Library

થાળીમાં ઘણી બધી વાનગીઓ હોવા છતાં તે વાનગીઓ આપણે ખાઈ શકતા નથી કેમ એ તમે વિચારજો અને આવો જ ઘાટ લાઇબ્રેરી સાથે થાય છે કે લાયબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો હોય છે તેમ છતાં આપણે પુસ્તકો વાંચી શકતા નથી.
શરૂઆતના દિવસમાં એકવાર લાઈબ્રેરીની વિઝિટ કરતા પણ પછી ધીમે ધીમે લાયબ્રેરીમાં જવાનું પણ ઘટતું ગયું ક્યારેક મહિનામાં એક કે બે વખત જતા હોઈશું.
અમારી સંસ્થાની લાયબ્રેરી માં ઘણી બધી ઇવેન્ટ ચાલતી રહેતી હોય છે. જેવી કે book review, The StoryTellers,book display,.. એની જાણ અમને ઈમેલ દ્વારા કરવામાં આવે છે અને વિચારીએ છે કે જઈશું પણ કામના લીધે નથી જઇ શકતા.
એકવાર આવો જ એક ઇમેલ સવારે 7:00 વાગે આવ્યો પહેલા તો ઇગ્નોર કરવાનું મન થયું પણ પછી ખોલીને જોઈ લીધું. ઇવેન્ટનું નામ હતું Did You know.
તેમાં મહિનામાં એકવાર તમને પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ તમારે આપવાનો હોય છે. જવાબ લખીને સબમીટ કરી દીધો બીજા દિવસે ઈમેઈલમાં વિજેતાઓના નામ આવ્યા. વિજેતાઓ ને bookmyshow નું રૂ 200 વાઉચર ઇનામમાં આપવામાં આવ્યું.

Gettogather મિત્રો અને ઉજવણી

Gettogather એટલે એકબીજાને મળવું, ફોટા પાડવા અને છુટા પડવું. હા…અમે પણ આજ કરીયે છીએ. મળીએ છીએ, ફોટા પાડીએ છીએ અને ખૂબ બધી વાતો તથા જૂની યાદોને તાજી કરીને ખૂબ હસીએ છીએ. પણ અમારું મળવાનું લગભગ એક કે બે વર્ષ પછી જ થાય છે, એ પણ જ્યારે અમારો મિત્ર રીકેશ લંડનથી અમદાવાદ આવે છે ત્યારે….

આ વખતે પ્રસંગ હતો રીકેશની દીકરીના જન્મદિવસની ઉજવણીનો. ‘તું ઘરેથી નીકળ્યો કે નહીં?’ પૂછવા માટે રીકેશનો ફોન આવતો હતો. બધા અલગ અલગ દિશામાંથી આવતા હોવાની કોઈને ઉઠાવવાનો સવાલ જ નહોતો. બધા નક્કી કરેલી જગ્યા પર ડાયરેક્ટ પહોંચી જઈશું તેવું નક્કી કરેલું હતું એટલે કોઈની રાહ જોવાની નહોતી. અમે પણ નીકળી ચુક્યા હતા અને ત્યાંથી ચિરાગ અને ઉલ્પેશ પણ..

નજીક હોવાથી અમે સૌથી પહેલા પહોંચી ગયા અને રીકેશને મળ્યા. એજ ભાવ સાથે જે વર્ષો પછી પણ બદલાયો નહોતો, રીકેશે અમને ગળે લગાવીને અમને આવકાર્યા. એટલામાં ચિરાગ પણ પહોંચી ગયો. બસ ઉલ્પેશની રાહ જોવાઈ રહી હતી.

વાતવાતમાં એક વાત એવી થઈ ગઈ કે હું એકદમ વિચારોના વમળમાં ડૂબી ગયો. રીકેશે ઈશારો કરીને સામે લાઈનસર એક હરોળમાં બેઠેલા વ્યક્તિઓ તરફ જોઈને કહ્યું કે આ મારા પપ્પાનું મિત્ર વર્તુળ ને જ્યારે અમારી બાજુ આવીને કહ્યું કે આ મારું મિત્રવર્તુળ.. સાચી વાત પણ હાલ સમય બદલાઈ ગયો છે. કોઈને face to face મળવાનો સમય જ નથી પણ facebook ઉપર મળી લેવાય છે. ત્યાંજ જાતજાતના પ્રોગ્રામ બને અને ત્યાંજ સમાપ્ત થઈ જાય છે.

કેક કાપવાનો સમય થઈ ગયો હતો,ધીમે ધીમે બધા center માં ભેગા થવા લાગ્યો. ઉજવણી થવાની શરૂઆત થઈ ગઈ. કેક પણ કપાઈ ગઈ પણ હજી ઉલ્પેશ આવ્યો નહોતો. થોડા સમય પછી ઉલ્પેશ આવી ગયો. પાછી હસી મજાક ભરી વાતોનો પ્રવાહ ચાલુ થઈ ગયો. સાથે ફોટા પણ પડ્યા. અમે અમારા વર્તુળમાં ગોઠવાઈ ગયા હતા.

સૂપ સાથે ડિનર પણ ચાલુ થઇ ગયું અને સમય પણ એનું કામ કરવા માંડ્યો. ખાવાનું પતાવીને હવે છૂટા પડવાનો સમય પણ આવી ગયો. પણ કોઈના પગ આગળ વધતા નહોતા. બસ હવે જઈએ,બસ હવે જઈએ…એમ કહેતા કહેતા થોડો બીજો સમય પણ નીકળી જતો હતો. બસ હવે જઈએ….

એકબીજાને ભેટીને અમે ત્યાં નીચે પાર્કિંગમાં આવીને પણ વાતો કરવા લાગ્યા. ફરીથી જલદી મળીશુ એવી મજબૂત આશા સાથે ફરીથી એકબીજાને અનેકગણી લાગણીઓથી ભેટીને ચોક્કસ નિશ્ચય કરીને અમે અલગ અલગ દિશામાં ઓઝલ થઈ ગયા.

ચાલ જીવી લઇએ

તો વાત એમ છે કે અમે બીલેશ્વર જતા હતા ત્યારે રસ્તોમાં ભૂલું ના પડાય એટલે અમે ગૂગલ નેવિગેશન ચાલુ રાખ્યું હતું. રસ્તાની બંને બાજુ વૃક્ષોની હારમાળા હતી એટલે ગરમીનો એહસાસ થતો નહોતો. ગાડીની બધી બારીઓ ખુલ્લી હતી. તેમાંથી આવતો ઠંડો પવન અમારી સાથે વાતો કરતો હતો. થોડા થોડા સમય પછી મોબાઈલમાં જોઈ લેતા હતા કે રસ્તો બરોબર છે ને…!!! અચાનક એક સૂકું પાન ઉડીને મોબાઇલની સ્ક્રિન ઉપર ચોંટી ગયું. અમને કહી રહ્યું હતું કે મોબાઈલ છોડો બહારના રસ્તા ઉપર રહેલું પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લો. પછી મોબાઈલ બંધ અને રસ્તામાં ભૂલા પડીશું તો જોયું જશે. અને આખરે શોધતા શોધતા અમે સ્થળ ઉપર કોઈ પણ જાતની તકલીફ વગર પહોંચી ગયા.

“એક મજૂર”

“એક મજૂર”
હું ડૉક્ટર છું….. હું એન્જિનિયર છું….. હું સાયંન્સ્ટિસ્ટ છું….. કેવો ગર્વ થતો હશે જ્યારે કોઈ આવું બોલતું હશે….નહીં.
એક સાંજે દિવાળીના તહેવારોમાં મારી ગાડીની બેટરી અચાનક ડિસ્ચાર્જ થઈ ગઈ. ગાડી ચાલુ જ ના થાય. મેં મારા મિકેનિકભાઈને ફોન કર્યો કે કોઈ  મિકેનિકની વ્યવસ્થા થઇ શકતી હોય તો  જોઈ જુઓ. પણ કોઇ વ્યવસ્થા ના થઈ. તેમણે કીધું કે કોઈ નજીકમાં લોકલમાં મિકેનિક હોય તો તપાસ કરી જુઓ. હું હોસ્પિટલની આજુબાજુ તપાસ કરી પણ કોઈ મળ્યું નહીં. એક રિક્ષાવાળાભાઈને પૂછ્યું કે કોઈ મિકેનિક છે તો તેમણે કીધું કે મારા પાડોશમાં એક મિકેનિક છે. આપણે મિકેનિકને ઘરેથી લઈ આવીશું અને પાછા મૂકી આવીશું. સો રૂપિયા ભાડું થશે. મેં પૂ્છ્યું કેટલા કિલોમીટર છે. તેઓએ કીધું એકાદ કિલોમીટર હશે. હું તો અચંબામાં પડી ગયો. લોકો મુશ્કેલીમાં પણ લાભ લેવાનું ચુકતા નથી. હશે….ત્યારે…
મેં મારા પિતરાઇભાઈને ફોન કરીને અહીં બોલાવી દીધો. થોડી ક્ષણોમાં તે હોસ્પિટલ પહોંચી ગયો.
બેટરી સાવ ડિસ્ચાર્જ થઈ ગઈ છે. ધક્કો મારીને ગાડી ચાલુ કરીશું તો બેટરી પાછી ચાર્જ થઇ જશે તેવું તેનું માનવું હતું. હું ગાડીમાં બેસી ગયો. તેણે ગાડીને ધક્કો મારવાનું શરૂ કર્યું પણ એકલાથી ગાડી એટલી રાનિંગમાં નહોતી આવતી જેથી ગાડી ચાલુ થઈ શકે. થોડી મથામણ પછી મેં ગાડીને ધક્કો મારવાનો પ્રયત્ન કરી જોયો પણ પરિણામ શૂન્ય આવ્યું. ધક્કો મારવામાં જો બે જણ હોય તો કદાચ ગાડી ચાલુ થઈ જાય. એટલામાં એક અજાણ્યા ભાઈને આવતા જોયા.
મારો પિતરાઇભાઈ તેમને વિનંતી કરીને બોલાવી આવ્યો. હું અને તે ભાઈએ બે-ત્રણ વખત ધક્કો લગાવ્યો પણ કોઈ પરિણામ ના આવ્યું. એકવાર ફરીથી પ્રયત્ન કર્યો અને આંચકા સાથે ગાડી ચાલુ થઈ ગઈ. મારો પિતરાઈભાઈ ગાડીના બે-ત્રણ ગોળગોળ રાઉન્ડ લગાવતો હતો ત્યારે હું તે ભાઈનો આભાર માનવા તેમની સાથે વાતચીત કરવા લાગ્યો.
તેમનો આભાર માન્યો અને પુછ્યું તમે અહીજ રહો છો. તેમને કીધું હા અહીં નજીકમાં જ રહુ છું…..
“તમે શું કરો છો”

“હું મજૂર છું…!!!!!”
બસ આટલું કહીને તેઓ ચાલવા લાગ્યા અને જ્યાં સુધી આંખો સામેથી ઓઝળ ન થાય ત્યાં સુધી હું તેમને જોતો જ રહ્યો.
શું તે ભાઈને પણ એટલોજ ગર્વ થયો હશે કે “હું એક મજૂર છું???”

Vacation

વેકેશન…..

આ વેકેશનમાં આજના સ્માર્ટફોનના જમાનામાં દોડ, લીંબુ ચમચી, લંગડી, કોથળા દોડ, નાગોલચું, ફુગ્ગા ફોડ, સંગીતખુરશી, ડબ્બા ફોડ જેવી ભુલાતી જતી રમતો રમવાનો પ્રોગ્રામ અમારી સોસાયટીમાં બનાવ્યો હતો. જયારે આજના બાળકો એમના પેરેન્ટ્સને પૂછતાં હતા કે આ રમત કેવી રીતે રમાય ત્યારે ખરેખર ખુબ જ દુખ થતું હતું જયારે મોબાઈલમાં કોઈ ગેમ રમવાની હોય તો કોઈ પૂછે કે આ કેવી રીતે રમાય. બસ મને પણ મારું ઉનાળુ વેકેશન યાદ આવી ગયું.

વેકેશન…..એમાં પણ ઉનાળુ વેકેશનની મજા જ કાંઈ ઓર હોય છે. ઘણા લોકો પહેલાથી જ કોઈ હિલ સ્ટેશન પર જવાનો પ્લાન બનાવી દેતા હોય કાં તો બીજા કોઈ નજીકના સ્થળે જવાનો પ્લાન ગોઠવી દેતા હોય. આ બધા કરતા પણ મામાના ઘરે જવાનો રોમાંચ કઈક વધારે હોય છે અને યાદગાર પણ. “મામાનું ઘર કેટલે દીવો બળે એટલે” – એ પંક્તિ યાદ આવ્યા વગર ના રહે. પણ અમારે આવું કોઈ મામાનું ઘર નહોતું એટલે અમારું વેકેશન અમારે ઘરે જ વીતતું.
અમારા મોટાભાઈ વતનમાં નોકરી કરતાં એટલે ઉનાળુ વેકેશનમાં એમની ફેમીલી સાથે અમારા ઘરે આવતાં. અને એ આવે એટલે અમને એમ થતું કે અમારું વેકેશન પણ ચાલુ થઇ ગયું.
મોટાભાઈ આવે એટલે બધાં ઘરના ધાબા ઉપર જ ઉઘવા માટે જતા. ત્યાં કાલનો પ્રોગ્રામ બનાવતા અને અલકમલકની વાતો થાય અને ક્યારે સવાર પડી જાય એની ખબર જ ના પડે. એ વખતે અમારા મમ્મી કેરી કાપીને રસ બનાવતા અને બધા સાથે બેસીને જમતા. જમ્યા પછી પાછાં પત્તાની રમઝટ ચાલે. કાચુફુલ, ઝભ્ભો, જોકર, દો તીન પાંચ, દસ્સા પકડ, ચોકડી જેવી અલગ અલગ રમતો આખી બપોરે રમતા. સાંજ પડે એટલે અમને બધાને બહાર ફરવા લઇ જતા. અમદાવાદમાં તે સમયે બસ અને રીક્ષામાં ફરવાની મજા આવે. કોઈવાર બસ કે રીક્ષા ના મળે તો ચાલતાં પણ જતા પણ મજા આવતી. તે સમયે અમે લાલદરવાજા, માનવ મંદિર, સોલા મંદિર, ડ્રાઈવ ઇન, ગાંધીનગરનું અક્ષરધામ અને નવું બનેલું ઇસ્કોન મંદિર જોવા જતાં. ક્યારેક મોડું થાય તો કોઈ બસ કે રીક્ષા ના મળે તો ચાલતા ઘરે આવતાં. ચાલતા ચાલતા જે વાતો થતી હતી એ આજે whatsapp કે facebook માં પણ નથી થાતી. તે સમયે બધા પાસે પુરતો સમય હતો જે આજે નથી. અત્યારે તો પોતપોતાના વાહન ઉપર જેતે સ્થળે પહોચી જવાનું અને તેવી જ રીતે પાછા આવી જવાનું. ચાલતા જે વાતો થતી હતી એ વાતોનો આજે અભાવ છે. દસ પંદર દિવસ ક્યાં જતા રહેતા એ ખબર જ ના પડે. જયારે મોટાભાઈ પોતાના ઘરે જતા હોય ત્યારે એમ થાય કે એક દિવસ વધારે રોકાઈ ગયા હોત તો કેવું સારું. એ જાય એટલે એમ થાય કે અમારું વેકેશન પૂરું થઇ ગયું હોય એવું લાગે. જતા જતા દિવાળીના વેકેશનમાં ચોક્કસ પાછાં આવીશું એમ કહીને વિદાય લેતા.