૦૪/૦૨/૨૦૧૭ શનિવાર
ગયા અઠવાડિયામાં કાનજીભાઈએ અમારી સાથે બાણગંગા આવવાની તૈયારી બતાવી હતી. રવિવારે એક પ્રસંગમાં જવાનું હતું એટલે શનિવારે સવારે કાનજીભાઈને ફોન કર્યો પણ તેઓ ના મળ્યા. ઘરે આવે તો ફોન કરાવજો. પણ જાણવા મળ્યું કે આજે તેઓ મંદિરમાં જ રોકવાના છે. મળવું હોય તો સીધા મંદિરે જતા રહેજો એવું ફોન ઉપાડનારનું કહેવું હતું. ભગ્ન હૃદયે સવારે ઓફીસ જતો રહ્યો. રસ્તામાં ફરી એકવાર ફોન કરી જોઇશ વાત થાય તો ઠીક નહીતર ફરી ક્યારેક જઈશું. સાંજે ૬:૦૦ વાગ્યા જેવો ઇડર જવા માટે નીકળી પડ્યો. રસ્તામાં એક જગ્યાએ ઉભો રહ્યો તો બે મિસ કોલ હતા. સામે ફોન કર્યો તો એમણે મંદિરનો નંબર આપ્યો. આપેલા નંબર ઉપર ફોન કર્યો અને કાનજીભાઈ સાથે વાત થઇ કે તમેં સવારે આઠ વાગ્યા જેવા મંદિરે આવી જજો. જઈને આવતા બે કલાક જેટલો સમય થશે. મારે સવારે ૯:૩૦ વાગ્યા પછી એક પ્રસંગમાં જવાનું હતું એટલે મોડું થાય એટલે મેં કીધું સવારે ૬:૩૦ વાગ્યા જેવા જઈએ તો. તેઓએ તરત જ હા પાડી દીધી. મને તેઓ ખુબ હકારાત્મક લાગ્યા. મને આવી વ્યક્તિ સાથે સારું ફાવે. એમની ઈચ્છા હતી કે ઉપર બેસીને નાસ્તો કરીશું. રાત્રે ૯:૦૦ વાગ્યા જેવો ઇડર પહોચી ગયો.
ટ્રેકિંગ બેગમાં જરૂરી નાસ્તો અને પાણીની બોટલ મૂકી દીધી. અમારા કાનજીભાઈ શીંગ ખાવાના ખુબ શોખીન એટલે ખાસ યાદ કરીને બેગમાં મૂકી દીધી. એકદમ શાંત મન સાથે ઊંઘી ગયો.
૦૫/૦૨/૨૦૧૭ રવિવાર
સવારે મારા દરરોજના ઉઠવાના સમયે એટલે ૫:૦૦ વાગે ઉઠીને ફટાફટ તૈયાર થઈને સવારે ૬:૧૫ વાગે નીકળી પડ્યો. ઇડરની સવાર ખુબજ આલ્હાદક હોય છે જે મને ખુબ ગમે. પણ આજે મને થોડી વધારે ગમતી હતી કારણ કે આજે હું એક એવા સ્થળ ઉપર જવા નીકળ્યો હતો જેની ફક્ત મેં વાતો જ સાંભળી હતી પણ આજે હું તેને રૂબરૂમાં જોઇશ. મન ખુબજ આનંદિત હતું. કણ્વનાથ મહાદેવ મંદિર ઇડર બસસ્ટેન્ડથી ૮ કી.મી જેટલા અંતરે આવેલું છે. જેની પાછળના ભાગમાં ઉંચાઈ ઉપર બાણગંગા આવેલું છે. હું સવારે ૬:૪૦ વાગે કણ્વનાથ મહાદેવ મંદિર પહોચી ગયો. અને કાનજીભાઈને જગાડ્યા. મને બેસવાનું કહીને તેઓ તેમના નિત્યક્રમ પતાવવામાં મશગુલ થઇ ગયા. અને હું આજુબાજુના દુર દેખાતા પર્વતોના ફોટા પાડવામાં મશગુલ થઇ ગયો પણ હજી જોઈએ તેવું અજવાળું નહોતું. તેઓ પાછા આવ્યા અને મારા માટે ચા બનાવી લાવ્યા. અચાનક મળેલી ચા પીવાનો આનંદ જ કંઈક ઓર હોય છે. ચા પીને સવારે ૭:૦૦ વાગ્યા જેવા બાણગંગા ટ્રેક તરફ ચાલવાની શરૂઆત કરી.
પંખીઘરની બાજુમાંથી ચઢવાનું ચાલુ કર્યું. થોડા સમય પહેલા હું અને રિકેન ગયા હતા ત્યાં પહોચીને કાનજીભાઈ થોડા સમય માટે ઉભા રહ્યા. મને એવું લાગ્યું કે તેઓ રસ્તો ભૂલી ગયા હશે. તેમણે મને દુરથી આંગળી ચીંધીને દૂરની પર્વતમાળા બતાવી. ફોટો પાડી દો ખુબ સારા આવશે. મેં એમના અને એમણે મારા ફોટા પાડ્યા પણ તેઓ મોબાઈલના એટલા જાણકાર નહોતા એટલે ફોટા ઝાંખા પડતા હતા. અહિયાં સુધી પગદંડી રસ્તો દેખાતો હતો. પણ જેમ આગળ વધ્યા તેમ પગદંડી અદ્રશ્ય થવા લાગી. પથ્થરો ઉપર ચઢતા ચઢતા આગળ વધ્યા. તેમનું કહેવું હતું કે આ પથ્થર તોડવાવાળા જેસીબીના લીધે પગદંડી તૂટી ગઈ છે. હવે તેમણે પણ રસ્તો શોધતા શોધતા જવું પડશે. દશ મિનીટ પછી અમે એક હોજ આગળ પહોચ્યા. ત્યાં જઈને કાનજીભાઈ ઉભા રહી ગયા. હું નીચે જોઇને ધ્યાનથી ચાલતો હતો. જો લપસ્યા તો વાગવાનો ડર હતો. કાનજીભાઈએ કીધું જરા પાછળ જુવો. ખરેખર દુર દેખાતા ડુંગરો અને એની અડીને આવેલા લીલા ખેતરો આવું ક્યાં જોવા મળે. વચ્ચે જેસીબી માટેનો રસ્તો બનાવેલો હતો પણ કાનજીભાઈનું માનવું હતું કે આ રસ્તે જઈશું તો વધારે સમય જશે એટલે આપણે સીધા જ જઈશું. મારે ક્યાં કંઈ બોલવાનું હતું! તમારી પાછળ પાછળ જ આવવાનું છે મારે તો. કાનજીભાઈ મલકાતા આગળ વધ્યા. પગદંડીવાળા રસ્તા ઉપર પથ્થરો જ દેખાતા હતા, રસ્તાનું તો કોઈ નામોનિશાનજ નહોતું. હું અને કાનજીભાઈ નીચેનું દ્રશ્ય જોતા જોતા આગળ વધ્યા. મોટા મોટા પથ્થરો વચ્ચે રસ્તો શોધતા શોધતા અને કુદતા કુદતા આગળ વધતા હતા ત્યાજ મારો પગ બે પથ્થરો વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયો. કાનજીભાઈ તો કુદતા કુદતા આગળ વધતાં રહ્યા. મને થોડો ગુસ્સો આવ્યો.
થોડી મુશ્કેલી પછી પાછી સમતલ જગ્યા આવી અને પગદંડી પણ દેખાવા લાગી. મને થોડો હાશકરો અનુભવાયો. હવે આગળ રસ્તો સારો હશે. કાનજીભાઈ પહેલીવાર આ રસ્તા ઉપર આવ્યા હતા. રસ્તો શોધવામાં કાનજીભાઈને મુશ્કેલી થઇ રહી હતી. ઉપર દેખાતા ડુંગર ઉપર જ બાણગંગા છે એવું કાનજીભાઈનું કહેવું હતું. ત્યાં ચઢવાનો કોઈ રસ્તો નહોતો દેખાતો એટલે અમે સીધા જ ચાલવા લાગ્યા. કદાચ આગળ જતા ઉપર ચઢવાનો રસ્તો મળી જશે. પણ કોઈ જ રસ્તો ના દેખાયો. હવે તો આગળ જવાનો પણ રસ્તો નહોતો. અહીથી અમારે પાછા જ જવું પડશે એવું લાગ્યું. દુર એક તળાવ દેખાતું હતું. અહીંથી ફક્ત પથ્થરો અને કાંટાવાળા ઘાસ જ દેખાતા હતા. સુકા ઘાસ ઉપર પગ મુકતા જ પગ લપસવા લાગતો. થોડાક ઉપર ચઢ્યા. અહીંથી એકદમ સીધું ચઢાણ હતું. હાથેથી પથ્થરો પકડી પકડીને સહેજ ઉપર ચઢ્યા. ઉપર જવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો. પણ કાનજીભાઈ તો ફટાફટ ઉપર ચઢી જતા હતા. હું ત્યાંજ વચ્ચે ઉભો રહી ગયો. ત્યાંથી નીચે ઉતરવું પણ મુશ્કેલ હતું. જો લપસ્યા તો આવીજ બન્યું આજે તો. મેં કાનજીભાઈને કીધું કે આપણે કોઈ રીસ્ક નથી લેવું. જો જવાય એવું હોય તો જ આગળ જઈએ. કદાચ ચઢીતો જઈશું પણ અહીથી પાછા ઉતરાશે નહિ. કાનજીભાઈનું કહેવું હતું કે આપણે આ રસ્તેથી પાછા નહિ આવીએ, આગળ બીજા રસ્તેથી ઉતરી જઈશું. તમે ઉતરવાની ચિંતા ના કરો. કાનજીભાઈ મને ઉભો રાખીને આગળ ઉપર ચઢીને આગળનો રસ્તો જોવા ગયા. હું આજુબાજુના ફોટા પાડવા લાગ્યો. થોડીવારમાં કાનજીભાઈની બુમ સંભળાઈ કે આવી જાઓ આટલું મુશ્કેલ છે ચઢવાનું પછી તો ઉપરની બાજુ સમતલ જગ્યા જ છે. અહીંથી આગળ જવાની મારી ઈચ્છા નહોતી.
“બસ આટલું જ છે આવી જાઓ.”
“પણ નથી અવાય એવું તો કેવી રીતે આવું?”
“ઉભા રહો હું નીચે આવું છું. હું તમને બાણગંગા જોયા વગર પાછો નહિ જવા દઉં. આપણે હવે જોઇને જ પાછા જઈશું.”
જો કાનજીભાઈને આટલો વિશ્વાસ હોય તો મારે થોડી હિંમત કરીને ચઢવું જ જોઈએ. મેં થોડી હિંમત ભેગી કરીને ઉપર ચઢવાનું ચાલુ કર્યું ત્યાજ મારો પગ લપસ્યો અને વચ્ચે એક પથ્થરના સહારે અટક્યો. કાનજીભાઈએ મારો હાથ પકડીને મને ઉપર ખેચ્યો અને પથ્થરોના ટેકે ટેકે પથ્થર પકડીને મહામહેનતે ઉપર ચઢ્યો. ત્યાંથી થોડું નીચે ઉતારવાનું હતું. નીચે ઉતારીને થોડી શાંતિ થઇ. સામે થોડે દુર એક ઉંચી સપાટ શીલા દેખાતી હતી. ઉપર પીળા રંગના ઘણા ફૂલો ઉગેલા હતા. અમે સવારે ૮:૦૦ વાગ્યા જેવા જ્યાં બાણગંગા હતી તે પથ્થરની શીલા નીચે પહોચી ગયા.
તે પથ્થરની શીલાની વચ્ચોવચ્ચ એક નાની ગુફા જેવું હતું. તે જ બાણગંગા. કાનજીભાઈના કહેવા મુજબ સામે દેખાતા પર્વત પરથી ભીમે બાણ માર્યું હતું અને તેમાંથી બારેમાસ કુદરતી પાણી આવે છે. કાનજીભાઈ પોતાના ચંપલ નીકાળીને ચાર પગે ઉપર જતા રહ્યા. હું નીચે ઉભો રહીને તેમને જોતો જ રહ્યો. એકદમ સીધું ચઢાણ હતું જે દોરડા વગર ચઢવું મારા માટે મુશ્કેલ હતું. કાનજીભાઈએ તેમાંથી પાણી કાઢીને બતાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવી જાઓ નહીતર આવું જોવાનું ચૂકી જશો. આટલી હિંમત કરી છે તો થોડી વધારે કરી લો અને આવી જાઓ ઉપર. હું પણ બુટ અને મોજાં કાઢીને સંભાળીને કાનજીભાઈની મદદથી ઉપર પહોચી ગયો. ફરીથી તેમાંથી પાણી કાઢીને બતાવ્યું. ખુબજ અચરજ થયું. નીચે ઉતરીને પથ્થરની શીલા ઉપર જ આડો પડી ગયો અને દુઃખ થયું કે આવા સ્થળ ઉપર આવવા માટે કોઈ રસ્તો નથી અને આજે પણ આવા સ્થળ લોકોની જાણ બહાર છે. ઇડર માટે આજે મને ગર્વનો અનુભવ થયો. કાનજીભાઈ મારા મોબાઈલમાંથી મારા અને આજુબાજુના ફોટા પાડવા લાગ્યા. એમને મજા આવતી હોય એવું લાગ્યું. ક્યારેક મારી સામે આવીને ફોટા પડે તો ક્યારેક દુર જઈને ફોટા પાડતા. ફોટા પડતી વખતે તેમણે મારા સ્વેટરમાં ઘુસી ગયેલા કાંટા જોયા અને તેને કાઢવા લાગ્યા. આ ડુંગરની ઉપર એક બીજો ડુંગર છે ત્યાં ભીમચોરી આવેલી છે. પણ સમય ના અભાવે ત્યાં જવાનું રહેવા દીધું.
સૂર્યના કિરણોથી સામેનો ડુંગર ખુબજ સુંદર દેખાતો હતો. એક મોટા પથ્થર ઉપર હું અને કાનજીભાઈ બેઠા અને ઘરેથી લાવેલો નાસ્તો કર્યો. આજુબાજુના બીજા આવા સ્થળો વિષેની માહિતી આપી. કાનજીભાઈની પ્રિય એવી સિંગ થોડી ખાધી અને થોડી ખીચામાં મૂકી. થોડીવાર પછી નીચે ઉતારવાની તૈયારી કરી.
નીચેના દ્રશ્યો જોતા જોતા અમે આગળ વધ્યા. પથ્થરોના આકાર ચોક્કસ મનને મોહી લે તેવા હતા. સહેજ આગળ જતા દુરથી રાણી તળાવ, ઈડરિયો ગઢ, રણમલની ચોકી અને રૂઠીરાણીનું માળિયું દેખાતું હતું. પથ્થરો કાપવાના માટેના જેસીબીના રસ્તે લપસતા લપસતા પાછા પેલા હોજ પાસે આવી ગયા. સવારે ૯:૦૦ વાગ્યા જેવા અમે પાછા નીચે મંદિરે આવી ગયા.