કચ્છ પ્રવાસ (Kutch Road Trip) Day 2

૨૭/૧૨/૨ બુધવાર

રાત્રે 12:૦૦ વાગ્યા જેવાં સુરજબારી બ્રિજ પહોંચ્યા. સુરજબારીને કચ્છનું પ્રવેશદ્વાર કહેવાય છે. સામખીયાળી અને ભચાઉ થઈને રાત્રે સવા બે વાગ્યે જેવા અંજાર પહોચ્યા. જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લુંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે.

ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુંવારી જાનને લુંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર- ઢાંખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેને માટે સામાન્ય હતી. જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને મેળવીને તે જંપતો હતો. કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખુબ જ વખાણ કરતાં હતાં. આ વાત જેસલને કાને પડતાં તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો. તે લાગ જોઈને બેઠો હતો. એક વખત સાંસતિયાજીના ઘરે ભજન હતાં બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોચી ગયો તેમના ઘોડારમાં. અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દિધી અને ભગત પાસે જઈને ઉભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દિધી તે વખતે ખીલાની સાથે જેસલનો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો. સવારે જ્યારે પ્રસાદ વહેચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પુરો પડાતો હતો ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયાં. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયાં અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો. તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો. જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હુ તારી માંગણી પુરી કરવા માટે તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડુ શરૂ થઈ ગયું અને નાવ હાલક-ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાં અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું. જેસલને તેનું જ્ઞાત થતાં તેણે પાપમો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો.

અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. તે સમયે અમારા સિવાય કોઈ દેખાતું નહોતું. મંદિર બંધ હતું. રૂમની બારી ખુલ્લી હતી તેમાંથી દર્શન કર્યા. દર્શન કરીને માંડવી તરફ આગળ વધ્યાં.

IMG_20171227_021800

રસ્તામાં સામેથી કે પાછળથી કોઈ ગાડી નજરે પડતી નહોતી. તે સમયે અમિતાભ બચ્ચનની ગીતની પંક્તિઓ યાદ આવી ગઈ,

“અંધેરી રાતોમે, સુનસાન રાહો પર

એક મસિહા નિકલતા હૈ, જીસે લોગ શહેનશાહ કહેતે હૈ…”

IMG_20171227_032029

ક્યારેક રસ્તામાં અચાનક શિયાળ આવી જતા હતા એટલે ગાડીને સ્પીડમાં નહોતા ચલાવી શકતા. હવે સવારના ત્રણ વાગવા આવ્યા હતા. ધીમે ધીમે આંખો પણ ઘેરાવા લાગી હતી. ક્યાંક કોઈ ચાની દુકાન આવે તો ચા પીએ, પણ રસ્તામાં કોઈ ચાની દુકાન ખુલ્લી જોવા ના મળી. સવારે 3:45 વાગ્યે કોડાય 72 જીનાલય પહોંચી ગયા. મંદિરના કેમ્પસમાં આવીને ગાડીમાં જ થોડા સમય માટે ઊંઘી ગયા. બહાર ઠંડીનું પ્રમાણ વધારે લાગતું હતું.

રોજની જેમ સવારે પાંચ વાગ્યે નું એલારામ વાગ્યું. ગરમ પાણી માટે મુખ્ય દરવાજા ઉપર રહેલા ચોકીદારને પૂછ્યું. ચોકીદારના કહેવા મુજબ ગરમ પાણી રોડની બાજુમાં આવેલા રૂમના પાછળના ભાગમાં પાણી ગરમ કરવાનો બંબુ છે, જ્યાંથી ગરમ પાણી મળી જશે. ત્યાં એક ભાઈ પાણી ગરમ જ કરતા હતા. ત્યાં તેમની સાથે બે ઘડી વાતો કરી. તેઓ રોજ સવારે વહેલા બાજુનાં ગામમાંથી અહીં પાણી ગરમ કરવા માટે આવે છે. સવારે ઠંડી વધારે હતી પણ તેમણે ઠંડીથી બચવા માટે કોઈ ગરમ કપડાં પહેર્યાં નહોતા. નિત્યક્રમ પતાવીને તૈયાર થઈને મંદિરના મુખ્ય દરવાજા પાસે તાપણું તપાવીને બેઠેલા ચોકીદાર ભાઈ સાથે થોડો સમય બેસીને શેક કરી લીધો. કુતરાના નાના-નાના બચ્ચા ખૂબ જ તોફાન કરતા હતા.

સવારે મંદિરનું કેમ્પસ જોવા નીકળી પડ્યો. મંદિર ખુબ જ વિશાળ જગ્યામાં બનેલું છે. 72 જીનાલય જૈનોનું ઘણું મોટું ધામ છે અને ખૂબ પ્રચલિત છે. તેમાં એક મુખ્ય મંદિર અને તેની ચારે બાજુ બીજા ૭૨ મંદિરો આવેલા છે. રાત્રીના પ્રકાશમાં મંદિર ખૂબ જ પ્રભાવિત કરતું હતું.

IMG_20171227_063309

સવારે સવા છ વાગ્યે મુખ્ય દરવાજા બહાર એક કેન્ટીન ખુલી ગઈ હતી. ત્યાંની ચા ખુબ જ સરસ હતી. તે ચા ફક્ત પાંચ રૂપિયાની હતી. ચા પીને ચાલ્યા માંડવી તરફ.

IMG_20171227_064126

સવારે ૭:૦૦ વાગે અમે માંડવી બીચ પર પહોંચી ગયા. નહીવત લોકો જ હતા. પાણીના મોજાં ખૂબ જ ઉછળતા હતાં. બીચ ઘણો સરસ છે. અહીં કિનારાઓ પર લાઈનબંધ પવનચક્કીઓ લગાડેલી છે પક્ષીઓનો કલરવ થતો હતો જાણે બધાને જગાડતા હોય તેમ અહીંથી ત્યાં ઉડાઉડ કરતા હતા. સૂર્યોદય થવાની તૈયારીમાં જ હતી. ફોટા પાડ્યા. સવાર સવારમાં બીચ પર લટાર મારવાની ખૂબ જ મજા પડી. ઘણા લોકો સવારના મોર્નિંગ વૉક માટે આવેલા હતા. અમે પણ થોડું કિનારે કિનારે ચાલ્યા ત્યાંથી વિજય વિલાસ પેલેસ પણ દેખાતો હતો. અવિસ્મરણીય પળોને કેમેરામાં કેદ કરીને ચાલ્યા વિજય વિલાસ પેલેસ જોવા.

અહીંથી વિજય વિલાસ પેલેસ ૯ કિમીના અંતરે આવેલો છે. વિજય વિલાસ પેલેસ જતા રસ્તામાં ઘણા પ્રાઇવેટ બીચ પણ આવેલા છે. સવારે ૮:૧૫ વાગે વિજય વિલાસ પેલેસ પહોંચ્યા. વિજય વિલાસ પેલેસ જોવા માટે ટિકિટ લેવાની હોય છે. ટીકીટ લઈને અમે આગળ વધ્યા.

મહેલના આગળના ખુલ્લા ભાગમાં ખૂબ જ વૃક્ષો ઉગાડેલાં છે. ચારે બાજુ લીલોતરી જ દેખાય છે. આંખોને ઠંડકનો અહેસાસ થાય તેવું આલ્હાદક વાતાવરણ હતું. પથ્થરમાંથી ત્રણ માળનો બનાવેલો મહેલ જોતા બહારથી જ ભવ્ય લાગે છે. પેલેસને ભોયતળીયે બેઠકરૂમ, બેડરૂમ અને લોબીઓ વગેરે આવેલા છે. બેઠકરૂમમાં ઉચ્ચકક્ષાનું ફર્નિચર છે. પહેલા માળે રાજાઓનું નિવાસ્થાન છે જે આમ જનતા માટે ખુલ્લું નથી. અમે ગોળાકાર સીડી દ્વારા બીજા માળે ગયા. ત્યાં જૂનીપુરાણી લીફ્ટ પણ હતી જે ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી. બીજા માળે ઘુમ્મટ અને કલાત્મક છત્રીઓ બનાવેલી છે. ત્યાંથી આજુ બાજુના દેખાતા દ્રશ્યો ચોક્કસ મનને હરી લે છે. બે ઘડી પેલી છત્રીઓમાં બેઠા અને ફોટા પડાવ્યા. અહીં કમાન્ડો, હમ દિલ દે ચુકે સનમ, લગાન જેવી ફિલ્મોનું શૂટિંગ થયેલું છે.

છેવટે મહેલ જોઈને અમે અંબેધામ તરફ આગળ વધ્યા. જ્યાંથી ૧૫ કિ.મી.ના અંતરે અંબાજી માતાનું વિશાળ મંદિર છે. અંબેધામ સવારે ૯:૩૦ વાગ્યા જેવાં પહોંચી ગયા હતા. મંદિર આખેઆખુ આરસનું બનેલું છે. મંદિરની આગળના ભાગમાં પિત્તળના સિંહ ધ્યાનાકર્ષિત કરે છે. દર્શન કરી ધન્યતાનો અનુભવ થાય છે. મંદિરના પાછળના ભાગમાં ગિરનાર પર્વતની પ્રતિકૃતિ બનાવેલી છે. આગળના ચોગાનમાં રામનામનો તરતો પથ્થર છે જેનું વજન ૭ કિલો છે. મંદિરના આંગણામાં સંસ્કૃતિધામ અને પ્રેરણાધામના પ્રદર્શન બનાવેલા છે. જે અચૂક જોવા જેવા છે. તેની બાજુમાં વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ બનાવેલી છે. તેની બાજુમાંથી અન્નક્ષેત્રમાં જવાનો રસ્તો છે. ત્યાં યાત્રિકોને જમવા માટેની વ્યવસ્થા છે. યાત્રિકો યથાશક્તિ દાન નોંધાવી શકે છે. જેનાથી અન્નક્ષેત્રનો વહીવટ ચાલે છે. મંદિરની ચોખ્ખાઈ એકદમ સરસ હતી. ત્યાં યાત્રિકોને રહેવા માટેની પણ વ્યવસ્થા છે.

અંબેધામથી નારાયણ સરોવર જતા રસ્તામાં પિંગલેશ્વર મહાદેવ મંદિર, પિંગલેશ્વર બીચ, કોઠારા નલિયા, જખૌ બંદર, રામવાડા જેવાં ધાર્મિક અને દાર્શનિક સ્થળો આવે છે, પણ આ બધા સ્થળો જોવાના મુલતવી રાખી ને સીધા નારાયણ સરોવરના રસ્તે આગળ વધ્યા. જેમ જેમ આગળ વધતા જતા હતા તેમ તેમ રસ્તો ઉજ્જડ થતો જતો હતો. હવે આંખો પણ ઘેરવા લાગી હતી. બપોરે ૧:૩૦ વાગ્યે નારાયણસરોવર પહોંચ્યા અને રૂમમાં જઈને સુઈ ગયા.

IMG_20171227_131146

સાંજના ૪:૩૦ વાગ્યે ઉઠ્યા. બાથરૂમમાં મસ્ત ગરમ પાણી આવતું હતું. ગરમ પાણીથી નાહીને તૈયાર થઈને નારાયણ સરોવર જોવા ગયા.

નારાયણ સરોવર ભુજથી ૧૫૦ કિ.મી.ના અંતરે આવેલું છે. જે હિંદુઓનું પવિત્ર યાત્રાધામ છે. નારાયણ સરોવર મુખ્ય પાંચ પવિત્ર સરોવરો પૈકીનું એક છે. (૧) માનસરોવર(કૈલાશ) (૨) બિંદુસરોવર (સિધ્ધપુર-ગુજરાત) (૩) પમ્પા સરોવર(કર્નાટક) (૪) બ્રહ્માસરોવર(પુષ્કર-રાજસ્થાન) (૫) નારાયણ સરોવર(કચ્છ) આ પાંચ પૈકી નારાયણ સરોવરનું સર્જન સૌપ્રથમ થયું છે. આખા વિશ્વનું સર્વપ્રથમ મીઠા જળનું સરોવર તે નારાયણ સરોવર છે.

પૃથ્‍વી ઉપર સર્વત્ર સમુદ્ર ફેલાયો હતો. ક્યાંય ઘરતી જળની ઉપર જણાતી ન હતી. ત્‍યારે પૃથ્‍વી ઉપર સજીવ સૃષ્ટિની શરૂઆત કરવા માટે ભગવાન વિષ્‍ણુ મત્‍સ્‍યાવતાર ધારણ કરી સ્‍વયં મોટું માછલું બની પૃથ્‍વી ઉપરના સાગરમાં ઊતર્યા હતા. અંતરીક્ષમાં વસતાં સપ્‍તર્ષિ‍ને આ વાતની આગોતરી જાણ થઈ હતી. તેથી તેઓએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ! તમારા મત્‍સ્‍યાવતારના દર્શન અમને કરાવજો. વિષ્‍ણુ સંમત થયા. સપ્‍તર્ષિ‍ કહે કે અમે ક્યાં બેસીને દર્શન કરીશું ? પૃથ્વી ઉપર ક્યાંય જમીન તો  નથી ! વળી પ્રભુનાં દર્શન કરતાં પહેલાં સ્‍નાન કરવું જોઈએ તથા જલપાન કરવા માટે મીઠું પાણી પણ પૃથ્વી પર નથી તો શું કરવું ? તેમની પ્રાર્થના સાંભળી ભગવાને પૃથ્વી ઉપર એક મીઠા જળનું સરોવર સર્જ્યું, જેમાં સ્‍નાન કરી સરોવરની પાળ ઉપર સાતે ઋષિઓ બેસી ગયા. વૈકુંઠમાંથી વિષ્‍ણુ ભગવાન મત્‍સ્‍યદેહ ધારણ કરી પૃથ્વી ઉપર પધાર્યા. મત્‍સ્‍યાવતારના દર્શન કરી સપ્‍તર્ષિ‍ રાજી થઈ ગયા. તેમણે વિષ્‍ણુ ભગવાનની કૃપા સ્‍વરૂપ આ નાનકડા સરોવરનું નામ ”નારાયણ સરોવર” રાખી તેમની સ્‍મૃતિ કાયમ કરી.

કચ્છના આ પવિત્ર સ્થાનની યાત્રા વિના અને નારાયણ સરોવરમાં સ્નાન કર્યા વિના ભારતનાં અન્ય તીર્થધામોની યાત્રા અધૂરી ગણાય. દ્વારકાના મંદિરો જેવા શ્રીત્રિકમરાયજી મુખ્ય મંદિર અને બીજા આદીલક્ષ્મીનારાયણ મંદિર, ગોવર્ધનનાથજી, દ્વારીકાનાથજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. કાર્તિક પૂર્ણિમા એ અહીં મેળો ભરાય છે.

દર્શન કરીને મંદિરની બહાર આવીને ચા પીધી. પછી કોટેશ્વર મહાદેવ મંદિરે ગયા. વચ્ચે ગુજરાત ટુરીઝમની તોરણ હોટલની મુલાકાત લીધી.

IMG_20171227_171701

કોટેશ્વરની  કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટોશ્વરનું મંદિર બન્યું.

નારાયણસરોવરથી કોટેશ્વર મહાદેવ મંદિર ૩ કિ.મી.ના અંતરે આવેલું છે. પાર્કિંગની બાજુમાં જ બીએસએફની ઓફિસ આવેલી છે. કોટેશ્વર મહાદેવ મંદિર થોડું ઊંચાઈ પર આવેલું છે. મંદિર આગળ બેસવા માટે ઓટલો અને સુંદર મજાની બેઠકની વ્યવસ્થા કરેલી છે. ત્યાં બે ઘડી ઠંડા અને સૂસવાટા મારતા પવનમાં બેસીને સુર્યાસ્તને માણ્યો. દુર દુર સુધી પાણી સિવાય કશું જ ના દેખાય. અહીથી થોડા અંતરે શરણેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. ચાલતા ચાલતા મંદિરે ગયા. ત્યાં પાપ-પુણ્યનો સ્તંભ છે. મંદિરની નજીકમાં બીએસફની ચોકી છે. ત્યાંથી કોઈને આગળ જવા દેવામાં આવતા નથી. અમે પણ ત્યાંથી પાછા ફર્યા અને સીધા વાલરામ અન્નક્ષેત્રમાં જમવા માટે ગયા.

જમીને પાછા ધરમશાળા આવ્યા. ત્યાં શૈક્ષણિક પ્રવાસમાં આવેલા નાના છોકરાઓ ગરબા ગાતા હતા. રાત્રે પાછા ચા શોધવા નીકળ્યા, પણ ચા ના મળી અને રૂમ ઉપર આવીને સૂઈ ગયા.

IMG_20171227_212434

કચ્છ પ્રવાસ (Kutch Road Trip) Day 6

31 12 2017 રવિવાર

સવારે રોજના ઉઠવાના નિયત સમય મુજબ મંદિરની ગોળ ફરતે ચાલ્યો અને થોડું દોડ્યો. સવારે ઠંડીનું પ્રમાણ વધારે હતું. મંદિરની બાજુમાં ચાની કીટલી મૂકેલી હતી. બધાએ ચા પીધી. દર્શન માટે મંદિરમાં ગયા. મંદિરની અંદર સેવાભાવી ભાઈ સુંદર મજાનું ગીત ગાઈ રહ્યા હતા. દર્શન કરીને ગાડીમાં ગોઠવાઈ ગયા.

એટલામાં દૂરથી પૂજારીજી અમને જોઈ રહ્યા હતા. તેમનો ચહેરો ઉદાસ દેખાતો હતો. વર્ષનો આજે છેલ્લો દિવસ હતો અને અમારા પ્રવાસનો પણ. હું પણ થોડો ઉદાસ થઇ ગયો. અમે વ્રજવાણીથી બેલા ગામ તરફ આગળ વધ્યા. બેલા ગામમાં વારાહિ માતાનું સ્થાનક આવેલું છે. બેલા ગામથી ફતેગઢ તરફના રસ્તે થઇને સવારે 8:30 વાગે મોમાઈ માતાજીના જુના મંદિરે પહોંચ્યા. દર્શન કર્યા. બાંકડા ઉપર બેસીને ચા પીધી. મોમાઈ માતાજીનું નવું મંદિર જુના મંદિરથી એક કે બે કિલોમીટરના અંતરે આવેલું છે. કોઈનો નહાયા વગર મુડ નહોતો આવતો એટલે ત્યાં પહોંચીને મંદિરના એક ભાઈને ગરમ પાણી અને રૂમ વિશે પૂછતાજ કરી. ત્યાં રૂમનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો પણ પાણી તમારે જાતે ગરમ કરવું પડશે કારણ કે પાણી ગરમ કરવા વાળા ભાઈ જતાં રહ્યાં છે. રૂમની ચાવી લઇ લીધી અને પાણી ગરમ કરવા માટે તપેલું રસોડામાંથી લઈને પાણી ગરમ કરવા લાગ્યા. પાણી જલદી ગરમ થતું નહોતું. ધીમે ધીમે નહાવાનું પતાવીને બધા મંદિરે ગયા. એટલામાં બપોરના બાર વાગી ગયા હતા. ભોજનશાળામાં જમીને અમે અમારો પ્રવાસ આગળ ધપાવ્યો.

સહેજ આગળ ગયા ત્યાં ચાર રસ્તા ઉપર એક પોલીસવાળા ભાઈ દોડતા અચાનક અમારી ગાડી સામે આવીને ઉભા રહી ગયા. બધા એકદમ ડઘાઈ ગયા. અરે…અહીં શેનું ચેકિંગ? ગાડી ઉભી રાખી. તેમને આગળ જવું હતું એટલે પૂછતાછ કરી પણ ગાડીમાં જગ્યા નહોતી. પાછળથી આવતા એક ટ્રકમાં તેઓ ચડી ગયા.

અમે આડેસરવાળા રસ્તે આગળ વધતા ગયા. મોબાઈલમાં નેટવર્કના હોવાથી નેવિગેશન બરોબર કામ કરતું નહોતો એટલે વચ્ચેના અજાણ્ય રસ્તે જવા કરતાં મુખ્ય રોડ ઉપર જ ગયા. અડેસરથી રાપર જતા વચ્ચે સુઈગામ આવે છે સુઈગામ થી સહેજ આગળ  હોથલધામ આવેલું છે.

IMG_20171231_123347

હોથલધામ એક પ્રાકૃતિક અને રમણીય સ્થળ છે. મંદિર પથ્થરોને અડીને આવેલું છે. પથ્થરોના રંગ ખુબ જ આકર્ષિત કરતા હતા. પથ્થરમાં એક ગુફા જેવું હતું. મંદિરમાં કામ કરતા સેવાભાવી બહેન પૂછવા આવ્યાં કે “તમે ચા પીશો?” પણ મોડું થતું હોવાથી અમે ના પાડી પણ તેમની હઠ સામે અમે ઝૂકી ગયા. મારી પત્ની તેમની સાથે ચા બનાવવા ગઈ તો તેમણે ના પાડી દીધી કે તમારે ચા ના બનાવવાની હોય. તમતમારે બેસો. થોડા સમયમાં અમારા માટે ચા બનાવી લાવ્યા. ચા પીધા પછી તેમની વિદાય વિદાય લીધી.

પાછા સુઈગામ આવ્યા. ત્યાંથી ચિત્રોડ થઈને વચ્ચે જુના કટારીયા ગામમાં આવેલા જૈન મંદિરની મુલાકાત લીધી. ત્યાંથી અમદાવાદ-ભુજ વાળા ચારમાર્ગીય રસ્તે થઈને, સાંજે પાંચ વાગ્યા જેવા ચા-નાસ્તો કરવા માટે હળવદ ઊભા રહ્યા. ત્યાંથી સહેજ આગળ નકલંકધામ પીપળીધામના દર્શન કરીને વિરમગામ પછી જમીને રાત્રે ૧૦:૧૫ વાગે ઘરે પહોંચી ગયા.

હજી પણ કચ્છના ઘણા જોવાલાયક સ્થળ રહી ગયા તેની નોંધ બનાવીને રાખી છે. જોઈએ ત્રીજીવારનો કચ્છ પ્રવાસ કયારે થાય છે…!!!

 

કચ્છ પ્રવાસ (Kutch Road Trip) Day 5

30 12 2017 શનિવાર

આજે સવારે ઉઠવામાં મોડું થયું ધરમશાળાના પાછળના ભાગમાં ભચાઉનું રેલ્વેસ્ટેશન અને આગળ ભચાઉ સામખીયાળી હાઇવે આવેલો છે. એટલે આખી રાત ટ્રકોના અને ટ્રેનના હોર્નના અવાજ આવ્યા કરતાં હતા એટલે રાત્રે ઊંઘ બરાબર ના આવી. ઊઠીને સૌપ્રથમ ગીઝર ચાલુ કરી દીધું એટલે પાણી ગરમ થવા માંડે. ફટાફટ તૈયાર થઈને ગાડીમાં બધાં ગોઠવાઈ ગયા. સવારે ૮:૧૫ વાગે ધોળાવીરાના રસ્તે નીકળી પડ્યા. લગભગ ત્રણેક કિલોમીટર પછી હોટેલ લોધેશ્વરની બાજુમાં જમણી બાજુએ એક ફાંટો પડે છે. સીધો રસ્તો ભુજ જાય. જ્યાંથી અમે કાલે આવ્યા હતા. જમણી બાજુ ૧૫ કીલોમીટરના અંતરે ખરોઈ ગામ આવે છે. ખરોઈ ગામ થી ભરુડીયા જવા માટે બે રસ્તા છે. એક રસ્તો ડાબી બાજુ મનફરા થઈને ભરૂડિયા પહોંચાય અને સીધો રસ્તો કુડાજામપર થઈને ભરૂડિયા જવાય. તે ત્રણ રસ્તા ઉપર એક ભાઈને પુછ્યું કે એકલ માતાજી જવું હોય તો? તેમણે કીધું કે મનફરા વાળો રસ્તો થોડો ખરાબ છે એટલે આ રસ્તે આગળ વધો. અમે આગળ વધ્યા ત્યાં છ કિલોમીટર પછી કંથડનાથજી મંદિરનું બોર્ડ મારેલું હતું. ત્યાંથી આઠ કિમીએ મંદિર આવેલું છે. નજીક હોવાથી જમણી બાજુ કંથકોટના રસ્તે વળી ગયા. થોડા આગળ પહોંચ્યાં હોઈશું દુર ડુંગરની ટોચ ઉપર એક મંદિર દેખાતું હતું. કદાચ એ જ કંથડનાથજી મંદિર હશે. અમે કંથકોટ ગામ પછી એક કીલોમીટર પછી ડાબી બાજુ ચઢાવ વાળા રસ્તે વળી ગયા. કંથકોટ કિલ્લાના ભવ્ય દરવાજાના દર્શન થયા. દરવાજાની અંદર પ્રવેશતા જ ખુલ્લું મેદાન દેખાયું થોડું અચરજ થયું. દરવાજાની જોડે જ પુરાતત્વ શિવમંદિર છે. પણ તે તૂટી ગયેલું જણાયું. સવારે ૮:૪૫ વાગે કંથડનાથજી મંદિર આગળ પહોંચ્યા. દર્શન કર્યા. મંદિરની બહાર આવીને સામે કંથડનાથજી અખાડા નામનું મકાન હતું. અંદર પ્રવેશતાં ડાબી અને જમણી બાજુએ સંતોને રહેવા માટેની રૂમો હતી. અહીં કંથકોટનો કિલ્લો પ્રખ્યાત છે. એક ભાઈને પૂછ્યું કે આ કિલ્લો ક્યાં છે? તેમણે કીધું કે તમે જ્યાં ઉભા છો એ જ કંથકોટનો ભવ્ય કિલ્લો છે. ધરતીકંપમાં પૂરેપૂરો પડી ભાગ્યો. તે ભાઈએ પ્રસાદમાં ચા આપી.

નીચે ઉતરીને કંથકોટ કિલ્લામાં પ્રવેશધ્વારની સામે એક રસ્તો જતો હતો. અમે એ તરફ આગળ વધ્યા. ત્યાં જે રસ્તામાં દૂરથી દેખાતું હતું એ મોમાઈ માતાજી નું મંદિર હતું. ખુબજ શાંત વાતાવરણ હતું. મંદિર ઊંચાઈ ઉપર છે ત્યાંથી નીચેનું દ્રશ્ય ખુબ જ આહલાદક લાગતું હતું. બસ અહીં બેસી જ રહીએ એવી મનોસ્થિતિ હતી.

ત્યાંથી આઠ કિમીએ રામવાવ ત્રણ રસ્તા આવ્યા. જમણી બાજુનો રસ્તો રાપર જતો હતો અને ડાબી બાજુનો રસ્તો કુડાજામપર જતો હતો. ડાબી બાજુના રસ્તે ત્રણ કિલોમીટરના અંતરે કુડાજામપર અને ત્યાંથી જમણી બાજુ ભરૂડિયા જવાના રસ્તે આગળ વધ્યા. ત્યાથી ભરોડિયા ૪ કિ.મી.ના અંતરે છે. ભરૂડિયા ગામથી થોડે દુર ગયા ત્યાં જ નર્મદા કેનાલ આવી. બે ઘડી ઊભા રહ્યા. નર્મદાનું પાણી છેક કચ્છના સૂકા વિસ્તાર સુધી પહોંચવું એ આનંદની વાત છે. કેનાલમાં પાણી વહેતું હતું. ખુશનુમા વાતાવરણમાં અમે સવારે ૧૦:૧૫ વાગે એકલ માતાજી પહોંચ્યા.

એકલ માતાજીના મંદિરના પ્રવેશદ્વારમાંથી અંદર પ્રવેશતા જ આંખોને ઠંડક મળે એવી લીલોતરી દેખાઈ. મંદિરના આંગણામાં ઘણાં વૃક્ષો જોવા મળ્યા અને આ ઘટાદાર વૃક્ષો વચ્ચે એકલ માતાજીનું મંદિર સ્થિત છે.  તેની બાજુમાં   પ્રિતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગમાં ડાબી બાજુએ પરમ પૂજ્યશ્રી રુદ્ર ભદ્ર બાપુના ચરણાવિંદ છે. જેઓ રુદ્ર ભદ્ર તરીકે પ્રતિષ્ઠિત થયા. ત્યાં રાખેલી તકતી મુજબ  1857ની અફળ રહેલી ક્રાંતિ પછી ભગવાધારી ચાર જણા કચ્છમાં આવ્યા. તેમાંના એક આ બાબા રુદ્ર રણની કાંધીએ એકલમાતાના આશરે અહીં લોક કલ્યાણના કાર્યમાં પરોવાયા. અને મનની માનેલ દિકરીના સુખ કાજે મનફરામાં યોગી કંથડનાથજીની જગ્યામાં જીવતે સમાધિ લીધેલ. તેમની સ્મૃતિમાં આ સ્મૃતિસ્થાન બનાવેલ છે. તેવી જ રીતે જમણી બાજુએ કચ્છના પ્રખ્યાત જાદુગર તરીકે જેની ગણના થતી હતી એવા મોનજી રામજી પોપટ ઉર્ફે “મોનો ખેલાડી” ના ચરણવિંદ  બનાવેલા છે. જેઓ જીવનભર આત્યંતિક ગરીબાઈ  વચ્ચે પણ વિચલિત થયા વગર વેદનાને લોકરંજનમાં ફેરવી અને લોકહીતના કાર્યો કરતા મૃત્યુ પામ્યા. મંદિરની સામે સુંદર મજાનું ઘટાદાર લીમડાનું ઝાડ છે. તેની બાજુમાં બેસવા માટે સુંદર અને વિશાળ ઓટલો છે. ત્યાં પ્રસાદ તરીકે ચા મૂકેલી જ હોય છે.

 

મંદીરની થોડે દૂર એક સફેદ રણ આવેલું છે જેને એકલનું રણ તરીકે ઓળખવામાં આવે છે. ગાડી છેક સુધી જાય તેવો રસ્તો છે. એકલ રણ માં અમારા સિવાય કોઈ જ નહોતું. દૂર-દૂર સુધી એકદમ નીરવ શાંતિ પથરાયેલી હતી. અહીં સીધા સીધા જઈએ તો ધોળાવીરા પહોંચાય, પણ જોખમ ન લેવાય ક્યાંક મીઠાના સફેદ રણમાં ગાડી ફસાઈ જાય તો  કોણ બચાવવા આવે. ત્યાથી 10:40 રવેચી માતાના રસ્તે આગળ વધ્યા.

એકલ માતાજી થી નારણપર સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો ખરાબ હતો. વચ્ચે એક પાણીનું ખૂબ જ મોટું કહી શકાય એવું નાળું પાર કર્યું. ત્યાં ખૂબ જ પ્રમાણમાં ખળખળ કરતુ પાણી વહેતું હતું. આમ સુવાઈ થઈને અમે સવારે 11:00 વાગે રવેચી માતાના મંદિરે પહોંચ્યા.

IMG_20171230_110946

અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતિવાળું છે. ઘટાદાર વૃક્ષો, તળાવ કિનારાની શીતળ હવા અને કુદરતી સૌંદર્ય જોઇને મન પ્રફુલ્લિત થઇ જાય છે. બધી જ મુશ્કેલી અને સંકટો વિસરાઈ ગયા હોય એવો અનુભવ થયો. અહીં યાત્રિકોને નિશુલ્ક સાદું અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબૌ, જેસકા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રિના વાતો નથી. માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપેલું છે.

પ્રવેશદ્વારમાં દાખલ થતા શીતળામાતા, ગણપતિ, હનુમાનજી, વાસંગી ખેતરપાળની મૂર્તિઓ છે. પાસે ધર્મશાળા છે. બાજુ વિશાળ દેવીસર તળાવ આવેલું છે.

જમવાનો સમય પણ થઈ ગયો હતો એટલે ભોજનશાળામાં જઈને પ્રસાદ ગ્રહણ કર્યો. તેની સાથેની છાશ ખૂબ જ મીઠી હતી. ભોજનશાળાની બહારની રોડની બંને બાજુએ હારબંધ દુકાનો હતી. જોતા-જોતા ગાડીમાં બેસીને આગળ વધ્યા.

IMG_20171230_120448

જેમ-જેમ આગળ જતાં હતાં તેમ તેમ વેરાન અને ઉજ્જડ રસ્તાઓ સાથે મેળાપ થતો જતો હતો. વચ્ચે-વચ્ચે રસ્તાનું સમારકામ ચાલતું હતું. ધોળાવીરા એક ટાપુ છે જેને ખાદિર બેટ પણ કેહવામાં આવે છે. બાલાસરથી 17 કિ.મી.ના અંતરે ખાદીર બેટને જોડતો પૂલ બનાવેલો છે, જે દસ કિમી જેટલો લાંબો છે. બંને બાજુએ દૂર-દૂર સુધી સફેદ રણ દેખાય છે. આ ભાગ આ રસ્તાની ખૂબ જ સુંદર જગ્યા છે. બપોરે 03:00 વાગે આર્કિયોલોજિકલ મ્યુઝિયમ પહોંચ્યા.

સ્કૂલમાં હતા ત્યારે કોઈ સિંધુ ઘાટી સભ્યતા હતી. તેનું મુખ્ય શહેર હડપ્પા હતું, એટલે તેને હડપ્પા સભ્યતા કહેતા હતા. હડપ્પાની સાથે એક બીજી જગ્યા વિશે પણ ભણવામાં આવતું હતું. તે હતું મોહે-જો-દડો.  આ બંને અત્યારે પાકિસ્તાનમાં છે. પણ એવી જગ્યા છે જે તે સમયની છે તેમની જેમ લોકો વસતા હતા, તેમના જેવું આચરતા હતા, તેમના જેવી નગર વ્યવસ્થા હતી જે આજે ભારતમાં છે એવા ધોલાવીરા, કાલીબંગા, લોથલ અને રોકડ છે. આ બધા સિંધુ ઘાટીની સભ્યતાના નગર હતા. જે આજથી પાંચ હજાર વર્ષો પહેલા ઘણા સમૃદ્ધ હતા. મ્યુઝિયમમાં પ્રવેશની કોઈ ટિકિટ નથી. ફોટા પણ પાડી શકાય છે. મ્યુઝિયમ જોઈને અમે વાસ્તવિક સાઈટ ઉપર ગયા.

ત્યાંથી દસ કિ.મી.ના દાદા ગુરુ દત્તાત્રેય નું મંદિર આવેલું છે. જને ધોળાવીરાનો સનસેટ પોઇન્ટ કહેવાય છે. દરિયાનો આ પટ ખૂબ જ સુંદર હતો. મંદિરની બાજુમાં જ બીએસએફની ચોકીઓ આવેલી છે.

ત્યાંથી પાછા વળતાં ૨ કિમી દુર વનવિભાગ દ્વારા ફૂડ ફોસિલ પાર્ક બનાવેલો છે.  ઊબડખાબડ અને કાચા રસ્તા પર ગાડી, ધીરે ધીરે ચલાવીને ફોસિલ પાર્ક પહોંચ્યા. રસ્તો સાંકડો છે. સામેથી કોઈ ગાડી આવે તો પસાર થવું મુશ્કેલ થાય એવો રસ્તો છે. ગાડી પાર્ક કરી. હવે થોડાક અંતર સુધી ચાલતા નીચેની તરફ જવાનું છે. ત્યાં ચોકીદાર ભાઈ હતા જેઓ જોવા આવતા યાત્રિકોના નામ અને શહેરના નામ નોધતા હતા. શાંત અને રમણીય જગ્યા છે. ત્યાં બેસીને નાસ્તો કર્યો. આજુબાજુ વિવિધ આકારોના મોટા મોટા પત્થરો નજરે ચઢ્યા. અહીં વૃક્ષના થડના બે અશ્મિઓ ૧૬ કરોડ વર્ષ જૂના છે. નજીકમાં કાચના એક બંધ કબાટમાં નાના નાના અશ્મિઓને મૂકવામાં આવેલા છે.

હવે ત્યાંથી પાછા ફર્યા અને સમય બગાડ્યા વગર ધોળાવીરાને આવજો કર્યું.  બાલાસર આવીને ચા પીધી.

અંધારું થવા આવ્યો હતું. આજે જ અમદાવાદ પહોંચવાનું હતું પણ રાત્રે ગાડી ચલાવી હિતાવહ નથી એટલે વ્રજવાણીમાં રહેવાની કોઈ સગવડ થશે તો રોકાય જાશું નહીંતર બીજે ક્યાંક એમ વિચારી વ્રજવાણી તરફ આગળ વધ્યા. બાલાસરથી એક રસ્તો સીધો રવેચી રાપર જાય અને ડાબી બાજુનો રસ્તો બેલા જાય. બાલાસરથી વ્રજવાણીસતિ મંદિર ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. બાલાસરથી સાત કી.મી પછી વ્રજવાણીસતિ મંદિરનો એક ફાંટો પડે છે. અંધારામાં આ ફાંટો દેખાય એમ નહોતો. સારું હતું કે જીપીએસ ચાલુ હતું નહીતર અમે સીધા સીધા બેલા પહોંચી જાત. ત્યાંથી પાછા વ્રજવાણી આવવું પડે. પાછા વળીને વ્રજવાણી વાળા રસ્તે વળી ગયા, જે રસ્તો થોડો સાંકડો હતો અને રસ્તામાં નીલગાયો જોવા મળતી હતી ક્યાંક ક્યાંક અચાનક ગાડી આગળ ન આવી જાય તે ડરથી ધીમે ધીમે ગાડી હંકારતાં હતા રાત્રે સાત વાગે વ્રજવાણી સતિ મંદિરે પહોંચ્યા.

વ્રજવાણી મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલું છે. અંદર પ્રવેશતા જાણે નીરવ શાંતિ ઊઠાડતા હોય તેવો કોલાહલ શૈક્ષણિક પ્રવાસમાં આવેલા બાળકોનો સંભળાતો હતો. મંદિરમાં વચ્ચે રાધા કૃષ્ણ બિરાજે છે અને તેની ફરતે ૧૪૦ આહીર દીકરીઓની મૂર્તિઓ આવેલી છે. મંદિરના પાછળના ભાગમાં અતિથિગૃહ આવેલું છે. ત્યાં જ પૂજારી રહે છે. શૈક્ષણિક પ્રવાસમાં આવેલા બાળકો સાથે અમે પણ ત્યાં ગયા અને અમે બધા પૂજારીની ચારે બાજુ ગોઠવાઈ ગયા. તેમણે મંદિરના ઈતિહાસની ખૂબ જ સુંદર માહિતી આપી જે ખરેખર રોમાંચ ઉપજાવે તેવી હતી.

અહીના પૂજારીને મંદિર વિષે પૂછતા એમણે જણાવ્યું કે, સંવત 1511ના વૈશાખ સુદ ચોથના દિવસે ગામની 140 આહીર સ્ત્રીઓ અહી સતી થઇ હતી. મંદિરના ચોગાનમાં તેમના પાળિયા છે અને મંદિરની બરાબર સામે એક મોટો પાળિયો છે જે ગામના ઢોલીનો છે. સંવત 1511ના અખાત્રીજના દિવસની વાત છે. દિવસે ગામમાં તહેવાર જેવું વાતાવરણ હતું. આવતા વરસના વરસાદના શુકન શુભ હતા એટલે સૌ કોઈ આનંદમાં હતાં. ગામના ઢોલીના ઢોલની થપાટે આહીરાણીઓ ગરબે રમી રહી હતી. દિવસ પૂરો થયો તેમ છતાં ઢોલી અને સ્ત્રીઓના ઉત્સાનો અંત આવતો હતો. ઘરનાં કામ બાજુ પર રહ્યાં. બાળકો પણ ભૂખ્યાં સૂઈ ગયાં. ગરબા રમતાં રમતાં રાત પણ પડી ગઈ હતી. ગરબે રમતી આહીરાણીઓ પોતાના ઘરબાર જાણે કે ભૂલી ગઈ હતી. પોતાની પત્નીઓને ઘરે પાછી લઇ જવા માટે ગયેલા આહીરો વીલા મોઢે ઘરે પાછા ફર્યા. એમ લાગતું હતું કે, જાણે ઢોલીના ઢોલમાં કાનુડાની વાંસળીના સૂર વાગી રહ્યા હતા અને આહીરાણીઓ ગોકુળની ગોપીઓ બની ગઈ હતી. બીજા દિવસનો સૂર્યોદય થયો પણ ગરબા અને ઢોલ ચાલુ હતાં. હવે આહીરોના ગુસ્સાનો પારો ઊંચે ચઢતો જતો હતો. બધાને લાગ્યું કે, સમસ્યાનું મૂળ તો ઢોલીડો છે, જેની પાછળ આહીરાણીઓ પાગલ થઇ હતી. આથી સૌએ ઢોલીને પતાવી દેવાનો નિર્ણય કર્યો અને કેટલાક યુવાનો ખુલ્લી તલવારે ઢોલીની તરફ ધસી ગયા. ગરબામાં મગ્ન આહીરાણીઓને તો ખબર પડી કે, ક્યારે ઢોલીનું મસ્તક તેના ધડથી અલગ થઇ ગયું. ઢોલના તાલમા ભંગ પડ્યો ત્યારે સૌએ જોયું કે, ઢોલી તો લોહીના ખાબોચિયામાં પડ્યો છે. પોતાના પ્રિય ઢોલીની પાછળ એકસો ચાલીસ આહીરાણીઓ સતી થઇ એની યાદમાં મંદિર બાંધવામાં આવ્યું છે.

અમે પૂજારીને મળવા ગયા કે રાત રોકાવા માટે કોઇ વ્યવસ્થા થઇ શકશે. અતિથિગૃહમાં અગાઉથી એક લક્ઝરી બસ આવેલી હોવાથી ખાલી રૂમો ઓછા હતા. પણ તેમણે કીધું કે તમતમારે નિરાંતે જમીને આવો વ્યવસ્થા થઈ જશે. અમે જમવા માટે અન્નક્ષેત્રમાં ગયા. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ જમવાનું હતું. જમીને પાછા અતિથિગૃહે આવ્યા. પૂજારીજીએ અમારા માટે એક રુમ ખાલી કરાવીને રાખ્યો હતો. થાકેલા હતા એટલે ટપોટપ ઊંઘી ગયા.

 

કચ્છ પ્રવાસ (Kutch Road Trip) Day 1

૨૬/૧૨/૨૦૧૭ મંગળવાર

“કચ્છ નહિ દેખા તો કુછ નહી…”

આ પંક્તિ શરૂઆતમાં જ કેમ યાદ આવી પણ આમ જોવા જઈએ તો આ પંક્તિ પ્રવાસ પતે પછી યાદ આવી જોઈએ પણ આ મારો બીજી વખતનો કચ્છ પ્રવાસ છે. કચ્છ ધાર્મિક અને પ્રાકૃતિક સૌદર્યનો સમન્વય ધરાવતો પ્રેદેશ છે. જાણે પ્રથમવાર જ કચ્છ જોવા જતા હોય તેવો ઉત્સાહ મારામાં હતો. બસ એવા ઉત્સાહ સાથે ૨૬ ડીસેમ્બરે રાત્રે ૮:૪૫ વાગે નીકળી પડ્યા

અમદાવાદના ભરચક ટ્રાફિકમાંથી ધીમેધીમે હાઇવે તરફ આગળ વધતા ગયા. રસ્તા ઉપરથી દૂર ગામડાની કે શહેરની લાઈટોનો પ્રકાશ સ્પષ્ટ દેખાતો હતો.

તેને જોતા જોતા હાંસલપુર ચોકડી થઈને રાત્રે સાડા અગિયાર વાગ્યા જેવા હળવદ હરીદર્શન હોટેલે અમેં અમારો પ્રથમ વિરામ લીધો. ગાડીની બહાર નીકળતા જ ઠંડીનો ચમકારો થયો. પવન સાથે ઠંડી પણ સહેજ વધારે હતી. આવી ઠંડીમાં અમે ગરમાગરમ ગોટા અને ચા પીધી. ગોટા અને ચા પીને તરોતાજા થઈને સામખીયાળી બાજુ આગળ ચાલ્યા.

IMG_20171226_205512IMG_20171226_215638IMG_20171226_234413IMG_20171226_235712

Banganga Idar Trek ( બાણગંગા ઇડર )

૦૪/૦૨/૨૦૧૭ શનિવાર

ગયા અઠવાડિયામાં કાનજીભાઈએ અમારી સાથે બાણગંગા આવવાની તૈયારી બતાવી હતી. રવિવારે એક પ્રસંગમાં જવાનું હતું એટલે શનિવારે સવારે કાનજીભાઈને ફોન કર્યો પણ તેઓ ના મળ્યા. ઘરે આવે તો ફોન કરાવજો. પણ જાણવા મળ્યું કે આજે તેઓ મંદિરમાં જ રોકવાના છે. મળવું હોય તો સીધા મંદિરે જતા રહેજો એવું ફોન ઉપાડનારનું કહેવું હતું. ભગ્ન હૃદયે સવારે ઓફીસ જતો રહ્યો. રસ્તામાં ફરી એકવાર ફોન કરી જોઇશ વાત થાય તો ઠીક નહીતર ફરી ક્યારેક જઈશું. સાંજે ૬:૦૦ વાગ્યા જેવો ઇડર જવા માટે નીકળી પડ્યો. રસ્તામાં એક જગ્યાએ ઉભો રહ્યો તો બે મિસ કોલ હતા. સામે ફોન કર્યો તો એમણે મંદિરનો નંબર આપ્યો. આપેલા નંબર ઉપર ફોન કર્યો અને કાનજીભાઈ સાથે વાત થઇ કે તમેં સવારે આઠ વાગ્યા જેવા મંદિરે આવી જજો. જઈને આવતા બે કલાક જેટલો સમય થશે. મારે સવારે ૯:૩૦ વાગ્યા પછી એક પ્રસંગમાં જવાનું હતું એટલે મોડું થાય એટલે મેં કીધું સવારે ૬:૩૦ વાગ્યા જેવા જઈએ તો. તેઓએ તરત જ હા પાડી દીધી. મને તેઓ ખુબ હકારાત્મક લાગ્યા. મને આવી વ્યક્તિ સાથે સારું ફાવે. એમની ઈચ્છા હતી કે ઉપર બેસીને નાસ્તો કરીશું. રાત્રે ૯:૦૦ વાગ્યા જેવો ઇડર પહોચી ગયો.

ટ્રેકિંગ બેગમાં જરૂરી નાસ્તો અને પાણીની બોટલ મૂકી દીધી. અમારા કાનજીભાઈ શીંગ ખાવાના ખુબ શોખીન એટલે ખાસ યાદ કરીને બેગમાં મૂકી દીધી. એકદમ શાંત મન સાથે ઊંઘી ગયો.

૦૫/૦૨/૨૦૧૭ રવિવાર

સવારે મારા દરરોજના ઉઠવાના સમયે એટલે ૫:૦૦ વાગે ઉઠીને ફટાફટ તૈયાર થઈને સવારે ૬:૧૫ વાગે નીકળી પડ્યો. ઇડરની સવાર ખુબજ આલ્હાદક હોય છે જે મને ખુબ ગમે. પણ આજે મને થોડી વધારે ગમતી હતી કારણ કે આજે હું એક એવા સ્થળ ઉપર જવા નીકળ્યો હતો જેની ફક્ત મેં વાતો જ સાંભળી હતી પણ આજે હું તેને રૂબરૂમાં જોઇશ. મન ખુબજ આનંદિત હતું. કણ્વનાથ મહાદેવ મંદિર ઇડર બસસ્ટેન્ડથી ૮ કી.મી જેટલા અંતરે આવેલું છે. જેની પાછળના ભાગમાં ઉંચાઈ ઉપર બાણગંગા આવેલું છે. હું સવારે ૬:૪૦ વાગે કણ્વનાથ મહાદેવ મંદિર પહોચી ગયો. અને કાનજીભાઈને જગાડ્યા. મને બેસવાનું કહીને તેઓ તેમના નિત્યક્રમ પતાવવામાં મશગુલ થઇ ગયા. અને હું આજુબાજુના દુર દેખાતા પર્વતોના ફોટા પાડવામાં મશગુલ થઇ ગયો પણ હજી જોઈએ તેવું અજવાળું નહોતું. તેઓ પાછા આવ્યા અને મારા માટે ચા બનાવી લાવ્યા. અચાનક મળેલી ચા પીવાનો આનંદ જ કંઈક ઓર હોય છે. ચા પીને સવારે ૭:૦૦ વાગ્યા જેવા બાણગંગા ટ્રેક તરફ ચાલવાની શરૂઆત કરી.

પંખીઘરની બાજુમાંથી ચઢવાનું ચાલુ કર્યું. થોડા સમય પહેલા હું અને રિકેન ગયા હતા ત્યાં પહોચીને કાનજીભાઈ થોડા સમય માટે ઉભા રહ્યા. મને એવું લાગ્યું કે તેઓ રસ્તો ભૂલી ગયા હશે. તેમણે મને દુરથી આંગળી ચીંધીને દૂરની પર્વતમાળા બતાવી. ફોટો પાડી દો ખુબ સારા આવશે. મેં એમના અને એમણે મારા ફોટા પાડ્યા પણ તેઓ મોબાઈલના એટલા જાણકાર નહોતા એટલે ફોટા ઝાંખા પડતા હતા. અહિયાં સુધી પગદંડી રસ્તો દેખાતો હતો. પણ જેમ આગળ વધ્યા તેમ પગદંડી અદ્રશ્ય થવા લાગી. પથ્થરો ઉપર ચઢતા ચઢતા આગળ વધ્યા. તેમનું કહેવું હતું કે આ પથ્થર તોડવાવાળા જેસીબીના લીધે પગદંડી તૂટી ગઈ છે. હવે તેમણે પણ રસ્તો શોધતા શોધતા જવું પડશે. દશ મિનીટ પછી અમે એક હોજ આગળ પહોચ્યા. ત્યાં જઈને કાનજીભાઈ ઉભા રહી ગયા. હું નીચે જોઇને ધ્યાનથી ચાલતો હતો. જો લપસ્યા તો વાગવાનો ડર હતો. કાનજીભાઈએ કીધું જરા પાછળ જુવો. ખરેખર દુર દેખાતા ડુંગરો અને એની અડીને આવેલા લીલા ખેતરો આવું ક્યાં જોવા મળે. વચ્ચે જેસીબી માટેનો રસ્તો બનાવેલો હતો પણ કાનજીભાઈનું માનવું હતું કે આ રસ્તે જઈશું તો વધારે સમય જશે એટલે આપણે સીધા જ જઈશું. મારે ક્યાં કંઈ બોલવાનું હતું! તમારી પાછળ પાછળ જ આવવાનું છે મારે તો. કાનજીભાઈ મલકાતા આગળ વધ્યા. પગદંડીવાળા રસ્તા ઉપર પથ્થરો જ દેખાતા હતા, રસ્તાનું તો કોઈ નામોનિશાનજ નહોતું. હું અને કાનજીભાઈ નીચેનું દ્રશ્ય જોતા જોતા આગળ વધ્યા. મોટા મોટા પથ્થરો વચ્ચે રસ્તો શોધતા શોધતા અને કુદતા કુદતા આગળ વધતા હતા ત્યાજ મારો પગ બે પથ્થરો વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયો. કાનજીભાઈ તો કુદતા કુદતા આગળ વધતાં રહ્યા. મને થોડો ગુસ્સો આવ્યો.

થોડી મુશ્કેલી પછી પાછી સમતલ જગ્યા આવી અને પગદંડી પણ દેખાવા લાગી. મને થોડો હાશકરો અનુભવાયો. હવે આગળ રસ્તો સારો હશે. કાનજીભાઈ પહેલીવાર આ રસ્તા ઉપર આવ્યા હતા. રસ્તો શોધવામાં કાનજીભાઈને મુશ્કેલી થઇ રહી હતી. ઉપર દેખાતા ડુંગર ઉપર જ બાણગંગા છે એવું કાનજીભાઈનું કહેવું હતું. ત્યાં ચઢવાનો કોઈ રસ્તો નહોતો દેખાતો એટલે અમે સીધા જ ચાલવા લાગ્યા. કદાચ આગળ જતા ઉપર ચઢવાનો રસ્તો મળી જશે. પણ કોઈ જ રસ્તો ના દેખાયો. હવે તો આગળ જવાનો પણ રસ્તો નહોતો. અહીથી અમારે પાછા જ જવું પડશે એવું લાગ્યું. દુર એક તળાવ દેખાતું હતું. અહીંથી ફક્ત પથ્થરો અને કાંટાવાળા ઘાસ જ દેખાતા હતા. સુકા ઘાસ ઉપર પગ મુકતા જ પગ લપસવા લાગતો. થોડાક ઉપર ચઢ્યા. અહીંથી એકદમ સીધું ચઢાણ હતું. હાથેથી પથ્થરો પકડી પકડીને સહેજ ઉપર ચઢ્યા. ઉપર જવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો. પણ કાનજીભાઈ તો ફટાફટ ઉપર ચઢી જતા હતા. હું ત્યાંજ વચ્ચે ઉભો રહી ગયો. ત્યાંથી નીચે ઉતરવું પણ મુશ્કેલ હતું. જો લપસ્યા તો આવીજ બન્યું આજે તો. મેં કાનજીભાઈને કીધું કે આપણે કોઈ રીસ્ક નથી લેવું. જો જવાય એવું હોય તો જ આગળ જઈએ. કદાચ ચઢીતો જઈશું પણ અહીથી પાછા ઉતરાશે નહિ. કાનજીભાઈનું કહેવું હતું કે આપણે આ રસ્તેથી પાછા નહિ આવીએ, આગળ બીજા રસ્તેથી ઉતરી જઈશું. તમે ઉતરવાની ચિંતા ના કરો. કાનજીભાઈ મને ઉભો રાખીને આગળ ઉપર ચઢીને આગળનો રસ્તો જોવા ગયા. હું આજુબાજુના ફોટા પાડવા લાગ્યો. થોડીવારમાં કાનજીભાઈની બુમ સંભળાઈ કે આવી જાઓ આટલું મુશ્કેલ છે ચઢવાનું પછી તો ઉપરની બાજુ સમતલ જગ્યા જ છે. અહીંથી આગળ જવાની મારી ઈચ્છા નહોતી.

“બસ આટલું જ છે આવી જાઓ.”

“પણ નથી અવાય એવું તો કેવી રીતે આવું?”

“ઉભા રહો હું નીચે આવું છું. હું તમને બાણગંગા જોયા વગર પાછો નહિ જવા દઉં. આપણે હવે જોઇને જ પાછા જઈશું.”

જો કાનજીભાઈને આટલો વિશ્વાસ હોય તો મારે થોડી હિંમત કરીને ચઢવું જ જોઈએ. મેં થોડી હિંમત ભેગી કરીને ઉપર ચઢવાનું ચાલુ કર્યું ત્યાજ મારો પગ લપસ્યો અને વચ્ચે એક પથ્થરના સહારે અટક્યો. કાનજીભાઈએ મારો હાથ પકડીને મને ઉપર ખેચ્યો અને પથ્થરોના ટેકે ટેકે પથ્થર પકડીને મહામહેનતે ઉપર ચઢ્યો. ત્યાંથી થોડું નીચે ઉતારવાનું હતું. નીચે ઉતારીને થોડી શાંતિ થઇ. સામે થોડે દુર એક ઉંચી સપાટ શીલા દેખાતી હતી. ઉપર પીળા રંગના ઘણા ફૂલો ઉગેલા હતા. અમે સવારે ૮:૦૦ વાગ્યા જેવા જ્યાં બાણગંગા હતી તે પથ્થરની શીલા નીચે પહોચી ગયા.

તે પથ્થરની શીલાની વચ્ચોવચ્ચ એક નાની ગુફા જેવું હતું. તે જ બાણગંગા. કાનજીભાઈના કહેવા મુજબ સામે દેખાતા પર્વત પરથી ભીમે બાણ માર્યું હતું અને તેમાંથી બારેમાસ કુદરતી પાણી આવે છે. કાનજીભાઈ પોતાના ચંપલ નીકાળીને ચાર પગે ઉપર જતા રહ્યા. હું નીચે ઉભો રહીને તેમને જોતો જ રહ્યો. એકદમ સીધું ચઢાણ હતું જે દોરડા વગર ચઢવું મારા માટે મુશ્કેલ હતું. કાનજીભાઈએ તેમાંથી પાણી કાઢીને બતાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવી જાઓ નહીતર આવું જોવાનું ચૂકી જશો. આટલી હિંમત કરી છે તો થોડી વધારે કરી લો અને આવી જાઓ ઉપર. હું પણ બુટ અને મોજાં કાઢીને સંભાળીને કાનજીભાઈની મદદથી ઉપર પહોચી ગયો. ફરીથી તેમાંથી પાણી કાઢીને બતાવ્યું. ખુબજ અચરજ થયું. નીચે ઉતરીને પથ્થરની શીલા ઉપર જ આડો પડી ગયો અને દુઃખ થયું કે આવા સ્થળ ઉપર આવવા માટે કોઈ રસ્તો નથી અને આજે પણ આવા સ્થળ લોકોની જાણ બહાર છે. ઇડર માટે આજે મને ગર્વનો અનુભવ થયો. કાનજીભાઈ મારા મોબાઈલમાંથી મારા અને આજુબાજુના ફોટા પાડવા લાગ્યા. એમને મજા આવતી હોય એવું લાગ્યું. ક્યારેક મારી સામે આવીને ફોટા પડે તો ક્યારેક દુર જઈને ફોટા પાડતા. ફોટા પડતી વખતે તેમણે મારા સ્વેટરમાં ઘુસી ગયેલા કાંટા જોયા અને તેને કાઢવા લાગ્યા. આ ડુંગરની ઉપર એક બીજો ડુંગર છે ત્યાં ભીમચોરી આવેલી છે. પણ સમય ના અભાવે ત્યાં જવાનું રહેવા દીધું.

સૂર્યના કિરણોથી સામેનો ડુંગર ખુબજ સુંદર દેખાતો હતો. એક મોટા પથ્થર ઉપર હું અને કાનજીભાઈ બેઠા અને ઘરેથી લાવેલો નાસ્તો કર્યો. આજુબાજુના બીજા આવા સ્થળો વિષેની માહિતી આપી. કાનજીભાઈની પ્રિય એવી સિંગ થોડી ખાધી અને થોડી ખીચામાં મૂકી. થોડીવાર પછી નીચે ઉતારવાની તૈયારી કરી.

નીચેના દ્રશ્યો જોતા જોતા અમે આગળ વધ્યા. પથ્થરોના આકાર ચોક્કસ મનને મોહી લે તેવા હતા. સહેજ આગળ જતા દુરથી રાણી તળાવ, ઈડરિયો ગઢ, રણમલની ચોકી અને રૂઠીરાણીનું માળિયું દેખાતું હતું. પથ્થરો કાપવાના માટેના જેસીબીના રસ્તે લપસતા લપસતા પાછા પેલા હોજ પાસે આવી ગયા. સવારે ૯:૦૦ વાગ્યા જેવા અમે પાછા નીચે મંદિરે આવી ગયા.

One trip with Friend @Idar

૨૬ જાન્યુઆરી ૨૦૧૭

ફરીથી અચાનક એક રોડ ટ્રીપનું આયોજન થઇ ગયું. અચાનક થતા પ્રોગ્રામ હંમેશા સફળ થતા હોય છે.  આગળના દિવસે મારા એક મિત્ર રિકેનનો મેસેજ આવ્યો કે કાલે ફ્રી હોય તો ક્યાંક જઈએ. આમતો આરામ જ કરવાનો પ્લાન હતો. પણ એક વર્ષ ફરીથી મિત્રને મળવાની લાલચ ના રોકી શક્યો અને પૂછી લીધું કે ક્યાં જાશું. રિકેને કીધું જગ્યા તમે કહો તે. હંમેશા મારા મગજમાં ઇડર જ ભમતું હોય છે અને કહી દીધું કે રાજચંદ્ર વિહાર જઈએ. બધાનો પ્રશ્ન હોય છે તેમ મારા મિત્ર રિકેનનો પ્રશ્ન સહજ હતો કે ક્યાં આવ્યું? અને સાથે સાથે એક રાઉન્ડ ટ્રીપનો નકશો મગજમાં જ તૈયાર કરી લીધો. સૌથી પહેલા રાજચંદ્ર વિહાર, કણ્વનાથ મહાદેવ, કાકલેશ્વર મહાદેવ અને પછી હોટેલ વોલ્ગામાં જમીને ગોધમજી થઇને મહાકાલી મંદિર સાબલી અને છેલ્લે બેરણા થઇને ઘરે આવીશું. કાલે સવારે ૯:૩૦ વાગ્યા પછી નાના ચિલોડા ભેગા થઈશું એમ નક્કી કર્યું.

સવારે ઓફીસમાં ધ્વજવંદન કરીને અમે સવારે ૯:૩૦ વાગે પહોચી ગયા. થોડીવારમાં રિકેન પણ આવી ગયો. એક વર્ષ પછી ફરીથી મળ્યા તેનો આનંદ હતો. રીકેને ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ ઘણા ટ્રેક કરેલા છે. તે મારા જેમ એક જીજ્ઞાશું પ્રવાસી છે. જૂની યાદોને તાજી કરતા કરતા રસ્તામાં ગીયોડ અંબાજી માતાના મંદિરે પહોચ્યાં. ઇડર જયારે પણ જઈએ ત્યારે અચૂક દર્શન કરીને આગળ જતા. દર્શન કર્યા પછી ઇડર બાજુ આગળ વધ્યા. અજાણતા રિકેનને છેલ્લા પાંચ વર્ષથી વર્ષમાં એકવાર તો ઇડર જવાનું થતું જ. એ જાણીને આનંદ પણ થયો અને થોડો ઉદાસ પણ કારણકે તેઓએ ઇડરગઢ સિવાય ઇડરમાં કશું જોયું નહોતું. ઇડરની ઓળખ સમાન ઇડરીયોગઢ અને રૂઠી રાણીનું માળિયું દુરથી જ દેખાય એટલે ખબર પડી જાય કે ઇડર આવી ગયું.

બપોરે ૧૨:૦૦ વાગ્યા જેવા ઘંટિયા પહાડની તળેટી આગળ પહોચી ગયા. અમદાવાદથી જ મોડા નીકળ્યા હતા એટલે સમયનો અભાવ હતો એટલે સમય ના વેડફતા અમે ચઢવાનું ચાલુ કરી દીધું. આમ તો રાજચંદ્ર વિહાર સવારે અને સાંજે હું સનરાઈઝ અને સનસેટ જોવા માટે ઘણીવાર જતો પણ આજે આમાંથી હું કશું નહિ જોઈ શકું અને રિકેનને નહિ બતાવી શકું તે વાતનો રંજ રહેશે. ઉંચાઈ ઉપર જતા જેમ હવા હલકી થાય છે તેમ અહી મન હળવુ થતું જાય છે અને શુદ્ધાત્માનો અનુભવ થયા વિના ના રહે. ઉપર ચઢતા પાછળ દેખાતા પર્વતની પાછળ જ કણ્વનાથ મહાદેવ મંદિર આવેલું છે. એકવાર આ પર્વત ઉપરથી ત્યાં જવાની ઈચ્છા છે. રિકેને કીધું કે જેટલું ચઢવામાં સરળ લાગે છે એટલું કદાચ ઉતરવામાં સરળ નહિ હોય. પણ એકવાર ચોક્કસ પ્રયત્ન કરીશ. અમે બપોરે ૧૨:૩૦ વાગ્યા જેવા ઉપર રાજચંદ્ર વિહાર પહોચી ગયા. જો વહેલા ફોન કરીને ત્યાં જણાવી દીધું હોત તો ત્યાં ભોજનશાળામાં જ જમવાની વ્યવસ્થા થઇ જાત, પણ અમે કેટલા વાગે પહોચીશું તે નક્કી નહોતું એટલે ફોન ના કર્યો. ઉપરથી નીચેની તરફ જોતા જાણે લીલા રંગની ચાદર પાથરી હોય તેવું લાગતું હતું. અને તેની આજુબાજુ ડુંગરોની હારમાળા નજરે પડતી હતી. ચોમાસાની ઋતુમાં અહીનો નજરો જ કંઈક અલગ જ હોય છે. ત્યારે ઇડરનું સૌદર્ય જાણે સોળે કળાએ ખીલ્યું હોય એવું લાગે. જે નિહાળવાનો પણ એક લ્હાવો લેવા જેવો ખરો. અહી ધ્યાનમંદિર તેમજ જૈન મંદિર છે. ધ્યાન અને ભક્તિ માટે આવતા ભક્તો માટે અહીં રહેવાની તથા ભોજનની સુંદર વ્યવસ્થા છે. મંદિરના આંગણામાં બે ઘડી બધા બેઠા. ત્યાંથી સામેના પર્વતની ટોચ ઉપર ચંદ્રપ્રભુની ડેરી આવેલી છે. રિકેનને ત્યાં જવાની ખુબ ઈચ્છા હતી પણ સમય ના અભાવે ત્યાં જવાનું રહેવા દીઘું અને હવે ભૂખ પણ લાગી હતી.

નીચે ઉતારીને અમે ધુલેટા દરવાજા થઈને ઇડર ટાવરે આવ્યા. જયારે ઇડર ટાવરે પહોચ્યા ત્યારે મનમાં જૂની સ્મૃતિઓ ફરીથી જીવંત થઇ ગઈ, તેને ફરીથી જીવવાની ઈચ્છા થઇ ગઈ પણ હવે તે શક્ય નથી. ઇડર ટાવરથી ઘાટી વાળા રસ્તે આગળ વધ્યા. ઘાટી ઉતરતા જમણી બાજુ જૂની પુરાની પંચકુટીવાવ (ઘાટીની વાવ) આવેલી છે. વાવને ગાડીમાંથી જ જોઈ લીધી. ત્યાંથી સાબલવાડ જવાના માર્ગ ઉપર અતિ પ્રાચીન અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતું ‘કણ્વનાથ મહાદેવ’નું મંદિર આવેલું છે.

કણ્વનાથ મહાદેવનું મંદિર ઇડર બસ સ્ટેન્ડથી ૮ કી.મી. ના અંતરે આવેલું છે. અમે બપોરે ૧:૧૫ વાગે ત્યાં પહોચ્યા. મંદિરમાં એકબાજુ નવગ્રહ મંદિર છે તો બીજીબાજુ વાવ આવેલી છે. મારા પિતા પાસેથી જાણવા મળ્યું  હતું કે મંદિરની પાછળની બાજુએ ઊંચાઈ પર બાણગંગા કુંડ આવેલો છે. ત્યારથી ત્યાં જવાની તાલાવેલી જાગેલી. મંદિરમાં મારા એક પરિચિત ભાઈ પાસેથી બાણગંગા વિષે માહિતી મેળવી અને આવતાં અઠવાડિયામાં ત્યાં જઈશું તે માટે એક લોકલ ભાઈને તૈયાર કરી લીધા. ના રહેવાયું તો હું અને રિકેન થોડે સુધી લટાર મારી આવ્યા. પણ સમયના અભાવે આગળ જવાનું રહેવા દીધું અને પાછા આવી ગયા. મંદિરની સામે દુર દેખાતી પર્વતમાળાનું દૃશ્ય જોઈને મન ખુબ જ પ્રસન્ન થઇ ગયું. ત્યાંથી પર્વતોની ગોદમાં આવેલું કાકલેશ્વર મંદિર દેખાતું હતું. મંદિરની આજુબાજુનું પ્રાકૃતિક સૌદર્યને બેસીને જોતા જ રહીએ તેવું સુંદર મજાનું વાતાવરણ હતું.

હવે ભૂખ ખુબ લાગી હતી એટલે કાકલેશ્વર મંદિર ફરી ક્યારેક જઈશું એમ વિચારીને સીધા ઇડરની જાણીતી હોટેલ વોલ્ગા માં જમવા માટે ગયા. ત્યાંની દાલબાટી ખુબ પ્રખ્યાત છે એટલે મેં તો એજ ખાધી. અહીથી આગળ જઈએ તો પ્રખ્યાત પોળોનું જંગલ આવેલું છે જ્યાં અત્યારે પોળો ઉત્સવ ચાલે છે.

જમીને તરોતાજા થઈને પાછા જવા માટે નીકળ્યા. અમે બપોરે ૨:૪૫ વાગે બડોલીવાળા માર્ગે આગળ વધ્યા. આ સીધો રસ્તો ભિલોડા થઈને શામળાજી હાઇવેને મળે છે. જે અહીથી લગભગ ૫૦ કી.મી. અંતરે આવેલું છે. વોલ્ગા હોટેલથી બડોલીવાળા રસ્તે ૭ કી.મી. પછી ગાંઠીયોલ ગામનું બોર્ડ આવે છે ત્યાંથી જમણીબાજુ વળીને ૪ કી.મી. પછી ગોધમજી ગામ આવે છે. જ્યાં શ્રીમદ જેશીંગબાપાનું જન્મ સ્થળ આવેલું છે. અમે પહેલા શ્રીમદ જેશીંગબાપા સ્મૃતિ મંદિરે ગયા. ત્યાં પ્રસાદ તરીકે દરેક અનુયાયીઓને સાકર આપે છે. ગામની બહાર મુક્તિધામ પાસે નદી કિનારે શ્રીમદ જેશીંગબાપાનું સમાધિ મંદિર આવેલું છે. હમણાંજ ડીસેમ્બેર મહિનામાં મંદિરનું નિર્માણ અને પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો હતો. મંદિરમાંજ ભોજનાલય આવેલુ છે. ત્યાની શાંતિ ખુબજ ગમી અને ચોખ્ખાઈ જોઇને મન ખુબજ પ્રભાવિત થયું. આંખોને ટાઢક મળે તેવી લીલોતરી હતી. મંદિરના આંગણામાં ગોઠવાયેલા બાંકડા ઉપર બેસીને નિરાંતે ચા પીધી.

ત્યાંથી હિંમતનગર જવાના માર્ગ ઉપર ૭ કી.મી. ના  અંતરે શ્રી કાળભૈરવનું ઐતિહાસિક મંદિર બોલુન્દ્ર ગામના પાદરે આવેલું છે. જે કાળભૈરવનું ગુજરાતમાં પ્રથમ શિખરબંધી મંદિર છે. ભગવાન શિવના અંશ ભૈરવદાદાનું મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું દેવસ્થાન છે. મંદિરના આંગણામાં ઈડરના મહારાજાએ બંધાવેલી વાવ આવેલી છે. દર્શન કરીને અમે મહાકાળી મંદિર સાબલી બાજુ આગળ વધ્યા.

મહાકાળી મંદિર અહીંથી ૭ કી.મી. ના અંતરે આવેલું છે. ત્યાં જવા માટેનો રસ્તો થોડો ખરાબ છે પણ ગાડી છેક સુધી જાય એવો છે. વચ્ચે રસ્તામાં રામાયણ અને મહાભારત ગામના નામ દર્શાવતું બોર્ડ આવ્યું. અચરજ સાથે અમે ઉભા રહ્યા. ડાબીબાજુ મહાભારત ગામ અને જમણીબાજુ રામાયણ ગામ આવેલું છે. જેના સમાચાર હમણાંજ ન્યુઝપેપરમાં આવ્યા હતા. આ બંને ગામ મુસ્લિમ બહુમતી ધરાવતાં ગામ છે. રામાયણ અને મહાભારત નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ હકીકત છે. ગુહાઇ જળાશય યોજના નિર્માણ થતાં છ ગામો ડૂબમાં ગયાં ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતોમાં લોકો વસ્યાં. ત્યાં એક ટેકરીને વર્ષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અન્ય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ. ખરેખર આ ગામો ખરા અર્થમાં કોમી એકતાવાળા ગામ છે.

img_20170126_161804

રામાયણ ગામથી સહેજ આગળ જતા પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે. અમે બપોરે ૪:૩૦ વાગે પહોચ્યા. હાલમાં જૂની સીડી તોડીને નવી સીડી અને મંદિર સુધી નવા રોડનું કામકાજ ચાલુ હતું. અડધે સુધી સીડી બની ગઈ હતી. એટલે અમે કાચા રસ્તે જ ઉપર ચઢવાનું શરુ કર્યું. વચ્ચે એકદમ સીધો ઢાળ હતો. ઉતરતા સંભાળવું પડે. મંદિરની પાછળ થોડે દુર ગુહાઇ જળાશય યોજના આવેલી છે. દુર દેખાતા લીલા ખેતરો ચોક્કસ મનને મોહી લે એવા રમણીય લગતા હતા. નીચે જુના પુરાણા શિવાલયો અને જૈન મંદિરો દેખાતા હતા. મંદિરની આજુબાજુ ઉંચાઈ ઉપર ખુબજ પથ્થરો હતા. એટલે પથ્થરો ઉપર ચઢીને એકબીજાના ફોટા પડ્યા. ફોટા પાડતા પાડતા બપોરે ૪:૫૦ વાગ્યે મંદિરે પહોચ્યા.

મંદિરમાં મહાકાલીની સ્વયંભૂ મૂર્તિ આવેલી છે.  મંદિર પથ્થરોની અંદર ગુફામાં આવેલું છે. જે ખુબજ સાંકડી હતી. આવવા જવા માટે એક જ રસ્તો અને એક જ વ્યક્તિ જઈ શકે તેટલી સાંકડી હતી. ઉપર ચોક જેવું બનાવેલું છે ત્યાંથી ગુહાઇ જળાશય યોજના અને નદીનું દ્રશ્ય ખુબજ આલ્હાદક લાગતું હતું પણ સૂર્યનો એટલો બધો પ્રકાશ હતો કે ફોટા બરોબર નહોતા આવતા. સહેજ પ્રકાશ ઓછો થઈ જાય તો કેમેરામાં સારા દ્રશ્ય કંડારી શકાય. સૂર્યએ જાણે અમારી વાત સાંભળી લીધી હોય એમ થોડા સમય માટે વાદળો આવી ચઢ્યા અને અમે સારા એવા ફોટા પાડી દીધા. મંદિરમાંના એક ભાઈ અમે શીલા બતાવવા લઇ ગયા. બાજુમાં બે પત્થરોની શિલા આવેલી છે આ શીલા પર બીજા પત્થર વડે ખખડાવતા તેમાંથી અવાજ નીકળે છે અને એ પણ ઘઁટારવ જેવો અવાજ રણકે છે. અમે પણ પથ્થર લઈને પથ્થરની શીલા પર ખખડાવી જોઈ અને નવાઈ પમાડે તેવું હતું. બહુ મોડું કાર્ય વગર અમે નીચે ઉતારવા લાગ્યા. લગભગ સાંજે ૫:૪૫ વાગે અમે અમદાવાદ જવા માટે ઉપડ્યા.

અહીંથી હિંમતનગર ૨૮ કી.મી ના અંતરે આવેલુ છે. સાંકડા રસ્તા અને રસ્તાની બંને બાજુના લીલા ખેતરોએ મને ડાંગની યાદ દેવડાવી દીધી. જેમ ડાંગમાં સહેજ આગળ વધો એટલે તરતજ ગાડી ઉભી રાખવાની ઈચ્છા થાય તેમ અહી પણ થતું હતું. અહીંના લહેરાતા લીલા ખેતરો અને એમાં દેખાતો સૂર્ય જોવા માટે અચૂક ગાડી ઉભી રાખવાની ઈચ્છા થઈ જતી હતી. રસ્તામાં એક બે જગ્યાએ ગાડી ઉભી રાખીને બેઠા બેઠા જ ફોટા પાડી દીધા. પણ થોડા આગળ જતા ના રહેવાયું તો રસ્તા વચ્ચે જ ગાડી ઉભી રાખીને બહાર આવીને આથમતા સુરજને જોતા જ રહ્યા. આથમતા સુરજનો આનંદ માણતા માણતા અમે સાંજે ૬:૧૫ હિંમતનગર પહોચ્યા. રસ્તામાં એક જગ્યાએ ચા પીવા ઉભા રહ્યા. બસ વાતો કરતા કરતા રાત્રે ૮:૦૦ વાગે નાના ચિલોડા રિકેનને ઉતારીને અમે ૯:૦૦ વાગ્યા જેવા ઘરે પહોચ્યા.

ખરેખરે એક જીજ્ઞાશું પ્રવાસી સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદગાર હતી જે ક્યારેય ના ભૂલાય. આ રોડ ટ્રીપ પણ દરેક રોડ ટ્રીપની જેમ જોયેલા સ્થળ ઉપર જઈને બીજા ના જોયેલા સ્થળની માહિતી મળતા સાર્થક જ કહેવાય. આવા સ્થળ આજે પણ આપણી જાણ બહાર છે. ત્યાં જવાની ઉગ્ર ઈચ્છાને હું અત્યારે રોકી શકતો નથી. ત્યાં નહિ જાઉં ત્યાંસુધી મને ચૈન પણ નહિ મળે.

Girnar Junagadh

“જે ન ચડ્યો ગઢ ગિરનાર, એનો એળે ગયો અવતાર”

ગિરનાર એ પર્વતોનો સમૂહ છે. ગિરનાર ઉપર નેમિનાથ મંદિર, અંબાજી માતા મંદિર, ગોરખનાથ અને દત્તાત્રેય મંદિર આવેલા છે. ગિરનાર પર્વત ગુજરાતનો ઊંચામાં ઉંચો પર્વત છે. એવું કેહવાય છે કે ગિરનારને ૯૯૯૯ પગથીયા છે પણ ખરેખરમાં ૭૦૦૦ કે ૮૦૦૦ પગથીયા જ છે. શ્રદ્ધાળુઓ એવું માને છે કે ખુલ્લા પગે ગિરનારના પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

૨૮ ડીસેમ્બર ૨૦૧૬ બુધવાર

ખુબ અલકમલકની વાતો ગિરનાર વિશે સાંભળી હતી ત્યારથી જવાની ઈચ્છા ઉગ્ર બની હતી. નાનો હતો ત્યારે એકવાર ગિરનાર પર્વત ચઢ્યો હતો. એ પછી ક્યારેય એવો સંગાથ નહોતો મળ્યો એટલે જવાનું જ રહી ગયું. ગિરનાર પર્વત જોવા કરતા ચઢવાની ખુબ ઈચ્છા હતી. અને આજે મારો પ્રિય સંગાથ મારી સાથે હતો. એટલે મનથી નક્કી કરીને બપોરે અમદાવાદથી જુનાગઢ જવા નીકળી પડ્યા. બીજા દિવસે સવારે વહેલા ગિરનાર પર્વત ચઢવાનું હતું એટલે વચ્ચે આવતાં જોવાલાયક સ્થળો જોવાનું માંડીવાળીને અમે સીધા પ્રેરણાધામ સાંજે ૭:૧૫ વાગે પહોચ્યા. એડવાન્સમાં ફોન ઉપર રૂમ બુક કરાવી લીધી હતી.

પ્રેરણાધામ ચારેબાજુ વૃક્ષોથી ઘેરાયેલો લાલગેબી મહારાજનો આશ્રમ છે. એકદમ શાંત વાતાવરણ, કોઈ વધારાનો ઘોંઘાટ જ નહિ.ચારેબાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. તેનાથી આગળ તો ગીર જંગલ ચાલુ થતું હતું. ત્યાં આશ્રમમાં અન્નશ્રેત્ર પણ ચાલે છે.

સાંજે ત્યાં જમીને સુઈ ગયા.

૨૯ ડીસેમ્બર ૨૦૧૬ ગુરૂવાર

સવારે ૫:૦૦ વાગે ઉઠીને ૬:૦૦ વાગે તૈયાર થઈને અમે ભવનાથ મહાદેવના દર્શન કરીને ગિરનાર તળેટી પહોચ્યા. ગિરનાર તળેટી આગળ અમારા જેવા ઘણા યાત્રિકો ભેગા થયેલા હતા. ત્યાંથી બે લાકડી ખરીદી અને સવારની ચા પણ પીધી.

img_20161229_063219

ગિરનારના પ્રથમ પગથીયા પહેલા પાલખીવાળા યાત્રિકોનું વજન કરીને કેટલા રૂપિયા થશે તે નક્કી કરતા હતા. થોડે આગળ જતા લંબે હનુમાનની ડેરી, અંબાજીમાતાનું મંદિર, દત્તાત્રેયનું મંદિર આવ્યું. ત્યાં આરતી ચાલુ હતી. ત્યાં અચૂક દર્શન કરીને આગળ વધ્યા. પગથીયાની બંને બાજુ ખુબ વધારે ઝાડ હોવાને લીધે ઘનઘોર અંધારું હતું. સવારના ૭:૦૦ વાગવા આવ્યા હતા, આછું આછું અજવાળું થવાની શરૂઆત થઇ રહી હતી. પરસેવો પણ ચાલુ થઇ ગયો હતો. ૬૦૦-૭૦૦ પગથીયા પછી જમણી બાજુ દાતાર પર્વત દેખાવા લાગ્યો. યાત્રિકોમાં ગિરનાર માટેની અતુટ શ્રધ્ધા તેમના ચહેરા પર દેખાતી હતી. થાક ઉતરતા અને પાછા થાકતા એમ કરતા કરતા અમે સવારે ૭:૪૫ વાગે ૧૫૦૦ પગથીયે પહોચ્યા. ઉગતા સુરજના કિરણો સીધા દાતાર પર્વત ઉપર પડતા હતા. રસ્તામાં સામાન માથે રાખીને ચઢતા દુકાનદારો અને પાલખીવાળાઓ થોડો આરામ કરી લેતા હતા ખરેખર ખુબજ મહેનત માગી લે એવું હતું. રસ્તામાં એક વૃધ્ધ દુકાનદાર પાસેથી મોસંબીની ગોળી લીધી, તેમને પૂછતા જાણવા મળ્યું કે તેઓ આમજ ૪૧ વર્ષથી અહી ધંધો કરે છે. તેમનું પૂરું જીવન આમ વ્યતીત થઇ ગયું.

લગભગ સવારે ૮:૩૦ વાગે ૨૩૦૦ પગથીયે માળી પરબ પહોચ્યા. વચ્ચે વચ્ચે નાસ્તો કરતા કરતા અમે અમારું ચઢવાનું ચાલુ રાખ્યું, જેથી કરીને મોડું ના થાય. અહીંથી વધારે ચઢાણ ચાલુ થાય છે. પગથીયા ઝીગ ઝેગ જેવા હતા. રસ્તામાં બધા યાત્રિકો એકબીજાનો ગિરનાર ચઢવાનો જુસ્સો વધારતા હતા. અમે સવારે ૯:૩૦ વાગે ૩૮૦૦ પગથીયે ગિરનાર કોટ એટલે કે નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક પહોચ્યા. જે દુરથી જ દેખાતા અમારા આનંદની કોઈ સીમા ના રહી. અમે પહેલો પડાવ પાર કર્યો. ત્યાં મફત પાણી પીવાની વ્યવસ્થા મંદિર તરફથી કરેલી હતી. રસ્તામાં ક્યાંય આવી કોઈ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. પાણી પીધું અને મંદિરમાં નેમીનાથજીના દર્શન  કર્યા. મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે. મંદિરની ફરતે નાની નાની દેરીઓ આવેલી છે. જેની અંદર ચોવીસ તીર્થકરો બિરાજે છે. મંદિરમાં ગરમ પાણીની પણ વ્યવસ્થા યાત્રિકો માટે કરેલી હતી. અમે હાલ ૩૧૦૦ ફૂટની ઉંચાઈ ઉપર હતા. ઠંડો ઠંડો શીતળ પવન અમને અથડાતો હતો અને જાણે અમને કઈક કેહવા માંગતો હોય એવું લાગ્યું. થાક ઉતારવા માટે ત્યાં મંદિરના કમ્પાઉન્ડમાં જ બેઠા.

સવારે ૧૦:૦૦ વાગે ફરીથી અંબાજી મંદિર તરફ ચઢવાનું શરુ કર્યું. સહેજ આગળ જતા જમણી બાજુએ વસ્તુપાળ તેજપાળના પ્રાચીન અને કલાત્મક દેરાસર આવેલા છે. રસ્તામાં એક ઘટાદાર ઝાડ નીચે એક બહેન પાસેથી છાશ પીધી. ખુબજ મજા પડી ગઈ. પાછું ના રહેવાયું તો થોડી બોટલમાં ભરી લીધી જેથી રસ્તામાં પીવાય. સુસવાટા મારતો પવન જાણે સ્વાગત કરતો હોય એવું લાગ્યું. અહીંથી નીચેનું દ્રશ્ય ખુબજ આલ્હાદક લાગતું હતું. સવારે ૧૦:૧૫ વાગે ૪૧૦૦ પગથીયે ગૌમુખી ગંગા આવે છે. અહિયાંથી બે રસ્તા પડે છે, ડાબી બાજુ નીચે ઉતરતો સીડી માર્ગ શેષાવન તરફ જાય છે. જયારે જમણી બાજુ ઉપર ચઢવાનો સીડી માર્ગ અંબાજી ટૂંક તરફ જાય છે. છાશ પીતા પીતા ગૌમીખીથી ઉપર ચડતા ૪૫૦૦ પગથીયે દત્તાત્રેય ભગવાન તથા મહાલક્ષ્મીનું મંદિર સામસામે આવેલ છે. સામે મળતા શ્રધ્ધાળુઓને પૂછતા કે હજી કેટલું બાકી છે તેઓ કેહતા કે બસ આવી જ ગયું છે. થોડા આગળ પહોચતા વચ્ચે એક બોર્ડ મારેલું હતું કે “મંદિર આવી ગયું છે ૫૦ પગથીયા પછી અંબાજી મંદિર છે.” તે જોઇને અમારો જુસ્સો બેવડાઈ ગયો. ફટાફટ ૫૦ પગથીયા ચઢીને અમે સવારે ૧૦:૪૫ વાગે ૪૮૮૦ પગથીએ શ્રી અંબાજીની ટૂંક પહોચ્યા. ત્યાંથી આકાશ એકદમ સ્વચ્છ દેખાતું હતું. માં ના દર્શન કરીને ધન્યતા અનુભવી. અને આગળ જવાની જાણે શક્તિ પૂરી પાડી હોય એવું લાગ્યું. ત્યાં બેસીને ઘરેથી લાવેલો નાસ્તો કર્યો. ઘણા યાત્રિકો અંબાજીમાંની ક્ષમા માંગી અહીંથી જ પાછા વળી જતા હતા. પણ અમે મન પાકું કરીને જ આવ્યા હતા કે છેક સુધી જાશું. અમારામાંથી કોઈએ હજી પાછા જવાની વાત જ નહોતી કરી. જય ગિરનાર બોલતા અમે આગળની ટૂંક ઉપર જવા આગળ વધ્યા.

અંબાજી મંદિરથી થોડા આગળ જતા જમણી બાજુ મોટો ચોક છે જ્યાં ખાણીપીણીની દુકાનો હતી. ત્યાંથી પગથીયાવાળો રસ્તો સાંકડો થઇ ગયો. જો વધારે ભીડ હોય તો ચાલવામાં તકલીફ પડે. થોડા પગથીયા નીચે ઉતરતા નીચે હસ્નાપુર ડેમ ખુબજ રોચક લાગતો હતો. ત્યાંથી ઝીણાબાવાની મઢી દેખાતી હતી. ગિરનારની પરિક્રમા કરતા તે વચ્ચે આવે છે. હવે થોડા પગથીયા ઉપર ચઢતા ગોરખ ટૂંક આવે છે. મારા પત્ની અને દીકરો ખરેખર ખુબજ થાકી ગયા હતા તેમ છતાં તેઓ મારી સાથે આગળ વધ્યા. અમે સવારે ૧૧:૩૦ વાગે ૫૩૨૦ પગથીયે ગોરખ ટૂંક પહોચ્યા. આ ટૂંક ગિરનારની ઊંચામાં ઉંચી છે જે ૩૬૬૬ ફૂટ જેટલી ઉંચી છે. અહી પાપપુણ્યની બારી આવેલી છે. તેમાંથી દત્તાત્રેયના દર્શન કરવાથી જાત્રા સફળ થાય છે.

અહીંથી દત્તાત્રેય મંદિર ખુબજ રમણીય લાગતું હતું. દુરથી ત્યાં જવાનો કોઈ માર્ગ જ દેખાતો નહોતો. ત્યાંથી નીચે ઉતારવાનો માર્ગ અને કમળકુંડ એકદમ ચોખ્ખું દેખાતું હતું. ગોરખ ટૂંક પછી કોઈ પાણી કે ખાણીપીણી દુકાન આવતી નથી એટલે અમે પાણીની વ્યવસ્થા કરી લીધી. ૧૦ મિનીટ બેઠા પછી સવારે ૧૧:૪૦ વાગે નીચે ઉતારવાની એટલે કમલકુંડ દ્વારે જવાની શરૂઆત કરી. અહીંથી ૮૫૦ પગથીયા નીચે ઉતારવાના હતા. રસ્તામાં પગથીયા ઉપર શ્રદ્ધાળુઓ થાક ઉતારવા બેઠા હતા. સૂર્ય એકદમ માથા ઉપર આવવાની તૈયારીમાં હતો. નીચે ઉતારવાની ખુબ મજા આવી અને ૧૨:૦૦ વાગ્યા સુધીમાં અમે ૬૧૭૦ પગથીયા કમલકુંડ દ્વારે પહોચ્યા હતા. ત્યાંથી બે રસ્તા પડે છે એક ૨૧૦ પગથીયા નીચે જતા કમલકુંડ આવે છે અને ૭૦૦ પગથીયા ઉપર ચઢતા દત્તાત્રેય ટૂંક આવે છે. પાછા ફરતા કમલકુંડ જઈશું એમ વિચારીને આગળ વધ્યા.

ત્યાંથી થોડે ઉપર ચઢ્યા પછી સહેજ ઉભા રહ્યા તો પગ એકદમ ધ્રુજવા લાગ્યા. જાણે કોઈએ પગ બાંધી દીધા હોય એવું લાગ્યું અને થોડા સમય માટે ત્યાં બેઠા. સુર્યની ગરમીનો પ્રકોપ વધતો હોય એવું લાગ્યું. ત્યાં એક પરિવાર સાથે આવેલું એક ગ્રુપ મળ્યું, તેમને કીધું કે અમે અહી આવી જ ના શક્યા હોત જો તમારા દીકરાને ના જોયો હોત’તો, જો આ નાનું બાળક આટલું ચઢી શકતું હોય તો અમે કેમ નહિ? અને એને જોઇને અમારામાં પણ હિંમત આવી અને અમે અહી સુધી પહોચ્યા. સાથેના યાત્રિકો જોરજોરથી બુમો પાડીને “હવે આવી ગયું. બસ આ રહ્યું. ચાલો… જય ગિરનાર….” એકબીજાને પ્રોત્સાહિત કરતા હતા. બેસતા આરામ કરતા કરતા બપોરે ૧૨:૩૦ વાગે ૬૮૭૦ પગથીયે અમે દત્તાત્રેય ટૂંક પહોચ્યા. અહી ગુરુ દતાત્રેયના ચરણપાદુકા છે. દર્શન કરતા જ જાણે શરીરમાં કોઈ રોમાંચનો અનુભવ થયો. થોડા સમય માટે એ પણ ભૂલી જવાયું કે અમારે ૭૦૦ પગથીયા ઉતરીને ૮૫૦ પગથીયા ચઢવાના હતા.

હવે પાછા ઉતારવાની શરૂઆત કરી, પગ બંધાઈ જતા હતા અને પગ ઉંચો કરવો પણ મુશ્કેલ હતો. અમે ધીમેધીમે બપોરે ૧:૦૦ વાગ્યા જેવા પાછા કમલકુંડ દ્વારે પહોચ્યા. ત્યાંથી ૨૧૦ પગથીયા નીચે ઉતરતા કમલકુંડ પહોચ્યા. ત્યાં બાવાજી કમંડલથી પાણી પીવડાવે છે માટે તેનુ નામ કમંડલ કુંડ પડયુ. ત્યાં અન્નશ્રેત્ર  ચાલે છે. દરેક યાત્રીકોને ખુબજ આદરપૂર્વક જમાડે છે. અમે લાપસી, ખીચડી અને ઢીલા મગ પેટ ભરીને ખાધા. જમવાનું ખુબજ સ્વાદિષ્ટ હતું.

ત્યાંથી જમીને બપોરે ૧:૩૦ વાગ્યા જેવા પાછા કમલકુંડ દ્વારે આવ્યા. ત્યાં એક બ્રાહ્મણ ભાઈ અને બીજા મહારાષ્ટ્રથી આવેલું એક ગ્રુપ અમારી સાથે સાથે ગોરખ ટૂંક તરફ આગળ વધ્યા. બ્રાહ્મણ ભાઈએ ખુબજ સરસ અને રોચક વાતો કરી કે કેવી રીતે હિંદુ અને જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યા, દત્તાત્રેય ટૂંકનું મહત્વ. વાતો કરતા કરતા બપોરે ૨:૩૦ વાગે ગોરખ ટૂંકે પહોચ્યા. હવે તો ૧૦-૧૫ પગથીયા ચઢીએ એટલે પગ જાણે કોઈએ પકડી લીધા હોય તેવું લાગતું અને આપોઆપ જે તે સ્થળે સ્થિર થઇ જતા. એક કુતરું છેક કમલકુંડ દ્વારથી છેક અંબાજી સુધી અમારી સાથે આવ્યું જાણે દત્તાત્રેય ભગવાનનું વાહન અમને પાછા મુકવા આવતું હોય. અમે બપોરે ૨:૫૦ વાગે અંબાજી મંદિરે પહોચ્યા. ત્યાં તળબુચ અને પાઈનેપલની ડીશ ખાધી અને થોડો સમય આરામ કર્યો. ત્યાંથી ઉભું થવાની ઈચ્છા જ નહોતી થાતી. જય ગિરનાર….બોલતા બોલતા ઉભા થયા અને ધીમેધીમે ચાલ્યા નેમિનાથ મંદિર તરફ. રસ્તામાં ઘણા યાત્રાળુઓ સામે મળતા હતા અને પૂછતાં હતા કે હજી કેટલું છે અને અમે કહેતા કે “બસ આ રહ્યું, હવે આવી જ ગયું છે” અને તેમના ચહેરા પર ગઝબની ચમક આવી જતી. ફરીથી પેલું કુતરું અમારી સાથે આવી ગયું. સાંજના ૫:૦૦ વાગ્યા જેવા અમે નેમિનાથ મંદિરે પહોચ્યા.

img_20161229_144955

બસ અંધારું થાય એ પહેલા નીચે પહોચી જવાય તો સારું એમ વિચારીને નીચે ઉતારવાનું શરુ કર્યું. રસ્તામાં એક છાસવાળા ભાઈ પાસેથી છાસ પીધી. ખુબજ સારી હતી. તેમણે પાંચ રૂપિયામાં આખી બોટલ ભરી આપી. અમે ના પાડી તો પણ બળજબરીથી ભરી આપી, “અરે.. સાહેબ પીતા પીતા નીચે ઉતરજો હજી ૨૧૦૦ પગથીયા બાકી છે.” સાંજે ૬:૪૫ વાગે અમે ૧૦૦૦ પગથીયા બાકી હતા ત્યાં પહોચ્યા અને હું ત્યાં ખાટલા ઉપર તરતજ આડો પડી ગયો અને એવું લાગ્યું કે અહી જ ઊંઘી જવ. અંધારું થઇ ગયું હતું. એવું સાંભળ્યું છે કે અંધારામાં દીપડા અહી પાણી પીવા આવે છે એટલે થોડો ડર પણ લાગતો હતો. રસ્તા પરની મોટાભાગની દુકાનો બંધ થઇ ગઈ હતી. ચારેબાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. નહીવત લોકોજ દેખાતા હતા. સાંજે ૭:૧૫ વાગે ૬૨૫ પગથીય બાકી હતા ત્યાં પહોચ્યા, નજીકમાં એક દુકાનદારનું ફેમીલી રસોઈ બનાવતું હતું અમે પૂછ્યું કે “અમે આવીએ”. તો  એમને કીધું “જમી લો” થોડા આગળ વધ્યા ત્યાં રસોઈવાળા બેને કહ્યું કે “કેમ જમવું નથી” અમે હસીને તેમનો આભાર માન્યો અને આગળ વધ્યા. હવે સખત થાક લાગ્યો હતો. નીચે ઉતરવું વધારે કષ્ટદાયક હતું. રાત્રે ૭:૪૫ વાગે અમે લંબે હનુમાનની ડેરીએ પહોચ્યા. ત્યાં ઓટલા ઉપર થોડા સમય માટે બેસી જ રહ્યા.

img_20161229_194439

ઉઠીને બહાર આવ્યા ત્યારે એક કાકા-કાકી અમારી નજીક આવ્યા અને પુછવા લાગ્યા કે “તમે ગિરનાર ચઢીને આવ્યા!!!” ત્યાંથી થોડા આગળ ગયા ત્યાં એક બેને પૂછ્યું કે “પગની હાલત કેવી છે? કેવું રહ્યું?” અમે જાણે કોઈ મોટું પરાક્રમ કરીને નીચે ના આવ્યા હોય એમ અમને પુછતા હતા. થોડીવાર રહીને એવું લાગ્યું કે સાક્ષાત ભગવાન દત્તાત્રેય અને અંબા માતા અમને પુછવા આવ્યા હોય એવો ભાસ થયો. ખરેખર જીવનમાં એકવાર તો ગિરનાર ચઢવાનો અનુભવ લેવો જ રહ્યો.

ભવનાથ તળેટીમાં આવીને જમીને અમે રાત્રે ૯:૦૦ વાગ્યા જેવા પ્રેરણાધામ પહોચ્યા. આંખો બંધ કરીએ એટલે ગિરનાર જ દેખાયા કરતો. એ પછી તો અમે જયારે “અરે…રે….રે…” બોલીએ એટલે બાકીના બધા “ઘરે…રે..!!!!!” બોલે અને બધા જોરથી હસવા લાગતા.

Ambaji Road Trip

બોલ માડી અંબે જય…જય અંબે……..

ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ઘણું જ જાણીતું યાત્રાધામ છે. ભાદરવા મહિનામાં અંબાજી માતાના ધામમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. આ સમયમાં અંબાજીમાં મીની કુંભ જેવો માહોલ હોય છે. ભાદરવા મહિનામાં માં અંબેમાં ના દર્શન કરવાની મજા જ કઈક ઓર હોય છે. આ મહિનામાં પગપાળા અંબાજી જવાનું વધારે મહત્વ હોય છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રીઓથી છલકાય જાય છે. દિવસ રાત જય અંબે જય અંબેના નાદ સંભળાયા કરે છે. જેટલું અંબાજીએ જતા પદયાત્રીઓનું મહત્વ છે તેટલું જ મહત્વ તેમને સવલતો પૂરી પાડનારા સેવાભાવીઓનું છે. કોઈ પદયાત્રીઓને રહેવાની જમવાની સવલતો પૂરી પાડે છે તો કોઈ મેડીકલ કેન્દ્રો ખોલીને તેમની સેવા કરે છે. જ્યાં કોઈ દવા આપે તો કોઇ પગની માલિશ કરી આપે છે. પદયાત્રાએ જતાં ભક્તોની સેવા માટે જાણે ‘મા’એ જ તેના દૂત મોકલ્યા હોય તેવાં સાક્ષાત્ દર્શન આ સેવાધારીઓમાં થતાં હોય છે.એક વાત પણ સ્વીકારવી જોઈએ કે કોઈ પદયાત્રીએ અંબે માતા ને રૂબરૂ નથી જોયા પણ રોજબરોજમાં થતી વિવિધ રીતોથી માં અંબેમાંની હાજરીનો અહેસાસ કરાવે છે. માતાજી પ્રત્યેની આસ્થા અને તેની દિવ્યતાની અનુભૂતિ તો માના દરબારમાં જે ચાલતા જાય તે જ અનુભવી શકે.

એવી જ આસ્થા સાથે અમે ગાડી લઈને અંબાજી જવા નીકળી પડ્યા. અમે સાંજે ૫:૩૦ વાગે બાલારામ મંદિરે પહોચ્યા.

બાલારામ ( Balaram)….

ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતુ રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે. આ મંદિર પાસે ડુંગરમાંથી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે સતત શિવલિંગ ને જળાભિષેક કરે છે.

ત્યાંથી સાંજે ૬:૦૦ વાગે નીકળીને ૬:૩૦ વાગે અમે ગંગેશ્વર મહાદેવ હથીદરા (Hathidra) પહોચ્યા. બાલારામથી આશરે ૧૪ કી.મી.ના અંતરે હથીદરા ગામે ગંગેશ્વર મહાદેવનું ઐતિહાસિક તેમજ પૌરાણિક મંદિર આવેલ છે. પ્રાકૃતિક સૌંદર્યધામ અને પહાડોની હારમાળાની કોતરણીની ગુફામાં આ મંદિરના શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. આ શિવાલય ત્રિવેણી સંગમ ગંગાના કિનારે હોવાથી આ સ્થળનું નામ હર ગંગેશ્વર નામ આપવામાં આવ્યુ. મંદિરની બાજુમાં જ પથ્થરોનો બનેલો ટેકરો છે. ૨૦૦ પગથીયા ચડીને ઉપર પહોંચો, ત્યાંથી આજુબાજુનું અને નીચેનું દ્રશ્ય અચૂક જોવા જેવું પણ અંધારું થવા આવ્યું હતું એટલે ઉપર જવાનું રહેવા દીધું અને અમે ચાલ્યા અંબાજી તરફ.

રસ્તામાં સેબલપાણી (Sebalpani) નામનું ગામ આવે છે. સેબલપાણી અરવલ્લીની ગિરિમાળાઓમાં ઘેરાયેલુ ગામ છે જ્યાં માનવ સંસ્કૃતિના ઐતિહાસિક પુરાવા સમાન સેબલપાણીની ગુફાઓ આવેલી છે. જેમાં રોક પેઈન્ટિંગમાં યુદ્ધ કથાઓ તથા માનવ જીવનને દર્શાવવામાં આવ્યું છે. ખુબજ મોડું થઇ ગયું હોવાથી અમે ત્યાં જવાનો  વિચાર માંડીવાળીને સીધાજ અંબાજી બાજુ આગળ ચાલ્યા. વાંકાચુકા અને ઢાળવાળા રસ્તા પસાર કરતા કરતા અમે સાંજે ૭:૪૫ વાગે ગબ્બર પહોચ્યા. ત્યાંથી ગબ્બર ખુબજ સુંદર દેખાતો હતો પણ અત્યારે પણ ઘણા ભક્તો ગબ્બર પર જતા હતા પણ અમે સવારે વહેલા આરતીના સમયે ત્યાં જવાનું નક્કી કર્યું. ત્યાંથી જગદજનની અતિથિગૃહ હોલીડે હોમ અમે રાત્રે ૮:૧૫ વાગે પહોચ્યા. જમીને ચાલતા ચા પીવા માટે મંદિર તરફ ગયા.

img_20160903_215636

ઝગમગતી રોશની વચ્ચે શક્તિદ્વાર ખુબજ સુંદર દેખાતો હતો. રાત્રે અંબાજી મંદિરનો નઝારો અચૂક જોવા જેવો.

સવારે બાલ્કાનીમાથી ડુંગર ખુબજ રળિયામણા લાગતા હતા. મનમાં એવું થતું હતું કે ચાલો ત્યાંજ પહોચી જઈએ.

img_20160904_064237

ગબ્બરની આરતીનો લ્હાવો લેવા માટે ફટાફટ તૈયાર થઇને સવારે ૭:૩૦ વાગે અમે ગબ્બર ઉપર પહોચી ગયા.

ગબ્બરનો ઈતિહાસ

ગબ્બર માતાજીનું મૂળ સ્થાનક મનાય છે. એવી માન્યતા છે કે મા સતીનું હૃદય અહીં પડ્યું હતું. લોક માન્યતા અનુસાર માતાના પદચિન્હ તથા રથના પૈડાના નિશાન મંદિરના પ્રાંગણમાં જોઈ શકાય છે. એક કથા એવી છે કે, વર્ષો પહેલાં પાટવીકુંવર જશરાજે અહીં પર્વતની ટોચે માતાજીની સ્થાપના કરી હતી. જે આજે ગબ્બર તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે. આ ગબ્બર મુખ્ય મંદિરથી ચાર કિલોમીટર દૂર આવેલો છે. અહીં ચઢવા માટેના પગથિયા પ્રદક્ષિણા કરતાં છે . આ ગબ્બરની અંદર માઁની ગુફાનું દ્રાર હોવાનું મનાય છે.

બીજી એક કથા એવી છે કે, મા જગદ્દઅંબા ગબ્બર ગઢના સોના હિઁડોળે ઝુલતાં હતા ત્યારે એક ગોવાળ તેમની ગાય ચારી ચરામણ લેવા ગયો હતો. જેને માતાજીએ સુંપડું ભરીને જવ આપ્યા પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં જ ઢોલી દિધા, ઘરે જઇને જોયું તો, તેની પછેડીમાં કેટલાક દાણા ચોટેલા હતા તે સોનાના હતા. જ્યારે ભાગ્યશાળીને આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિચકાનો અવાજ જરૂર સંભળાય છે. એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની ચૌલક્રીયા (બાબરી) પણ ગબ્બર પર્વત ઉપર થઇ હતી. એટલું જ નહીં ભગવાન રામ પણ ગબ્બર શક્તિપીઠે મા આદ્યશક્તિની આરાધના કરતાં માતાજીએ ભગવાન રામને અજયબાણ આપ્યું હતું અને તે જ બાણથી રાવણનો શ્રી રામે સંહાર કર્યો હતો. એવી માન્યતા છે કે ગબ્બર પર અંબાજીના સ્થાનક પર દીવો પ્રગટાવવાથી મંદિરમાં તે આપોઆપ જ દેખાય છે. મંદિરમાં અને ગબ્બરગૃહમાં આરતી એક જ સમયે થાય છે.

ગબ્બર પર્વત ઉપર ચઢવા માટે ૯૯૯ પગથિયા અને ઉડન ખટોલા(Ropeway)ની વ્યવસ્થા છે.

અમે સવારે ૮:૩૦ વાગે નીચે આવીને શ્રી ચુંદડી વાળા માતાજીના દર્શન કરવા ગયા. ગબ્બરની નજીકમાં જ તેમનું સુંદર મંદિર આવેલું છે. ત્યાં બધું લાલ રંગનું હતું. મુખ્ય દરવાજાથી મોબાઈલ, કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે. ફરજીયાત પણે સ્ત્રીઓએ માથે ઓઢીને જવું પડે છે. થોડા પગથિયા ચઢીએ એટલે એક વિશાળ હોલમાં ધ્યાનમાં બેઠેલા શ્રી ચુંદડી વાળા માતાજીના દર્શન થયા.

img_20160904_084714

શ્રી ચુંદડી વાળા માતાજી ફેસબુક પેજ પ્રમાણે, પ્રહલાદ જાની કે જેઓ માતાજી તરીકે ઓળખાય છે જેઓ 70 વર્ષ થી ખોરાક કે પાણી વગર જીવન પસાર કરી રહ્યા છે. જેમનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૨૯ માં મહેસાણા જીલ્લા ના ચરાડા ગામમાં થયો હતો. તેમના કહેવા પ્રમાણે ૧૯૪૦ થી તેઓ એ કઈ પણ ખાધું નથી તેમનું જીવન અંબા માં ના આશીર્વાદથી જ ચાલે છે.તેમના કહેવા પ્રમાણે તેમણે 7 વર્ષ ની ઉમરે ઘર છોડ્યું હતું અને તેઓ જંગલ માં રહેવા ચાલ્યા ગયા હતા. ૧૧ વર્ષ ની ઉમરે તેમને એક ધાર્મિક અનુભવ થયો અને તેઓ અંબા માં ના ભક્ત બની ગયા. ત્યારથી તેઓ સ્ત્રી ભક્ત તરીકે સ્ત્રી વસ્ત્રો પહેરે છે.લાલ કલર ની સાડી, આભૂષણો અને લાંબા વાળ આ એમનું બાહ્ય રૂપ. 1970 થી તેઓ અંબાજી માતા ના મંદિર નજીક જંગલ માં સન્યાસી તરીકે નું જીવન ગાળે છે અને તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠે છે. તેમનો મોટાભાગ નો મય ધ્યાન માં લગાવે છે.

ત્યાંથી અંબાજી મુખ્ય મંદિરે ગયા. હવે ધીમે ધીમે ભક્તોની દર્શન કરવાની ભીડ વધતી જતી હતી. ભક્તોની લાઈન શક્તિદ્વાર સુધી આવી ગઈ હતી એટલે બહારથી જ દર્શન કરી લીધા. ત્યાં બાજુમાં ચાચર ચોકમાં દર્શન ગેલરી આવેલી છે. ત્યાં અંબાજીના માતાના પ્રાગટ્યની ગાથાની ૩D મુવી બતાવવામાં આવે છે. અહી માં અંબાની રવિવારે વાધની સવારી, સોમવારે નંદી, મંગળવારે સિંહની, બુધવારે ઐરાવત હાથીની, ગુરૂવારે ગરુડની, શુક્રવારે હંસની અને શનિવારે હાથીની સવારી સાથેના સાત વિરાટ સ્વરૂપોના દર્શન, ૫૧ શક્તિપીઠના મુર્તિ સ્વરૂપોના સ:શ્લોક દર્શન, મહિસાસૂર મર્દીનીની વિશાળ મુર્તિ સાથે ગ્લાસ સ્કાયવોક બ્રિજ અને સ્તંભ આધારીત ગુફામાં ફરતા હોવ એવો અવિસ્મરણીય અનુભુવ અનુભવવા જેવો ખરો. ત્યાના ગાઈડ બેને અંબાજીના ઈતિહાસની ખરેખર સુંદર માહિતી સાથે સમજણ આપી. આપના પ્રશ્નોના જવાબ ખુબજ સહજતાથી આપતા હતા. ખરેખર પ્રાકૃતિક જ્ઞાન હતું તેમનામાં.

આજે ત્યાં માતાજીના પ્રાચીન મંદિરની જગ્યાએ આરસપહાણના પથ્થરથી ભવ્ય મહેલ બંધાયો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં સાતેય દિવસ માતાજી અલગ અલગ સવારી પર બિરાજતાં જોવા મળે છે. વેદોમાં જણાવ્યા મુજબ તો આ મંદિર અતિ પ્રાચીન છે. અહીં ગર્ભગૃહમાં માતાજીને જ્યારે વિવિધ શણગારોથી સજાવવામાં આવે છે ત્યારે તે અત્યંત સોહામણી લાગે છે. અહીં કોઈ પણ પ્રકારના ધાતુની પ્રતિમા નથી પણ એક ગોખ છે જ્યાં સોનાથી મઢાયેલુ વીસાયંત્ર મુકવામાં આવેલું છે. આ વીસાયંત્રને માતાજીના વસ્ત્રાલંકારો વડે એવી રીતે સજાવવામાં આવે છે કે દર્શનાર્થીઓને માઁ અંબા પોતાના વાહન પર આરૂઢ હોય તેવો આભાસ થાય છે. આ વીસાયંત્રની પૂજા દાંતા નરેશના વંશનો પૂજારી જ કરે છે, અને તે પણ આંખે પટ્ટી બાંધીને. કહેવાય છે કે આ વીસાયંત્રને આજ સુધી કોઈ જોઈ શક્યું નથી અને ન તો તેનો ફોટો પાડવાની પરવાનગી આપે છે.

અંબાજી નો ઇતિહાસ
અંબાજીના માતાના પ્રાગટ્યની ગાથા અનુસાર પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરે આમંત્રિત કર્યા નહોતા. પિતાને ત્યાં યજ્ઞનું આયોજન હોવાની જાણ થતાં ભગવાન શંકરના વિરોધ વચ્ચે સતી દેવી પિતાને ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ભગવાન શિવને આમંત્રિત નહીં કરતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ એ યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. શિવે સતીના નિઃચેતન દેહને જોઇ તાંડવ કર્યું હતું અને દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યા હતા, ત્યારે આખી સૃષ્ટિનો નાશ થઇ જશે તેવા ભયથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટૂકડા કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા હતા. સતીના દેહના ભાગો અને આભૂષણો બાવન સ્થળો પર પડ્યાં અને આ સ્થલો પર એક-એક શક્તિ અને એક ભૈરવ ટચૂકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા હતા.

તંત્ર ચુડામણીમાં આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું મનાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની પણ માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ કરાયો છેકે શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં મા અંબાના સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રોકાયા હતા. આજે પણ ગબ્બર પર્વત પર એ સ્થળ જોવા મળે છે.

પાંડવો પોતાના વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા માટે રોકાયા હોવાનો પણ ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમિયાન સીતાની શોધમાં ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમે આવ્યા હતા. ઋષિએ તેમને માતાજીના આશિર્વાદ લેવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઇને રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું. જે બાણથી રામે રાવણનો નાશ કર્યો હોવાની માન્યતા છે. દંત કથાઓ અને લોકવાયકાઓમાં આ પૌરાણિક ધામનો પરિચય અપાયો છે. અંબાજીની વર્ણન સ્તૃતિઓની પરંપરા છેક પુરાણોથી લઇને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઇતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં આપણને જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે પરંતુ ઉપલબ્ધ પરિસ્થિતિ જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ હોવાનું જણાય છે.(અંબાજીની વેબસાઈટ પરથી… વધુ માહિતી માટે www.ambajitemple.in)

બીજી એક લોકવાત એવી છે કે 176 વર્ષ પહેલાં અમદાવાદમાં જ્યારે પ્લેગની બીમારી ફાટી નીકળી હતી ત્યારે તેમાં અનેક લોકોનાં મોત થયાં હતાં. પ્લેગના ભરડામાં લોકોને મરતા જોઇને શેઠ શ્રી હઠીસિંહે મા અંબાને પ્રાર્થના કરી હતી અને રોગમાંથી મુક્તિ મળે તો અંબાજી ચાલતા આવી દર્શન કરવાની બાધા રાખેલી. ‘મા’ ના હૃદય સુધી જાણે પ્રાર્થના પહોંચી ગઇ, પ્લેગની મહામારી ધીમે-ધીમે બંધ થઇ ગઇ. માની આ કૃપા જ કામ કરી ગઇ. હઠીસિંહની શ્રદ્ધા બળવત્તર બની અને તેમણે ચાલતા જ ભાદરવી પૂનમના રોજ માના ધામમાં પહોંચી દર્શન કર્યાં હતાં. આ સાત દિવસમાં 25 થી 30 લાખ માઇભક્તો માતાજીના ધામમાં પહોંચી વંદન કરે છે.

Checkoutનો સમય થઇ ગયો હતો એટલે checkout કરીને અમે લીલીવાડી કાઠીયાવાડી ઢાબામાં જમવા ગયા. અહી જમવાનું સારું મળે છે.

જમીને બપોરે ૧:૧૫ વાગે કુંભેશ્વર મહાદેવ જોવા ગયા. કુંભેશ્વર મહાદેવ મંદિર કુંભારિયા જૈન દેરાસરથી એક કી.મી. ના અંતરે આવેલું છે. આ શિવમંદિર પર જૈન અસર જોવા મળે છે. મંદિરની પીઠ કીર્તિમુખ, હાથીઓ, દૈનિક જીવનચર્યાના દ્રશ્યોથી કોતરણી કરેલી છે. પાયા અને દીવાલોની મધ્યમાં દેવદેવીઓ અને શૃંગારમગ્ન યુગલોની પ્રતિમાઓ છે. આ મંદિર કુમારપાળના ગાળામાં બંધાયેલું જણાય છે.

ત્યાંથી નજીકમાં રીંછડી મહાદેવ આવેલું છે. કુંભેશ્વર મહાદેવ મંદિરથી એક કી.મી.ના અંતરે અંતરિયાળ વિસ્તારમાં રીંછડીયા મહાદેવનું જુનું પૌરાણિક મંદિર આવેલ છે. ડુંગરાઓ અને જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિર પણ સુંદર છે. આ સ્થળ પીકનીક પોઇન્ટ જેવું છે. નજીકમાં જ રીંછડીયા ડેમ આવેલો છે.

ત્યાંથી પોશીના દરબારગઢ (Darbargadh Poshina) જોવા જવાનું હતું. અંબાજીથી પોશીના ૨૮ કી.મી અંતરે આવેલુ છે. અંબાજીથી ખેડબ્રહ્મા બાજુ ૧૭ કી.મી પછી ડાબી સાઈડ ૧૨ કી.મી જવું. રસ્તો સીધો દરબારગઢના મુખ્ય દરવાજે જ જાય છે. દુરથી જ વ્હાઈટ માર્બલમાંથી બનાવેલો દરબારગઢ દેખાતો હતો. અમે બપોરે ૨:૪૫ વાગે દરબારગઢ પહોચ્યા. થોડા સમય પેહલા ફેસબુક ઉપર કું. હરેન્દ્રપાલસિંહ સાથે વાત થઇ હતી કે તમે ગમે ત્યારે દરબારગઢની મુલાકાત લઇ શકો છો. અમે ત્યાં પહોચીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેઓ તો અમદાવાદ ગયેલા છે. પણ તેમણે અમને દરબારગઢ જોવા માટેની ગોઠવણ કરી આપી. ત્યાં ટુરીસ્ટોને રહેવા માટેના ૩૦ થી ૩૫ રૂમો છે. દરેક રૂમમાં એન્ટિક ચીજો મુકેલી છે. જ્યારે આ રૂમોનું ફર્નિચર અગાઉના સમયનું છે. દરબારગઢમાં જ વિશાળ ડાઈનિંગ હોલ આવેલો છે. જ્યાં પરંપરાગત ભોજન પીરસવામાં આવે છે. ડાઈનિંગ હોલમાં વિશાળ પેઈન્ટિંગ્સ અને પ્રાચીન ચીજો મુકવામાં આવ્યા છે. જે ડાઈનિંગ હોલની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. બહાર અગાઉના સમયની ગાડીઓ પાર્ક કરી હતી જે ત્યાં રોકાયેલા મહેમાનોને ફરવા લઇ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ માહિતી માટે www.poshina.in મુલાકાત લેવી

બધાને ચા પીવી હતી એટલે પોશીનાથી થોડે દુર ચા પીવા માટે ઉભા રહ્યા. ત્યાંની ચા ખુબજ સારી હતી એટલે બધાએ ફરીથી ચા પીધી. ત્યાંથી ગુણભાંખરી કેવી રીતે જવાય તે પૂછી લીધું. અહીંથી સીધા ગુણભાંખરી જવાનો રસ્તો નદીમાં વધારે પાણી હોવાથી બંધ છે એવું જાણવા મળ્યું.

અંબાજી વાળા મુખ્ય રસ્તા ઉપર પાછા આવ્યા. ત્યાંથી ૮ કી.મી પછી ખેરોજ ગામ આવે છે. ત્યાંથી ડાબીબાજુ કોટડાવાળા રસ્તે ૮ કી.મી પછી લાંબડીયા ગામ થઇ ને ૧૨ કી.મી. દેલવાડા ગામ આવે છે. ત્યાંથી ૨ કી.મી પછી ગુણભાંખરી આવે છે. જ્યાં સાબરમતી, આકુળ નદી અને વ્યાકુળ નદી એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ખાતે હૉળીના તહેવાર પછીના ૧૪મા દિવસે મેળો યૉજવામાં આવે છે. જેને ચિત્ર વિચિત્ર મેળા તરીકે પ્રખ્યાત છે. મંદિર ખુબજ દયનીય સ્થિતિમાં હતું. બાજુમાં એક કોમ્યુનીટી હોલ પણ બિસ્માર હાલતમાં હતો. ત્યાંથી થોડા પગથીયા નીચે ઉતારો એટલે નદી સુધી પહોચી શકાય એવું છે. બાજુમાંજ ચેક ડેમ બનાવેલો છે. પાણી વહેવાનો મધુર અવાજ દુરથી જ સાંભળતો હતો. પાણી ખળખળ કરતુ વહેતું હતું. બે ઘડી બેસવાનું મન થાય એવી જગ્યા છે.

આ મેળા વિશે એવી દંત કથા છે કે આજથી છ હજાર વર્ષ પુર્વે હસ્તીનાપુરમાં શાંતનું નામે રાજા રાજપાટ કરતો હતો. તેમન મત્સગંધા અને ગંગા નામની બે રાણીઓ હતી. રાણી ગંગાજીનો પુત્ર ગાંગેયજી અને મત્સયગંધાના બે પુત્ર ચિત્રવીર અને વિચીત્રવીર શાંતનું અવસાન બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા. પરતું ગાંગેયજી હમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા. તેની ગાંગયેજી પોતાની માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું. (બોર્ડ પર લખેલા ઇતિહાસ મુજબ )

કેટલા સ્થળ જોવાના બાકી રહી ગયા તેની વાતો કરતા કરતા રાત્રે ૮:૩૦ વાગે ઘરે પહોચ્યા.

Dukan Ghat One Day Trip

૩૧ જુલાઈ ૨૦૧૬ રવિવાર

અમે સવારે ૬:૪૫ વાગે હોટલ વિનય લેઈક વ્યુ આગળ ભેગા થયા. ત્યાંથી ગુમાનદેવ ૧૨ કી.મી. થાય. ગુમાનદેવમાં હનુમાનજીનું મોટું અને પ્રાચીન મંદિર આવેલું છે. પણ અમારા પ્લાનમાં નહોતું એટલે અમે આગળ વધ્યા. ત્યાંથી લગભગ ૩ કી.મી. જેટલું રાજપારડી તરફ આગળ જઈને જમણીબાજુ, ૧ કી.મી. વાલિયા હાઇવે પર આગળ જઈને ડાબીબાજુ વળવું. ત્યાંથી ખારીયા, ધોળાકુવા થઇને ૧૩ કી.મી. પછી બે ફાટા પડે છે. ત્યાંથી ડાબીબાજુ ૧ કી.મી જઈને પાછા બે ફાટા પડે છે. ત્યાંથી જમણીબાજુ ૪ કી.મી. ઝાઝ્પોર(Zazpor) આગળ કડિયા ડુંગર આવેલો છે. અમે સવારે ૭:૪૫ વાગે પહોચી ગયા હતા.

ઝાડેશ્વરથી કડિયા ડુંગરના ફોટાઓ………  

ત્યાં બીજા મેમ્બેર્સ ભેગા થવાના હતા અને નાસ્તા માટે ત્યાં રોકાવાનું હતું. ચોમાસાની અદભુત ઠંડકમાં અમે બટાકા પૌંઆનો નાસ્તો માણ્યો.

બધા મેમ્બરોનો મેળાપ…….

નાસ્તો કર્યા પછી સવારે ૮:૧૫ વાગે કડિયા ડુંગર ઉપર ચઢવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં પગથીયા છે એ પછી ફક્ત ડુંગર છે ત્યાં થોડું સંભાળવું પડે. જો બેલેન્સ ગયું તો ગયા સમજો, પણ અમારા ટીમ મેમ્બરો ત્યાં ગોઠવાઈ ગયા હતા અને બધાને સહેલાઈથી ડુંગર પસાર કરાવી આપ્યો. કડિયા ડુંગર પર ચઢાવા માટે બે રસ્તા છે એક આગળથી અને બીજો પાછળથી. આગળની બાજુએ એક મોટો આશ્રમ આવેલો છે. અહી વડના ઝાડ ઘણા છે. આશ્રમના છેડેથી ડુંગર પર ચડવાનાં પગથિયાં શરુ થાય છે. પગથિયાં વ્યવસ્થિત બનાવેલાં છે. છેક ઉપરથી નીચેનું દ્રશ્ય એટલું આલ્હાદક હતું કે વાત ના પૂછો. જાણે કોઈ હિલ સ્ટેશન ઉપર આવી ગયા હોય તેવું. ત્યાં એટલી લીલોત્તરી હતી કે આપણી આંખોને પુરતી ઠંડક મળી રહે. ત્યાં બે ઘડી બેસવાનું મન થાય એવી જગ્યા છે. એકદમ શાંત જગ્યા. ઝાડેશ્વર ચોકડીથી કડિયા ડુંગર ૩૪ કી.મી. જેટલું થાય.

કડિયા ડુંગર……

અહી ૭ જેટલી બૌધ્ધ ગુફાઓ આવેલી છે. અહી પાંડવોએ અજ્ઞાતવાસનો કેટલોક સમય વિતાવ્યો હોવાની લોકમાન્યતા છે. જે મુજબ અજ્ઞાતવાસમાં પાંડવો અને દ્રોપદીએ અહીં આશરો લીધો હતો અને ગુફાઓમાં તેઓ રહેતા હતા. ડુંગર પર ભીમનાં પગલાનાં નિશાન પણ જોવા મળે છે. સાથે હેડમ્બા સાથે ભીમે અહીં લગ્ન કર્યાં હતાં તેવી લોકમાન્યતા છે.

(ગુગલ પરથી..)

ત્યાંથી સવારે ૯:૦૦ વાગે દુકાન ઘાટ બાજુ આગળ વધ્યા. ત્યાંથી ૫ કી.મી. પછી જેસપોર ચોકડી આવે છે  જે રાજપારડી-નેત્રાંગ હાઇવેને મળે છે. ત્યાંથી ૬ કી.મી. વણખૂંટા આવે પછી ૨ કી.મી. પછી બે ફાટા પડે છે ત્યાંથી ડાબીબાજુ ૩ કી.મી. ઉમર્ખારડા બાજુ આગળ વધ્યા. અમે સવારે ૯:૪૫ વાગે જ્યાંથી ટ્રેકિંગ કરવાનું હતું ત્યાં પહોચી ગયા બધા વાહનો ત્યાં પાર્ક કર્યા અને જરૂરી નાસ્તો અને પાણી લઈને ચાલ્યા દુકાન ઘાટ તરફ.

કડિયા ડુંગરથી દુકાન ઘાટ તરફ જતા……

રસ્તામાં ખેડૂતો ખેતરમાં ખેતી કરતા હતા. વરસાદ અને વાદળ જાણે અમારી જોડે રમત રમતા હોય તેમ આવે અને પાછા સંતાઈ જાય. ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો. જો ધોધમાર વરસાદ હોત તો ચાલવું કદાચ મુશ્કેલ થઇ જાત પણ નસીબ અમારી સાથે હતું. ટ્રેકિંગની મઝા માણતા માણતા અમે લગભગ સવારે ૧૦:૪૦ વાગે દુકાન ઘાટ પહોચ્યા. ત્યાંથી નીચે ઉતારવા માટે પગદંડી છે. ધોધ સુધી પહોંચવું આસાન છે. નીચે પહોંચ્યા પછી વૃક્ષોની વચ્ચે ધોધનાં દર્શન થાય છે.

દુકાન ઘાટ ટ્રેકિંગ……..

 

નાના બાળકો સાથે મોટાઓએ પણ નહાવાનો આનંદ માણ્યો. સાથે લાવેલો નાસ્તો કર્યો અને બધાએ ગરબા પણ ગાયા. કોઈકે ગધેડાનો, કૂતરાનો તો કોઈએ ડોનાલ્ડ ડકનો અવાજ કાઢીને બધાનું મનોરંજન કર્યું. એક ડોકટર સાહેબે સુંદર મજાની વાંસળી વગાડીને બધાને મોહિત કરી દીધા.

દુકાન ઘાટ….

બસ હવે પાછા જવાનો સમય થઇ ગયો હતો. બધા ચાલ્યા પોતપોતાની ગાડીઓ તરફ. અમારે અમદાવાદ આવવાનું હતું એટલે ધોળી ડેમ જવાનું માંડી વાળીને અમે અમદાવાદ તરફ નીકળી પડ્યા.

ચોમાસમાં ધોધ અને જંગલમાં ટ્રેકિંગ કરવાની ખુબ મજા આવી. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં પણ આવા સ્થળ છે જે લોકોની જાણ બહાર છે. આ જગ્યાઓએ ભમવાની મજા તો કંઈ ઔર જ છે. અહી જોયેલી આ જગ્યાઓ અને નવા મળેલા મિત્રો કાયમ યાદ રેહશે. એક નવું સ્થળ જોવાનો આનંદ ખરેખર અનેરો હોય છે અને એનો રોમાંચ તો ક્યારેય ના ભૂલાય એવો હોય છે. અને સાથે સાથે વરસાદમાં પલળતા પલળતા બદલેલું પંચર પડેલું ટાયર, કેવી રીતે ભૂલાય.

IMG_20160807_102134
ટાયરમાં ઘુસી ગયેલ પથ્થર

Vasariya Ganapati Temple (વડસરિયા ગણપતિ મંદિર)

વડસરિયા ગણપતિ મંદિર ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના વડસર ગામમાં આવેલું છે. જે અમદાવાદથી ૧૭ કી.મી. ના અંતરે આવેલું છે.વડસરિયા ગણપતિ મંદિર ૧૦૦ વર્ષ જુનું ગણેશજીનું મંદિર છે. ગણેશજી બાળ સ્વરૂપે અહી બિરાજમાન છે. સુંઢ વગરના ગણેશજી અહી આવેલા છે.

IMG_20160628_185822
Vadasariya Ganapati Temple

વડસર ગામની નજીક પશુપતિનાથનું મંદિર આવેલું છે.

IMG_20160628_191327
Pashupatinath Temple