૂંટા આવે પછી ૨ કી.મી. પછી બે ફાટા પડે છે ત્યાંથી ડાબીબાજુ ૩ કી.મી. ઉમર્ખારડા બાજુ આગળ વધ્યા. અમે સવારે ૯:૪૫ વાગે જ્યાંથી ટ્રેકિંગ કરવાનું હતું ત્યાં પહોચી ગયા બધા વાહનો ત્યાં પાર્ક કર્યા અને જરૂરી નાસ્તો અને પાણી લઈને ચાલ્યા દુકાન ઘાટ તરફ.
કડિયા ડુંગરથી દુકાન ઘાટ તરફ જતા……
રસ્તામાં ખેડૂતો ખેતરમાં ખેતી કરતા હતા. વરસાદ અને વાદળ જાણે અમારી જોડે રમત રમતા હોય તેમ આવે અને પાછા સંતાઈ જાય. ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો. જો ધોધમાર વરસાદ હોત તો ચાલવું કદાચ મુશ્કેલ થઇ જાત પણ નસીબ અમારી સાથે હતું. ટ્રેકિંગની મઝા માણતા માણતા અમે લગભગ સવારે ૧૦:૪૦ વાગે દુકાન ઘાટ પહોચ્યા. ત્યાંથી નીચે ઉતારવા માટે પગદંડી છે. ધોધ સુધી પહોંચવું આસાન છે. નીચે પહોંચ્યા પછી વૃક્ષોની વચ્ચે ધોધનાં દર્શન થાય છે.
દુકાન ઘાટ ટ્રેકિંગ……..
નાના બાળકો સાથે મોટાઓએ પણ નહાવાનો આનંદ માણ્યો. સાથે લાવેલો નાસ્તો કર્યો અને બધાએ ગરબા પણ ગાયા. કોઈકે ગધેડાનો, કૂતરાનો તો કોઈએ ડોનાલ્ડ ડકનો અવાજ કાઢીને બધાનું મનોરંજન કર્યું. એક ડોકટર સાહેબે સુંદર મજાની વાંસળી વગાડીને બધાને મોહિત કરી દીધા.
દુકાન ઘાટ….
બસ હવે પાછા જવાનો સમય થઇ ગયો હતો. બધા ચાલ્યા પોતપોતાની ગાડીઓ તરફ. અમારે અમદાવાદ આવવાનું હતું એટલે ધોળી ડેમ જવાનું માંડી વાળીને અમે અમદાવાદ તરફ નીકળી પડ્યા.
ચોમાસમાં ધોધ અને જંગલમાં ટ્રેકિંગ કરવાની ખુબ મજા આવી. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં પણ આવા સ્થળ છે જે લોકોની જાણ બહાર છે. આ જગ્યાઓએ ભમવાની મજા તો કંઈ ઔર જ છે. અહી જોયેલી આ જગ્યાઓ અને નવા મળેલા મિત્રો કાયમ યાદ રેહશે. એક નવું સ્થળ જોવાનો આનંદ ખરેખર અનેરો હોય છે અને એનો રોમાંચ તો ક્યારેય ના ભૂલાય એવો હોય છે. અને સાથે સાથે વરસાદમાં પલળતા પલળતા બદલેલું પંચર પડેલું ટાયર, કેવી રીતે ભૂલાય.
