31 12 2017 રવિવાર
સવારે રોજના ઉઠવાના નિયત સમય મુજબ મંદિરની ગોળ ફરતે ચાલ્યો અને થોડું દોડ્યો. સવારે ઠંડીનું પ્રમાણ વધારે હતું. મંદિરની બાજુમાં ચાની કીટલી મૂકેલી હતી. બધાએ ચા પીધી. દર્શન માટે મંદિરમાં ગયા. મંદિરની અંદર સેવાભાવી ભાઈ સુંદર મજાનું ગીત ગાઈ રહ્યા હતા. દર્શન કરીને ગાડીમાં ગોઠવાઈ ગયા.
એટલામાં દૂરથી પૂજારીજી અમને જોઈ રહ્યા હતા. તેમનો ચહેરો ઉદાસ દેખાતો હતો. વર્ષનો આજે છેલ્લો દિવસ હતો અને અમારા પ્રવાસનો પણ. હું પણ થોડો ઉદાસ થઇ ગયો. અમે વ્રજવાણીથી બેલા ગામ તરફ આગળ વધ્યા. બેલા ગામમાં વારાહિ માતાનું સ્થાનક આવેલું છે. બેલા ગામથી ફતેગઢ તરફના રસ્તે થઇને સવારે 8:30 વાગે મોમાઈ માતાજીના જુના મંદિરે પહોંચ્યા. દર્શન કર્યા. બાંકડા ઉપર બેસીને ચા પીધી. મોમાઈ માતાજીનું નવું મંદિર જુના મંદિરથી એક કે બે કિલોમીટરના અંતરે આવેલું છે. કોઈનો નહાયા વગર મુડ નહોતો આવતો એટલે ત્યાં પહોંચીને મંદિરના એક ભાઈને ગરમ પાણી અને રૂમ વિશે પૂછતાજ કરી. ત્યાં રૂમનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો પણ પાણી તમારે જાતે ગરમ કરવું પડશે કારણ કે પાણી ગરમ કરવા વાળા ભાઈ જતાં રહ્યાં છે. રૂમની ચાવી લઇ લીધી અને પાણી ગરમ કરવા માટે તપેલું રસોડામાંથી લઈને પાણી ગરમ કરવા લાગ્યા. પાણી જલદી ગરમ થતું નહોતું. ધીમે ધીમે નહાવાનું પતાવીને બધા મંદિરે ગયા. એટલામાં બપોરના બાર વાગી ગયા હતા. ભોજનશાળામાં જમીને અમે અમારો પ્રવાસ આગળ ધપાવ્યો.
સહેજ આગળ ગયા ત્યાં ચાર રસ્તા ઉપર એક પોલીસવાળા ભાઈ દોડતા અચાનક અમારી ગાડી સામે આવીને ઉભા રહી ગયા. બધા એકદમ ડઘાઈ ગયા. અરે…અહીં શેનું ચેકિંગ? ગાડી ઉભી રાખી. તેમને આગળ જવું હતું એટલે પૂછતાછ કરી પણ ગાડીમાં જગ્યા નહોતી. પાછળથી આવતા એક ટ્રકમાં તેઓ ચડી ગયા.
અમે આડેસરવાળા રસ્તે આગળ વધતા ગયા. મોબાઈલમાં નેટવર્કના હોવાથી નેવિગેશન બરોબર કામ કરતું નહોતો એટલે વચ્ચેના અજાણ્ય રસ્તે જવા કરતાં મુખ્ય રોડ ઉપર જ ગયા. અડેસરથી રાપર જતા વચ્ચે સુઈગામ આવે છે સુઈગામ થી સહેજ આગળ હોથલધામ આવેલું છે.
હોથલધામ એક પ્રાકૃતિક અને રમણીય સ્થળ છે. મંદિર પથ્થરોને અડીને આવેલું છે. પથ્થરોના રંગ ખુબ જ આકર્ષિત કરતા હતા. પથ્થરમાં એક ગુફા જેવું હતું. મંદિરમાં કામ કરતા સેવાભાવી બહેન પૂછવા આવ્યાં કે “તમે ચા પીશો?” પણ મોડું થતું હોવાથી અમે ના પાડી પણ તેમની હઠ સામે અમે ઝૂકી ગયા. મારી પત્ની તેમની સાથે ચા બનાવવા ગઈ તો તેમણે ના પાડી દીધી કે તમારે ચા ના બનાવવાની હોય. તમતમારે બેસો. થોડા સમયમાં અમારા માટે ચા બનાવી લાવ્યા. ચા પીધા પછી તેમની વિદાય વિદાય લીધી.
પાછા સુઈગામ આવ્યા. ત્યાંથી ચિત્રોડ થઈને વચ્ચે જુના કટારીયા ગામમાં આવેલા જૈન મંદિરની મુલાકાત લીધી. ત્યાંથી અમદાવાદ-ભુજ વાળા ચારમાર્ગીય રસ્તે થઈને, સાંજે પાંચ વાગ્યા જેવા ચા-નાસ્તો કરવા માટે હળવદ ઊભા રહ્યા. ત્યાંથી સહેજ આગળ નકલંકધામ પીપળીધામના દર્શન કરીને વિરમગામ પછી જમીને રાત્રે ૧૦:૧૫ વાગે ઘરે પહોંચી ગયા.
હજી પણ કચ્છના ઘણા જોવાલાયક સ્થળ રહી ગયા તેની નોંધ બનાવીને રાખી છે. જોઈએ ત્રીજીવારનો કચ્છ પ્રવાસ કયારે થાય છે…!!!