Girnar Junagadh

“જે ન ચડ્યો ગઢ ગિરનાર, એનો એળે ગયો અવતાર”

ગિરનાર એ પર્વતોનો સમૂહ છે. ગિરનાર ઉપર નેમિનાથ મંદિર, અંબાજી માતા મંદિર, ગોરખનાથ અને દત્તાત્રેય મંદિર આવેલા છે. ગિરનાર પર્વત ગુજરાતનો ઊંચામાં ઉંચો પર્વત છે. એવું કેહવાય છે કે ગિરનારને ૯૯૯૯ પગથીયા છે પણ ખરેખરમાં ૭૦૦૦ કે ૮૦૦૦ પગથીયા જ છે. શ્રદ્ધાળુઓ એવું માને છે કે ખુલ્લા પગે ગિરનારના પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

૨૮ ડીસેમ્બર ૨૦૧૬ બુધવાર

ખુબ અલકમલકની વાતો ગિરનાર વિશે સાંભળી હતી ત્યારથી જવાની ઈચ્છા ઉગ્ર બની હતી. નાનો હતો ત્યારે એકવાર ગિરનાર પર્વત ચઢ્યો હતો. એ પછી ક્યારેય એવો સંગાથ નહોતો મળ્યો એટલે જવાનું જ રહી ગયું. ગિરનાર પર્વત જોવા કરતા ચઢવાની ખુબ ઈચ્છા હતી. અને આજે મારો પ્રિય સંગાથ મારી સાથે હતો. એટલે મનથી નક્કી કરીને બપોરે અમદાવાદથી જુનાગઢ જવા નીકળી પડ્યા. બીજા દિવસે સવારે વહેલા ગિરનાર પર્વત ચઢવાનું હતું એટલે વચ્ચે આવતાં જોવાલાયક સ્થળો જોવાનું માંડીવાળીને અમે સીધા પ્રેરણાધામ સાંજે ૭:૧૫ વાગે પહોચ્યા. એડવાન્સમાં ફોન ઉપર રૂમ બુક કરાવી લીધી હતી.

પ્રેરણાધામ ચારેબાજુ વૃક્ષોથી ઘેરાયેલો લાલગેબી મહારાજનો આશ્રમ છે. એકદમ શાંત વાતાવરણ, કોઈ વધારાનો ઘોંઘાટ જ નહિ.ચારેબાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. તેનાથી આગળ તો ગીર જંગલ ચાલુ થતું હતું. ત્યાં આશ્રમમાં અન્નશ્રેત્ર પણ ચાલે છે.

સાંજે ત્યાં જમીને સુઈ ગયા.

૨૯ ડીસેમ્બર ૨૦૧૬ ગુરૂવાર

સવારે ૫:૦૦ વાગે ઉઠીને ૬:૦૦ વાગે તૈયાર થઈને અમે ભવનાથ મહાદેવના દર્શન કરીને ગિરનાર તળેટી પહોચ્યા. ગિરનાર તળેટી આગળ અમારા જેવા ઘણા યાત્રિકો ભેગા થયેલા હતા. ત્યાંથી બે લાકડી ખરીદી અને સવારની ચા પણ પીધી.

img_20161229_063219

ગિરનારના પ્રથમ પગથીયા પહેલા પાલખીવાળા યાત્રિકોનું વજન કરીને કેટલા રૂપિયા થશે તે નક્કી કરતા હતા. થોડે આગળ જતા લંબે હનુમાનની ડેરી, અંબાજીમાતાનું મંદિર, દત્તાત્રેયનું મંદિર આવ્યું. ત્યાં આરતી ચાલુ હતી. ત્યાં અચૂક દર્શન કરીને આગળ વધ્યા. પગથીયાની બંને બાજુ ખુબ વધારે ઝાડ હોવાને લીધે ઘનઘોર અંધારું હતું. સવારના ૭:૦૦ વાગવા આવ્યા હતા, આછું આછું અજવાળું થવાની શરૂઆત થઇ રહી હતી. પરસેવો પણ ચાલુ થઇ ગયો હતો. ૬૦૦-૭૦૦ પગથીયા પછી જમણી બાજુ દાતાર પર્વત દેખાવા લાગ્યો. યાત્રિકોમાં ગિરનાર માટેની અતુટ શ્રધ્ધા તેમના ચહેરા પર દેખાતી હતી. થાક ઉતરતા અને પાછા થાકતા એમ કરતા કરતા અમે સવારે ૭:૪૫ વાગે ૧૫૦૦ પગથીયે પહોચ્યા. ઉગતા સુરજના કિરણો સીધા દાતાર પર્વત ઉપર પડતા હતા. રસ્તામાં સામાન માથે રાખીને ચઢતા દુકાનદારો અને પાલખીવાળાઓ થોડો આરામ કરી લેતા હતા ખરેખર ખુબજ મહેનત માગી લે એવું હતું. રસ્તામાં એક વૃધ્ધ દુકાનદાર પાસેથી મોસંબીની ગોળી લીધી, તેમને પૂછતા જાણવા મળ્યું કે તેઓ આમજ ૪૧ વર્ષથી અહી ધંધો કરે છે. તેમનું પૂરું જીવન આમ વ્યતીત થઇ ગયું.

લગભગ સવારે ૮:૩૦ વાગે ૨૩૦૦ પગથીયે માળી પરબ પહોચ્યા. વચ્ચે વચ્ચે નાસ્તો કરતા કરતા અમે અમારું ચઢવાનું ચાલુ રાખ્યું, જેથી કરીને મોડું ના થાય. અહીંથી વધારે ચઢાણ ચાલુ થાય છે. પગથીયા ઝીગ ઝેગ જેવા હતા. રસ્તામાં બધા યાત્રિકો એકબીજાનો ગિરનાર ચઢવાનો જુસ્સો વધારતા હતા. અમે સવારે ૯:૩૦ વાગે ૩૮૦૦ પગથીયે ગિરનાર કોટ એટલે કે નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક પહોચ્યા. જે દુરથી જ દેખાતા અમારા આનંદની કોઈ સીમા ના રહી. અમે પહેલો પડાવ પાર કર્યો. ત્યાં મફત પાણી પીવાની વ્યવસ્થા મંદિર તરફથી કરેલી હતી. રસ્તામાં ક્યાંય આવી કોઈ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. પાણી પીધું અને મંદિરમાં નેમીનાથજીના દર્શન  કર્યા. મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે. મંદિરની ફરતે નાની નાની દેરીઓ આવેલી છે. જેની અંદર ચોવીસ તીર્થકરો બિરાજે છે. મંદિરમાં ગરમ પાણીની પણ વ્યવસ્થા યાત્રિકો માટે કરેલી હતી. અમે હાલ ૩૧૦૦ ફૂટની ઉંચાઈ ઉપર હતા. ઠંડો ઠંડો શીતળ પવન અમને અથડાતો હતો અને જાણે અમને કઈક કેહવા માંગતો હોય એવું લાગ્યું. થાક ઉતારવા માટે ત્યાં મંદિરના કમ્પાઉન્ડમાં જ બેઠા.

સવારે ૧૦:૦૦ વાગે ફરીથી અંબાજી મંદિર તરફ ચઢવાનું શરુ કર્યું. સહેજ આગળ જતા જમણી બાજુએ વસ્તુપાળ તેજપાળના પ્રાચીન અને કલાત્મક દેરાસર આવેલા છે. રસ્તામાં એક ઘટાદાર ઝાડ નીચે એક બહેન પાસેથી છાશ પીધી. ખુબજ મજા પડી ગઈ. પાછું ના રહેવાયું તો થોડી બોટલમાં ભરી લીધી જેથી રસ્તામાં પીવાય. સુસવાટા મારતો પવન જાણે સ્વાગત કરતો હોય એવું લાગ્યું. અહીંથી નીચેનું દ્રશ્ય ખુબજ આલ્હાદક લાગતું હતું. સવારે ૧૦:૧૫ વાગે ૪૧૦૦ પગથીયે ગૌમુખી ગંગા આવે છે. અહિયાંથી બે રસ્તા પડે છે, ડાબી બાજુ નીચે ઉતરતો સીડી માર્ગ શેષાવન તરફ જાય છે. જયારે જમણી બાજુ ઉપર ચઢવાનો સીડી માર્ગ અંબાજી ટૂંક તરફ જાય છે. છાશ પીતા પીતા ગૌમીખીથી ઉપર ચડતા ૪૫૦૦ પગથીયે દત્તાત્રેય ભગવાન તથા મહાલક્ષ્મીનું મંદિર સામસામે આવેલ છે. સામે મળતા શ્રધ્ધાળુઓને પૂછતા કે હજી કેટલું બાકી છે તેઓ કેહતા કે બસ આવી જ ગયું છે. થોડા આગળ પહોચતા વચ્ચે એક બોર્ડ મારેલું હતું કે “મંદિર આવી ગયું છે ૫૦ પગથીયા પછી અંબાજી મંદિર છે.” તે જોઇને અમારો જુસ્સો બેવડાઈ ગયો. ફટાફટ ૫૦ પગથીયા ચઢીને અમે સવારે ૧૦:૪૫ વાગે ૪૮૮૦ પગથીએ શ્રી અંબાજીની ટૂંક પહોચ્યા. ત્યાંથી આકાશ એકદમ સ્વચ્છ દેખાતું હતું. માં ના દર્શન કરીને ધન્યતા અનુભવી. અને આગળ જવાની જાણે શક્તિ પૂરી પાડી હોય એવું લાગ્યું. ત્યાં બેસીને ઘરેથી લાવેલો નાસ્તો કર્યો. ઘણા યાત્રિકો અંબાજીમાંની ક્ષમા માંગી અહીંથી જ પાછા વળી જતા હતા. પણ અમે મન પાકું કરીને જ આવ્યા હતા કે છેક સુધી જાશું. અમારામાંથી કોઈએ હજી પાછા જવાની વાત જ નહોતી કરી. જય ગિરનાર બોલતા અમે આગળની ટૂંક ઉપર જવા આગળ વધ્યા.

અંબાજી મંદિરથી થોડા આગળ જતા જમણી બાજુ મોટો ચોક છે જ્યાં ખાણીપીણીની દુકાનો હતી. ત્યાંથી પગથીયાવાળો રસ્તો સાંકડો થઇ ગયો. જો વધારે ભીડ હોય તો ચાલવામાં તકલીફ પડે. થોડા પગથીયા નીચે ઉતરતા નીચે હસ્નાપુર ડેમ ખુબજ રોચક લાગતો હતો. ત્યાંથી ઝીણાબાવાની મઢી દેખાતી હતી. ગિરનારની પરિક્રમા કરતા તે વચ્ચે આવે છે. હવે થોડા પગથીયા ઉપર ચઢતા ગોરખ ટૂંક આવે છે. મારા પત્ની અને દીકરો ખરેખર ખુબજ થાકી ગયા હતા તેમ છતાં તેઓ મારી સાથે આગળ વધ્યા. અમે સવારે ૧૧:૩૦ વાગે ૫૩૨૦ પગથીયે ગોરખ ટૂંક પહોચ્યા. આ ટૂંક ગિરનારની ઊંચામાં ઉંચી છે જે ૩૬૬૬ ફૂટ જેટલી ઉંચી છે. અહી પાપપુણ્યની બારી આવેલી છે. તેમાંથી દત્તાત્રેયના દર્શન કરવાથી જાત્રા સફળ થાય છે.

અહીંથી દત્તાત્રેય મંદિર ખુબજ રમણીય લાગતું હતું. દુરથી ત્યાં જવાનો કોઈ માર્ગ જ દેખાતો નહોતો. ત્યાંથી નીચે ઉતારવાનો માર્ગ અને કમળકુંડ એકદમ ચોખ્ખું દેખાતું હતું. ગોરખ ટૂંક પછી કોઈ પાણી કે ખાણીપીણી દુકાન આવતી નથી એટલે અમે પાણીની વ્યવસ્થા કરી લીધી. ૧૦ મિનીટ બેઠા પછી સવારે ૧૧:૪૦ વાગે નીચે ઉતારવાની એટલે કમલકુંડ દ્વારે જવાની શરૂઆત કરી. અહીંથી ૮૫૦ પગથીયા નીચે ઉતારવાના હતા. રસ્તામાં પગથીયા ઉપર શ્રદ્ધાળુઓ થાક ઉતારવા બેઠા હતા. સૂર્ય એકદમ માથા ઉપર આવવાની તૈયારીમાં હતો. નીચે ઉતારવાની ખુબ મજા આવી અને ૧૨:૦૦ વાગ્યા સુધીમાં અમે ૬૧૭૦ પગથીયા કમલકુંડ દ્વારે પહોચ્યા હતા. ત્યાંથી બે રસ્તા પડે છે એક ૨૧૦ પગથીયા નીચે જતા કમલકુંડ આવે છે અને ૭૦૦ પગથીયા ઉપર ચઢતા દત્તાત્રેય ટૂંક આવે છે. પાછા ફરતા કમલકુંડ જઈશું એમ વિચારીને આગળ વધ્યા.

ત્યાંથી થોડે ઉપર ચઢ્યા પછી સહેજ ઉભા રહ્યા તો પગ એકદમ ધ્રુજવા લાગ્યા. જાણે કોઈએ પગ બાંધી દીધા હોય એવું લાગ્યું અને થોડા સમય માટે ત્યાં બેઠા. સુર્યની ગરમીનો પ્રકોપ વધતો હોય એવું લાગ્યું. ત્યાં એક પરિવાર સાથે આવેલું એક ગ્રુપ મળ્યું, તેમને કીધું કે અમે અહી આવી જ ના શક્યા હોત જો તમારા દીકરાને ના જોયો હોત’તો, જો આ નાનું બાળક આટલું ચઢી શકતું હોય તો અમે કેમ નહિ? અને એને જોઇને અમારામાં પણ હિંમત આવી અને અમે અહી સુધી પહોચ્યા. સાથેના યાત્રિકો જોરજોરથી બુમો પાડીને “હવે આવી ગયું. બસ આ રહ્યું. ચાલો… જય ગિરનાર….” એકબીજાને પ્રોત્સાહિત કરતા હતા. બેસતા આરામ કરતા કરતા બપોરે ૧૨:૩૦ વાગે ૬૮૭૦ પગથીયે અમે દત્તાત્રેય ટૂંક પહોચ્યા. અહી ગુરુ દતાત્રેયના ચરણપાદુકા છે. દર્શન કરતા જ જાણે શરીરમાં કોઈ રોમાંચનો અનુભવ થયો. થોડા સમય માટે એ પણ ભૂલી જવાયું કે અમારે ૭૦૦ પગથીયા ઉતરીને ૮૫૦ પગથીયા ચઢવાના હતા.

હવે પાછા ઉતારવાની શરૂઆત કરી, પગ બંધાઈ જતા હતા અને પગ ઉંચો કરવો પણ મુશ્કેલ હતો. અમે ધીમેધીમે બપોરે ૧:૦૦ વાગ્યા જેવા પાછા કમલકુંડ દ્વારે પહોચ્યા. ત્યાંથી ૨૧૦ પગથીયા નીચે ઉતરતા કમલકુંડ પહોચ્યા. ત્યાં બાવાજી કમંડલથી પાણી પીવડાવે છે માટે તેનુ નામ કમંડલ કુંડ પડયુ. ત્યાં અન્નશ્રેત્ર  ચાલે છે. દરેક યાત્રીકોને ખુબજ આદરપૂર્વક જમાડે છે. અમે લાપસી, ખીચડી અને ઢીલા મગ પેટ ભરીને ખાધા. જમવાનું ખુબજ સ્વાદિષ્ટ હતું.

ત્યાંથી જમીને બપોરે ૧:૩૦ વાગ્યા જેવા પાછા કમલકુંડ દ્વારે આવ્યા. ત્યાં એક બ્રાહ્મણ ભાઈ અને બીજા મહારાષ્ટ્રથી આવેલું એક ગ્રુપ અમારી સાથે સાથે ગોરખ ટૂંક તરફ આગળ વધ્યા. બ્રાહ્મણ ભાઈએ ખુબજ સરસ અને રોચક વાતો કરી કે કેવી રીતે હિંદુ અને જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યા, દત્તાત્રેય ટૂંકનું મહત્વ. વાતો કરતા કરતા બપોરે ૨:૩૦ વાગે ગોરખ ટૂંકે પહોચ્યા. હવે તો ૧૦-૧૫ પગથીયા ચઢીએ એટલે પગ જાણે કોઈએ પકડી લીધા હોય તેવું લાગતું અને આપોઆપ જે તે સ્થળે સ્થિર થઇ જતા. એક કુતરું છેક કમલકુંડ દ્વારથી છેક અંબાજી સુધી અમારી સાથે આવ્યું જાણે દત્તાત્રેય ભગવાનનું વાહન અમને પાછા મુકવા આવતું હોય. અમે બપોરે ૨:૫૦ વાગે અંબાજી મંદિરે પહોચ્યા. ત્યાં તળબુચ અને પાઈનેપલની ડીશ ખાધી અને થોડો સમય આરામ કર્યો. ત્યાંથી ઉભું થવાની ઈચ્છા જ નહોતી થાતી. જય ગિરનાર….બોલતા બોલતા ઉભા થયા અને ધીમેધીમે ચાલ્યા નેમિનાથ મંદિર તરફ. રસ્તામાં ઘણા યાત્રાળુઓ સામે મળતા હતા અને પૂછતાં હતા કે હજી કેટલું છે અને અમે કહેતા કે “બસ આ રહ્યું, હવે આવી જ ગયું છે” અને તેમના ચહેરા પર ગઝબની ચમક આવી જતી. ફરીથી પેલું કુતરું અમારી સાથે આવી ગયું. સાંજના ૫:૦૦ વાગ્યા જેવા અમે નેમિનાથ મંદિરે પહોચ્યા.

img_20161229_144955

બસ અંધારું થાય એ પહેલા નીચે પહોચી જવાય તો સારું એમ વિચારીને નીચે ઉતારવાનું શરુ કર્યું. રસ્તામાં એક છાસવાળા ભાઈ પાસેથી છાસ પીધી. ખુબજ સારી હતી. તેમણે પાંચ રૂપિયામાં આખી બોટલ ભરી આપી. અમે ના પાડી તો પણ બળજબરીથી ભરી આપી, “અરે.. સાહેબ પીતા પીતા નીચે ઉતરજો હજી ૨૧૦૦ પગથીયા બાકી છે.” સાંજે ૬:૪૫ વાગે અમે ૧૦૦૦ પગથીયા બાકી હતા ત્યાં પહોચ્યા અને હું ત્યાં ખાટલા ઉપર તરતજ આડો પડી ગયો અને એવું લાગ્યું કે અહી જ ઊંઘી જવ. અંધારું થઇ ગયું હતું. એવું સાંભળ્યું છે કે અંધારામાં દીપડા અહી પાણી પીવા આવે છે એટલે થોડો ડર પણ લાગતો હતો. રસ્તા પરની મોટાભાગની દુકાનો બંધ થઇ ગઈ હતી. ચારેબાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. નહીવત લોકોજ દેખાતા હતા. સાંજે ૭:૧૫ વાગે ૬૨૫ પગથીય બાકી હતા ત્યાં પહોચ્યા, નજીકમાં એક દુકાનદારનું ફેમીલી રસોઈ બનાવતું હતું અમે પૂછ્યું કે “અમે આવીએ”. તો  એમને કીધું “જમી લો” થોડા આગળ વધ્યા ત્યાં રસોઈવાળા બેને કહ્યું કે “કેમ જમવું નથી” અમે હસીને તેમનો આભાર માન્યો અને આગળ વધ્યા. હવે સખત થાક લાગ્યો હતો. નીચે ઉતરવું વધારે કષ્ટદાયક હતું. રાત્રે ૭:૪૫ વાગે અમે લંબે હનુમાનની ડેરીએ પહોચ્યા. ત્યાં ઓટલા ઉપર થોડા સમય માટે બેસી જ રહ્યા.

img_20161229_194439

ઉઠીને બહાર આવ્યા ત્યારે એક કાકા-કાકી અમારી નજીક આવ્યા અને પુછવા લાગ્યા કે “તમે ગિરનાર ચઢીને આવ્યા!!!” ત્યાંથી થોડા આગળ ગયા ત્યાં એક બેને પૂછ્યું કે “પગની હાલત કેવી છે? કેવું રહ્યું?” અમે જાણે કોઈ મોટું પરાક્રમ કરીને નીચે ના આવ્યા હોય એમ અમને પુછતા હતા. થોડીવાર રહીને એવું લાગ્યું કે સાક્ષાત ભગવાન દત્તાત્રેય અને અંબા માતા અમને પુછવા આવ્યા હોય એવો ભાસ થયો. ખરેખર જીવનમાં એકવાર તો ગિરનાર ચઢવાનો અનુભવ લેવો જ રહ્યો.

ભવનાથ તળેટીમાં આવીને જમીને અમે રાત્રે ૯:૦૦ વાગ્યા જેવા પ્રેરણાધામ પહોચ્યા. આંખો બંધ કરીએ એટલે ગિરનાર જ દેખાયા કરતો. એ પછી તો અમે જયારે “અરે…રે….રે…” બોલીએ એટલે બાકીના બધા “ઘરે…રે..!!!!!” બોલે અને બધા જોરથી હસવા લાગતા.

Advertisements

Ambaji Road Trip

બોલ માડી અંબે જય…જય અંબે……..

ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ઘણું જ જાણીતું યાત્રાધામ છે. ભાદરવા મહિનામાં અંબાજી માતાના ધામમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. આ સમયમાં અંબાજીમાં મીની કુંભ જેવો માહોલ હોય છે. ભાદરવા મહિનામાં માં અંબેમાં ના દર્શન કરવાની મજા જ કઈક ઓર હોય છે. આ મહિનામાં પગપાળા અંબાજી જવાનું વધારે મહત્વ હોય છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રીઓથી છલકાય જાય છે. દિવસ રાત જય અંબે જય અંબેના નાદ સંભળાયા કરે છે. જેટલું અંબાજીએ જતા પદયાત્રીઓનું મહત્વ છે તેટલું જ મહત્વ તેમને સવલતો પૂરી પાડનારા સેવાભાવીઓનું છે. કોઈ પદયાત્રીઓને રહેવાની જમવાની સવલતો પૂરી પાડે છે તો કોઈ મેડીકલ કેન્દ્રો ખોલીને તેમની સેવા કરે છે. જ્યાં કોઈ દવા આપે તો કોઇ પગની માલિશ કરી આપે છે. પદયાત્રાએ જતાં ભક્તોની સેવા માટે જાણે ‘મા’એ જ તેના દૂત મોકલ્યા હોય તેવાં સાક્ષાત્ દર્શન આ સેવાધારીઓમાં થતાં હોય છે.એક વાત પણ સ્વીકારવી જોઈએ કે કોઈ પદયાત્રીએ અંબે માતા ને રૂબરૂ નથી જોયા પણ રોજબરોજમાં થતી વિવિધ રીતોથી માં અંબેમાંની હાજરીનો અહેસાસ કરાવે છે. માતાજી પ્રત્યેની આસ્થા અને તેની દિવ્યતાની અનુભૂતિ તો માના દરબારમાં જે ચાલતા જાય તે જ અનુભવી શકે.

એવી જ આસ્થા સાથે અમે ગાડી લઈને અંબાજી જવા નીકળી પડ્યા. અમે સાંજે ૫:૩૦ વાગે બાલારામ મંદિરે પહોચ્યા.

બાલારામ ( Balaram)….

ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતુ રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે. આ મંદિર પાસે ડુંગરમાંથી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે સતત શિવલિંગ ને જળાભિષેક કરે છે.

ત્યાંથી સાંજે ૬:૦૦ વાગે નીકળીને ૬:૩૦ વાગે અમે ગંગેશ્વર મહાદેવ હથીદરા (Hathidra) પહોચ્યા. બાલારામથી આશરે ૧૪ કી.મી.ના અંતરે હથીદરા ગામે ગંગેશ્વર મહાદેવનું ઐતિહાસિક તેમજ પૌરાણિક મંદિર આવેલ છે. પ્રાકૃતિક સૌંદર્યધામ અને પહાડોની હારમાળાની કોતરણીની ગુફામાં આ મંદિરના શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. આ શિવાલય ત્રિવેણી સંગમ ગંગાના કિનારે હોવાથી આ સ્થળનું નામ હર ગંગેશ્વર નામ આપવામાં આવ્યુ. મંદિરની બાજુમાં જ પથ્થરોનો બનેલો ટેકરો છે. ૨૦૦ પગથીયા ચડીને ઉપર પહોંચો, ત્યાંથી આજુબાજુનું અને નીચેનું દ્રશ્ય અચૂક જોવા જેવું પણ અંધારું થવા આવ્યું હતું એટલે ઉપર જવાનું રહેવા દીધું અને અમે ચાલ્યા અંબાજી તરફ.

રસ્તામાં સેબલપાણી (Sebalpani) નામનું ગામ આવે છે. સેબલપાણી અરવલ્લીની ગિરિમાળાઓમાં ઘેરાયેલુ ગામ છે જ્યાં માનવ સંસ્કૃતિના ઐતિહાસિક પુરાવા સમાન સેબલપાણીની ગુફાઓ આવેલી છે. જેમાં રોક પેઈન્ટિંગમાં યુદ્ધ કથાઓ તથા માનવ જીવનને દર્શાવવામાં આવ્યું છે. ખુબજ મોડું થઇ ગયું હોવાથી અમે ત્યાં જવાનો  વિચાર માંડીવાળીને સીધાજ અંબાજી બાજુ આગળ ચાલ્યા. વાંકાચુકા અને ઢાળવાળા રસ્તા પસાર કરતા કરતા અમે સાંજે ૭:૪૫ વાગે ગબ્બર પહોચ્યા. ત્યાંથી ગબ્બર ખુબજ સુંદર દેખાતો હતો પણ અત્યારે પણ ઘણા ભક્તો ગબ્બર પર જતા હતા પણ અમે સવારે વહેલા આરતીના સમયે ત્યાં જવાનું નક્કી કર્યું. ત્યાંથી જગદજનની અતિથિગૃહ હોલીડે હોમ અમે રાત્રે ૮:૧૫ વાગે પહોચ્યા. જમીને ચાલતા ચા પીવા માટે મંદિર તરફ ગયા.

img_20160903_215636

ઝગમગતી રોશની વચ્ચે શક્તિદ્વાર ખુબજ સુંદર દેખાતો હતો. રાત્રે અંબાજી મંદિરનો નઝારો અચૂક જોવા જેવો.

સવારે બાલ્કાનીમાથી ડુંગર ખુબજ રળિયામણા લાગતા હતા. મનમાં એવું થતું હતું કે ચાલો ત્યાંજ પહોચી જઈએ.

img_20160904_064237

ગબ્બરની આરતીનો લ્હાવો લેવા માટે ફટાફટ તૈયાર થઇને સવારે ૭:૩૦ વાગે અમે ગબ્બર ઉપર પહોચી ગયા.

ગબ્બરનો ઈતિહાસ

ગબ્બર માતાજીનું મૂળ સ્થાનક મનાય છે. એવી માન્યતા છે કે મા સતીનું હૃદય અહીં પડ્યું હતું. લોક માન્યતા અનુસાર માતાના પદચિન્હ તથા રથના પૈડાના નિશાન મંદિરના પ્રાંગણમાં જોઈ શકાય છે. એક કથા એવી છે કે, વર્ષો પહેલાં પાટવીકુંવર જશરાજે અહીં પર્વતની ટોચે માતાજીની સ્થાપના કરી હતી. જે આજે ગબ્બર તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે. આ ગબ્બર મુખ્ય મંદિરથી ચાર કિલોમીટર દૂર આવેલો છે. અહીં ચઢવા માટેના પગથિયા પ્રદક્ષિણા કરતાં છે . આ ગબ્બરની અંદર માઁની ગુફાનું દ્રાર હોવાનું મનાય છે.

બીજી એક કથા એવી છે કે, મા જગદ્દઅંબા ગબ્બર ગઢના સોના હિઁડોળે ઝુલતાં હતા ત્યારે એક ગોવાળ તેમની ગાય ચારી ચરામણ લેવા ગયો હતો. જેને માતાજીએ સુંપડું ભરીને જવ આપ્યા પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં જ ઢોલી દિધા, ઘરે જઇને જોયું તો, તેની પછેડીમાં કેટલાક દાણા ચોટેલા હતા તે સોનાના હતા. જ્યારે ભાગ્યશાળીને આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિચકાનો અવાજ જરૂર સંભળાય છે. એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની ચૌલક્રીયા (બાબરી) પણ ગબ્બર પર્વત ઉપર થઇ હતી. એટલું જ નહીં ભગવાન રામ પણ ગબ્બર શક્તિપીઠે મા આદ્યશક્તિની આરાધના કરતાં માતાજીએ ભગવાન રામને અજયબાણ આપ્યું હતું અને તે જ બાણથી રાવણનો શ્રી રામે સંહાર કર્યો હતો. એવી માન્યતા છે કે ગબ્બર પર અંબાજીના સ્થાનક પર દીવો પ્રગટાવવાથી મંદિરમાં તે આપોઆપ જ દેખાય છે. મંદિરમાં અને ગબ્બરગૃહમાં આરતી એક જ સમયે થાય છે.

ગબ્બર પર્વત ઉપર ચઢવા માટે ૯૯૯ પગથિયા અને ઉડન ખટોલા(Ropeway)ની વ્યવસ્થા છે.

અમે સવારે ૮:૩૦ વાગે નીચે આવીને શ્રી ચુંદડી વાળા માતાજીના દર્શન કરવા ગયા. ગબ્બરની નજીકમાં જ તેમનું સુંદર મંદિર આવેલું છે. ત્યાં બધું લાલ રંગનું હતું. મુખ્ય દરવાજાથી મોબાઈલ, કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે. ફરજીયાત પણે સ્ત્રીઓએ માથે ઓઢીને જવું પડે છે. થોડા પગથિયા ચઢીએ એટલે એક વિશાળ હોલમાં ધ્યાનમાં બેઠેલા શ્રી ચુંદડી વાળા માતાજીના દર્શન થયા.

img_20160904_084714

શ્રી ચુંદડી વાળા માતાજી ફેસબુક પેજ પ્રમાણે, પ્રહલાદ જાની કે જેઓ માતાજી તરીકે ઓળખાય છે જેઓ 70 વર્ષ થી ખોરાક કે પાણી વગર જીવન પસાર કરી રહ્યા છે. જેમનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૨૯ માં મહેસાણા જીલ્લા ના ચરાડા ગામમાં થયો હતો. તેમના કહેવા પ્રમાણે ૧૯૪૦ થી તેઓ એ કઈ પણ ખાધું નથી તેમનું જીવન અંબા માં ના આશીર્વાદથી જ ચાલે છે.તેમના કહેવા પ્રમાણે તેમણે 7 વર્ષ ની ઉમરે ઘર છોડ્યું હતું અને તેઓ જંગલ માં રહેવા ચાલ્યા ગયા હતા. ૧૧ વર્ષ ની ઉમરે તેમને એક ધાર્મિક અનુભવ થયો અને તેઓ અંબા માં ના ભક્ત બની ગયા. ત્યારથી તેઓ સ્ત્રી ભક્ત તરીકે સ્ત્રી વસ્ત્રો પહેરે છે.લાલ કલર ની સાડી, આભૂષણો અને લાંબા વાળ આ એમનું બાહ્ય રૂપ. 1970 થી તેઓ અંબાજી માતા ના મંદિર નજીક જંગલ માં સન્યાસી તરીકે નું જીવન ગાળે છે અને તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠે છે. તેમનો મોટાભાગ નો મય ધ્યાન માં લગાવે છે.

ત્યાંથી અંબાજી મુખ્ય મંદિરે ગયા. હવે ધીમે ધીમે ભક્તોની દર્શન કરવાની ભીડ વધતી જતી હતી. ભક્તોની લાઈન શક્તિદ્વાર સુધી આવી ગઈ હતી એટલે બહારથી જ દર્શન કરી લીધા. ત્યાં બાજુમાં ચાચર ચોકમાં દર્શન ગેલરી આવેલી છે. ત્યાં અંબાજીના માતાના પ્રાગટ્યની ગાથાની ૩D મુવી બતાવવામાં આવે છે. અહી માં અંબાની રવિવારે વાધની સવારી, સોમવારે નંદી, મંગળવારે સિંહની, બુધવારે ઐરાવત હાથીની, ગુરૂવારે ગરુડની, શુક્રવારે હંસની અને શનિવારે હાથીની સવારી સાથેના સાત વિરાટ સ્વરૂપોના દર્શન, ૫૧ શક્તિપીઠના મુર્તિ સ્વરૂપોના સ:શ્લોક દર્શન, મહિસાસૂર મર્દીનીની વિશાળ મુર્તિ સાથે ગ્લાસ સ્કાયવોક બ્રિજ અને સ્તંભ આધારીત ગુફામાં ફરતા હોવ એવો અવિસ્મરણીય અનુભુવ અનુભવવા જેવો ખરો. ત્યાના ગાઈડ બેને અંબાજીના ઈતિહાસની ખરેખર સુંદર માહિતી સાથે સમજણ આપી. આપના પ્રશ્નોના જવાબ ખુબજ સહજતાથી આપતા હતા. ખરેખર પ્રાકૃતિક જ્ઞાન હતું તેમનામાં.

આજે ત્યાં માતાજીના પ્રાચીન મંદિરની જગ્યાએ આરસપહાણના પથ્થરથી ભવ્ય મહેલ બંધાયો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં સાતેય દિવસ માતાજી અલગ અલગ સવારી પર બિરાજતાં જોવા મળે છે. વેદોમાં જણાવ્યા મુજબ તો આ મંદિર અતિ પ્રાચીન છે. અહીં ગર્ભગૃહમાં માતાજીને જ્યારે વિવિધ શણગારોથી સજાવવામાં આવે છે ત્યારે તે અત્યંત સોહામણી લાગે છે. અહીં કોઈ પણ પ્રકારના ધાતુની પ્રતિમા નથી પણ એક ગોખ છે જ્યાં સોનાથી મઢાયેલુ વીસાયંત્ર મુકવામાં આવેલું છે. આ વીસાયંત્રને માતાજીના વસ્ત્રાલંકારો વડે એવી રીતે સજાવવામાં આવે છે કે દર્શનાર્થીઓને માઁ અંબા પોતાના વાહન પર આરૂઢ હોય તેવો આભાસ થાય છે. આ વીસાયંત્રની પૂજા દાંતા નરેશના વંશનો પૂજારી જ કરે છે, અને તે પણ આંખે પટ્ટી બાંધીને. કહેવાય છે કે આ વીસાયંત્રને આજ સુધી કોઈ જોઈ શક્યું નથી અને ન તો તેનો ફોટો પાડવાની પરવાનગી આપે છે.

અંબાજી નો ઇતિહાસ
અંબાજીના માતાના પ્રાગટ્યની ગાથા અનુસાર પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરે આમંત્રિત કર્યા નહોતા. પિતાને ત્યાં યજ્ઞનું આયોજન હોવાની જાણ થતાં ભગવાન શંકરના વિરોધ વચ્ચે સતી દેવી પિતાને ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ભગવાન શિવને આમંત્રિત નહીં કરતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ એ યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. શિવે સતીના નિઃચેતન દેહને જોઇ તાંડવ કર્યું હતું અને દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યા હતા, ત્યારે આખી સૃષ્ટિનો નાશ થઇ જશે તેવા ભયથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટૂકડા કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા હતા. સતીના દેહના ભાગો અને આભૂષણો બાવન સ્થળો પર પડ્યાં અને આ સ્થલો પર એક-એક શક્તિ અને એક ભૈરવ ટચૂકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા હતા.

તંત્ર ચુડામણીમાં આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું મનાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની પણ માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ કરાયો છેકે શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં મા અંબાના સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રોકાયા હતા. આજે પણ ગબ્બર પર્વત પર એ સ્થળ જોવા મળે છે.

પાંડવો પોતાના વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા માટે રોકાયા હોવાનો પણ ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમિયાન સીતાની શોધમાં ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમે આવ્યા હતા. ઋષિએ તેમને માતાજીના આશિર્વાદ લેવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઇને રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું. જે બાણથી રામે રાવણનો નાશ કર્યો હોવાની માન્યતા છે. દંત કથાઓ અને લોકવાયકાઓમાં આ પૌરાણિક ધામનો પરિચય અપાયો છે. અંબાજીની વર્ણન સ્તૃતિઓની પરંપરા છેક પુરાણોથી લઇને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઇતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં આપણને જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે પરંતુ ઉપલબ્ધ પરિસ્થિતિ જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ હોવાનું જણાય છે.(અંબાજીની વેબસાઈટ પરથી… વધુ માહિતી માટે www.ambajitemple.in)

બીજી એક લોકવાત એવી છે કે 176 વર્ષ પહેલાં અમદાવાદમાં જ્યારે પ્લેગની બીમારી ફાટી નીકળી હતી ત્યારે તેમાં અનેક લોકોનાં મોત થયાં હતાં. પ્લેગના ભરડામાં લોકોને મરતા જોઇને શેઠ શ્રી હઠીસિંહે મા અંબાને પ્રાર્થના કરી હતી અને રોગમાંથી મુક્તિ મળે તો અંબાજી ચાલતા આવી દર્શન કરવાની બાધા રાખેલી. ‘મા’ ના હૃદય સુધી જાણે પ્રાર્થના પહોંચી ગઇ, પ્લેગની મહામારી ધીમે-ધીમે બંધ થઇ ગઇ. માની આ કૃપા જ કામ કરી ગઇ. હઠીસિંહની શ્રદ્ધા બળવત્તર બની અને તેમણે ચાલતા જ ભાદરવી પૂનમના રોજ માના ધામમાં પહોંચી દર્શન કર્યાં હતાં. આ સાત દિવસમાં 25 થી 30 લાખ માઇભક્તો માતાજીના ધામમાં પહોંચી વંદન કરે છે.

Checkoutનો સમય થઇ ગયો હતો એટલે checkout કરીને અમે લીલીવાડી કાઠીયાવાડી ઢાબામાં જમવા ગયા. અહી જમવાનું સારું મળે છે.

જમીને બપોરે ૧:૧૫ વાગે કુંભેશ્વર મહાદેવ જોવા ગયા. કુંભેશ્વર મહાદેવ મંદિર કુંભારિયા જૈન દેરાસરથી એક કી.મી. ના અંતરે આવેલું છે. આ શિવમંદિર પર જૈન અસર જોવા મળે છે. મંદિરની પીઠ કીર્તિમુખ, હાથીઓ, દૈનિક જીવનચર્યાના દ્રશ્યોથી કોતરણી કરેલી છે. પાયા અને દીવાલોની મધ્યમાં દેવદેવીઓ અને શૃંગારમગ્ન યુગલોની પ્રતિમાઓ છે. આ મંદિર કુમારપાળના ગાળામાં બંધાયેલું જણાય છે.

ત્યાંથી નજીકમાં રીંછડી મહાદેવ આવેલું છે. કુંભેશ્વર મહાદેવ મંદિરથી એક કી.મી.ના અંતરે અંતરિયાળ વિસ્તારમાં રીંછડીયા મહાદેવનું જુનું પૌરાણિક મંદિર આવેલ છે. ડુંગરાઓ અને જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિર પણ સુંદર છે. આ સ્થળ પીકનીક પોઇન્ટ જેવું છે. નજીકમાં જ રીંછડીયા ડેમ આવેલો છે.

ત્યાંથી પોશીના દરબારગઢ (Darbargadh Poshina) જોવા જવાનું હતું. અંબાજીથી પોશીના ૨૮ કી.મી અંતરે આવેલુ છે. અંબાજીથી ખેડબ્રહ્મા બાજુ ૧૭ કી.મી પછી ડાબી સાઈડ ૧૨ કી.મી જવું. રસ્તો સીધો દરબારગઢના મુખ્ય દરવાજે જ જાય છે. દુરથી જ વ્હાઈટ માર્બલમાંથી બનાવેલો દરબારગઢ દેખાતો હતો. અમે બપોરે ૨:૪૫ વાગે દરબારગઢ પહોચ્યા. થોડા સમય પેહલા ફેસબુક ઉપર કું. હરેન્દ્રપાલસિંહ સાથે વાત થઇ હતી કે તમે ગમે ત્યારે દરબારગઢની મુલાકાત લઇ શકો છો. અમે ત્યાં પહોચીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેઓ તો અમદાવાદ ગયેલા છે. પણ તેમણે અમને દરબારગઢ જોવા માટેની ગોઠવણ કરી આપી. ત્યાં ટુરીસ્ટોને રહેવા માટેના ૩૦ થી ૩૫ રૂમો છે. દરેક રૂમમાં એન્ટિક ચીજો મુકેલી છે. જ્યારે આ રૂમોનું ફર્નિચર અગાઉના સમયનું છે. દરબારગઢમાં જ વિશાળ ડાઈનિંગ હોલ આવેલો છે. જ્યાં પરંપરાગત ભોજન પીરસવામાં આવે છે. ડાઈનિંગ હોલમાં વિશાળ પેઈન્ટિંગ્સ અને પ્રાચીન ચીજો મુકવામાં આવ્યા છે. જે ડાઈનિંગ હોલની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. બહાર અગાઉના સમયની ગાડીઓ પાર્ક કરી હતી જે ત્યાં રોકાયેલા મહેમાનોને ફરવા લઇ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ માહિતી માટે www.poshina.in મુલાકાત લેવી

બધાને ચા પીવી હતી એટલે પોશીનાથી થોડે દુર ચા પીવા માટે ઉભા રહ્યા. ત્યાંની ચા ખુબજ સારી હતી એટલે બધાએ ફરીથી ચા પીધી. ત્યાંથી ગુણભાંખરી કેવી રીતે જવાય તે પૂછી લીધું. અહીંથી સીધા ગુણભાંખરી જવાનો રસ્તો નદીમાં વધારે પાણી હોવાથી બંધ છે એવું જાણવા મળ્યું.

અંબાજી વાળા મુખ્ય રસ્તા ઉપર પાછા આવ્યા. ત્યાંથી ૮ કી.મી પછી ખેરોજ ગામ આવે છે. ત્યાંથી ડાબીબાજુ કોટડાવાળા રસ્તે ૮ કી.મી પછી લાંબડીયા ગામ થઇ ને ૧૨ કી.મી. દેલવાડા ગામ આવે છે. ત્યાંથી ૨ કી.મી પછી ગુણભાંખરી આવે છે. જ્યાં સાબરમતી, આકુળ નદી અને વ્યાકુળ નદી એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ખાતે હૉળીના તહેવાર પછીના ૧૪મા દિવસે મેળો યૉજવામાં આવે છે. જેને ચિત્ર વિચિત્ર મેળા તરીકે પ્રખ્યાત છે. મંદિર ખુબજ દયનીય સ્થિતિમાં હતું. બાજુમાં એક કોમ્યુનીટી હોલ પણ બિસ્માર હાલતમાં હતો. ત્યાંથી થોડા પગથીયા નીચે ઉતારો એટલે નદી સુધી પહોચી શકાય એવું છે. બાજુમાંજ ચેક ડેમ બનાવેલો છે. પાણી વહેવાનો મધુર અવાજ દુરથી જ સાંભળતો હતો. પાણી ખળખળ કરતુ વહેતું હતું. બે ઘડી બેસવાનું મન થાય એવી જગ્યા છે.

આ મેળા વિશે એવી દંત કથા છે કે આજથી છ હજાર વર્ષ પુર્વે હસ્તીનાપુરમાં શાંતનું નામે રાજા રાજપાટ કરતો હતો. તેમન મત્સગંધા અને ગંગા નામની બે રાણીઓ હતી. રાણી ગંગાજીનો પુત્ર ગાંગેયજી અને મત્સયગંધાના બે પુત્ર ચિત્રવીર અને વિચીત્રવીર શાંતનું અવસાન બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા. પરતું ગાંગેયજી હમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા. તેની ગાંગયેજી પોતાની માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું. (બોર્ડ પર લખેલા ઇતિહાસ મુજબ )

કેટલા સ્થળ જોવાના બાકી રહી ગયા તેની વાતો કરતા કરતા રાત્રે ૮:૩૦ વાગે ઘરે પહોચ્યા.

Dukan Ghat One Day Trip

૩૧ જુલાઈ ૨૦૧૬ રવિવાર

અમે સવારે ૬:૪૫ વાગે હોટલ વિનય લેઈક વ્યુ આગળ ભેગા થયા. ત્યાંથી ગુમાનદેવ ૧૨ કી.મી. થાય. ગુમાનદેવમાં હનુમાનજીનું મોટું અને પ્રાચીન મંદિર આવેલું છે. પણ અમારા પ્લાનમાં નહોતું એટલે અમે આગળ વધ્યા. ત્યાંથી લગભગ ૩ કી.મી. જેટલું રાજપારડી તરફ આગળ જઈને જમણીબાજુ, ૧ કી.મી. વાલિયા હાઇવે પર આગળ જઈને ડાબીબાજુ વળવું. ત્યાંથી ખારીયા, ધોળાકુવા થઇને ૧૩ કી.મી. પછી બે ફાટા પડે છે. ત્યાંથી ડાબીબાજુ ૧ કી.મી જઈને પાછા બે ફાટા પડે છે. ત્યાંથી જમણીબાજુ ૪ કી.મી. ઝાઝ્પોર(Zazpor) આગળ કડિયા ડુંગર આવેલો છે. અમે સવારે ૭:૪૫ વાગે પહોચી ગયા હતા.

ઝાડેશ્વરથી કડિયા ડુંગરના ફોટાઓ………  

ત્યાં બીજા મેમ્બેર્સ ભેગા થવાના હતા અને નાસ્તા માટે ત્યાં રોકાવાનું હતું. ચોમાસાની અદભુત ઠંડકમાં અમે બટાકા પૌંઆનો નાસ્તો માણ્યો.

બધા મેમ્બરોનો મેળાપ…….

નાસ્તો કર્યા પછી સવારે ૮:૧૫ વાગે કડિયા ડુંગર ઉપર ચઢવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં પગથીયા છે એ પછી ફક્ત ડુંગર છે ત્યાં થોડું સંભાળવું પડે. જો બેલેન્સ ગયું તો ગયા સમજો, પણ અમારા ટીમ મેમ્બરો ત્યાં ગોઠવાઈ ગયા હતા અને બધાને સહેલાઈથી ડુંગર પસાર કરાવી આપ્યો. કડિયા ડુંગર પર ચઢાવા માટે બે રસ્તા છે એક આગળથી અને બીજો પાછળથી. આગળની બાજુએ એક મોટો આશ્રમ આવેલો છે. અહી વડના ઝાડ ઘણા છે. આશ્રમના છેડેથી ડુંગર પર ચડવાનાં પગથિયાં શરુ થાય છે. પગથિયાં વ્યવસ્થિત બનાવેલાં છે. છેક ઉપરથી નીચેનું દ્રશ્ય એટલું આલ્હાદક હતું કે વાત ના પૂછો. જાણે કોઈ હિલ સ્ટેશન ઉપર આવી ગયા હોય તેવું. ત્યાં એટલી લીલોત્તરી હતી કે આપણી આંખોને પુરતી ઠંડક મળી રહે. ત્યાં બે ઘડી બેસવાનું મન થાય એવી જગ્યા છે. એકદમ શાંત જગ્યા. ઝાડેશ્વર ચોકડીથી કડિયા ડુંગર ૩૪ કી.મી. જેટલું થાય.

કડિયા ડુંગર……

અહી ૭ જેટલી બૌધ્ધ ગુફાઓ આવેલી છે. અહી પાંડવોએ અજ્ઞાતવાસનો કેટલોક સમય વિતાવ્યો હોવાની લોકમાન્યતા છે. જે મુજબ અજ્ઞાતવાસમાં પાંડવો અને દ્રોપદીએ અહીં આશરો લીધો હતો અને ગુફાઓમાં તેઓ રહેતા હતા. ડુંગર પર ભીમનાં પગલાનાં નિશાન પણ જોવા મળે છે. સાથે હેડમ્બા સાથે ભીમે અહીં લગ્ન કર્યાં હતાં તેવી લોકમાન્યતા છે.

(ગુગલ પરથી..)

ત્યાંથી સવારે ૯:૦૦ વાગે દુકાન ઘાટ બાજુ આગળ વધ્યા. ત્યાંથી ૫ કી.મી. પછી જેસપોર ચોકડી આવે છે  જે રાજપારડી-નેત્રાંગ હાઇવેને મળે છે. ત્યાંથી ૬ કી.મી. વણખૂંટા આવે પછી ૨ કી.મી. પછી બે ફાટા પડે છે ત્યાંથી ડાબીબાજુ ૩ કી.મી. ઉમર્ખારડા બાજુ આગળ વધ્યા. અમે સવારે ૯:૪૫ વાગે જ્યાંથી ટ્રેકિંગ કરવાનું હતું ત્યાં પહોચી ગયા બધા વાહનો ત્યાં પાર્ક કર્યા અને જરૂરી નાસ્તો અને પાણી લઈને ચાલ્યા દુકાન ઘાટ તરફ.

કડિયા ડુંગરથી દુકાન ઘાટ તરફ જતા……

રસ્તામાં ખેડૂતો ખેતરમાં ખેતી કરતા હતા. વરસાદ અને વાદળ જાણે અમારી જોડે રમત રમતા હોય તેમ આવે અને પાછા સંતાઈ જાય. ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો. જો ધોધમાર વરસાદ હોત તો ચાલવું કદાચ મુશ્કેલ થઇ જાત પણ નસીબ અમારી સાથે હતું. ટ્રેકિંગની મઝા માણતા માણતા અમે લગભગ સવારે ૧૦:૪૦ વાગે દુકાન ઘાટ પહોચ્યા. ત્યાંથી નીચે ઉતારવા માટે પગદંડી છે. ધોધ સુધી પહોંચવું આસાન છે. નીચે પહોંચ્યા પછી વૃક્ષોની વચ્ચે ધોધનાં દર્શન થાય છે.

દુકાન ઘાટ ટ્રેકિંગ……..

 

નાના બાળકો સાથે મોટાઓએ પણ નહાવાનો આનંદ માણ્યો. સાથે લાવેલો નાસ્તો કર્યો અને બધાએ ગરબા પણ ગાયા. કોઈકે ગધેડાનો, કૂતરાનો તો કોઈએ ડોનાલ્ડ ડકનો અવાજ કાઢીને બધાનું મનોરંજન કર્યું. એક ડોકટર સાહેબે સુંદર મજાની વાંસળી વગાડીને બધાને મોહિત કરી દીધા.

દુકાન ઘાટ….

બસ હવે પાછા જવાનો સમય થઇ ગયો હતો. બધા ચાલ્યા પોતપોતાની ગાડીઓ તરફ. અમારે અમદાવાદ આવવાનું હતું એટલે ધોળી ડેમ જવાનું માંડી વાળીને અમે અમદાવાદ તરફ નીકળી પડ્યા.

ચોમાસમાં ધોધ અને જંગલમાં ટ્રેકિંગ કરવાની ખુબ મજા આવી. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં પણ આવા સ્થળ છે જે લોકોની જાણ બહાર છે. આ જગ્યાઓએ ભમવાની મજા તો કંઈ ઔર જ છે. અહી જોયેલી આ જગ્યાઓ અને નવા મળેલા મિત્રો કાયમ યાદ રેહશે. એક નવું સ્થળ જોવાનો આનંદ ખરેખર અનેરો હોય છે અને એનો રોમાંચ તો ક્યારેય ના ભૂલાય એવો હોય છે. અને સાથે સાથે વરસાદમાં પલળતા પલળતા બદલેલું પંચર પડેલું ટાયર, કેવી રીતે ભૂલાય.

IMG_20160807_102134
ટાયરમાં ઘુસી ગયેલ પથ્થર

Vasariya Ganapati Temple (વડસરિયા ગણપતિ મંદિર)

વડસરિયા ગણપતિ મંદિર ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના વડસર ગામમાં આવેલું છે. જે અમદાવાદથી ૧૭ કી.મી. ના અંતરે આવેલું છે.વડસરિયા ગણપતિ મંદિર ૧૦૦ વર્ષ જુનું ગણેશજીનું મંદિર છે. ગણેશજી બાળ સ્વરૂપે અહી બિરાજમાન છે. સુંઢ વગરના ગણેશજી અહી આવેલા છે.

IMG_20160628_185822
Vadasariya Ganapati Temple

વડસર ગામની નજીક પશુપતિનાથનું મંદિર આવેલું છે.

IMG_20160628_191327
Pashupatinath Temple

 

 

Vacation

વેકેશન…..

આ વેકેશનમાં આજના સ્માર્ટફોનના જમાનામાં દોડ, લીંબુ ચમચી, લંગડી, કોથળા દોડ, નાગોલચું, ફુગ્ગા ફોડ, સંગીતખુરશી, ડબ્બા ફોડ જેવી ભુલાતી જતી રમતો રમવાનો પ્રોગ્રામ અમારી સોસાયટીમાં બનાવ્યો હતો. જયારે આજના બાળકો એમના પેરેન્ટ્સને પૂછતાં હતા કે આ રમત કેવી રીતે રમાય ત્યારે ખરેખર ખુબ જ દુખ થતું હતું જયારે મોબાઈલમાં કોઈ ગેમ રમવાની હોય તો કોઈ પૂછે કે આ કેવી રીતે રમાય. બસ મને પણ મારું ઉનાળુ વેકેશન યાદ આવી ગયું.

વેકેશન…..એમાં પણ ઉનાળુ વેકેશનની મજા જ કાંઈ ઓર હોય છે. ઘણા લોકો પહેલાથી જ કોઈ હિલ સ્ટેશન પર જવાનો પ્લાન બનાવી દેતા હોય કાં તો બીજા કોઈ નજીકના સ્થળે જવાનો પ્લાન ગોઠવી દેતા હોય. આ બધા કરતા પણ મામાના ઘરે જવાનો રોમાંચ કઈક વધારે હોય છે અને યાદગાર પણ. “મામાનું ઘર કેટલે દીવો બળે એટલે” – એ પંક્તિ યાદ આવ્યા વગર ના રહે. પણ અમારે આવું કોઈ મામાનું ઘર નહોતું એટલે અમારું વેકેશન અમારે ઘરે જ વીતતું.
અમારા મોટાભાઈ વતનમાં નોકરી કરતાં એટલે ઉનાળુ વેકેશનમાં એમની ફેમીલી સાથે અમારા ઘરે આવતાં. અને એ આવે એટલે અમને એમ થતું કે અમારું વેકેશન પણ ચાલુ થઇ ગયું.
મોટાભાઈ આવે એટલે બધાં ઘરના ધાબા ઉપર જ ઉઘવા માટે જતા. ત્યાં કાલનો પ્રોગ્રામ બનાવતા અને અલકમલકની વાતો થાય અને ક્યારે સવાર પડી જાય એની ખબર જ ના પડે. એ વખતે અમારા મમ્મી કેરી કાપીને રસ બનાવતા અને બધા સાથે બેસીને જમતા. જમ્યા પછી પાછાં પત્તાની રમઝટ ચાલે. કાચુફુલ, ઝભ્ભો, જોકર, દો તીન પાંચ, દસ્સા પકડ, ચોકડી જેવી અલગ અલગ રમતો આખી બપોરે રમતા. સાંજ પડે એટલે અમને બધાને બહાર ફરવા લઇ જતા. અમદાવાદમાં તે સમયે બસ અને રીક્ષામાં ફરવાની મજા આવે. કોઈવાર બસ કે રીક્ષા ના મળે તો ચાલતાં પણ જતા પણ મજા આવતી. તે સમયે અમે લાલદરવાજા, માનવ મંદિર, સોલા મંદિર, ડ્રાઈવ ઇન, ગાંધીનગરનું અક્ષરધામ અને નવું બનેલું ઇસ્કોન મંદિર જોવા જતાં. ક્યારેક મોડું થાય તો કોઈ બસ કે રીક્ષા ના મળે તો ચાલતા ઘરે આવતાં. ચાલતા ચાલતા જે વાતો થતી હતી એ આજે whatsapp કે facebook માં પણ નથી થાતી. તે સમયે બધા પાસે પુરતો સમય હતો જે આજે નથી. અત્યારે તો પોતપોતાના વાહન ઉપર જેતે સ્થળે પહોચી જવાનું અને તેવી જ રીતે પાછા આવી જવાનું. ચાલતા જે વાતો થતી હતી એ વાતોનો આજે અભાવ છે. દસ પંદર દિવસ ક્યાં જતા રહેતા એ ખબર જ ના પડે. જયારે મોટાભાઈ પોતાના ઘરે જતા હોય ત્યારે એમ થાય કે એક દિવસ વધારે રોકાઈ ગયા હોત તો કેવું સારું. એ જાય એટલે એમ થાય કે અમારું વેકેશન પૂરું થઇ ગયું હોય એવું લાગે. જતા જતા દિવાળીના વેકેશનમાં ચોક્કસ પાછાં આવીશું એમ કહીને વિદાય લેતા.

રોડા (Roda) મંદિર

રોડા હિંમતનગરથી ૧૫ કિ.મી. દૂર આવેલું છે.

ભારતનું એકમાત્ર પક્ષી મંદિર અહી આવેલું છે. આ મંદિરના સ્તંભો, દરવાજા તેમજ દીવાલો ઉપર પક્ષીઓના ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે. મંદિરમાં કોઇ દેવી-દેવતાની મૂર્તિ નથી. માત્ર પક્ષીઓના આકાર કોતરેલા જોવા મળે છે. પક્ષી મંદિરની આસપાસ અન્ય પ્રાચીન મંદિરો પણ છે. પક્ષી મંદિરની અડોઅડ બીજું શિવજીનું મંદિર આવેલું છે.

અહીથી થોડા અંતરે વિષણું મંદિર અને શિવ મંદિર આવેલા છે. આ મંદિરના આગળના ભાગે કુંડ છે. કુંડની ચારે ખુણે મંદિર આવેલા છે. કુંડની અંદરના આ મંદિરોમાં એક ખુણે વિષ્ણુંની મુર્તિ અને બીજા ખુણે માતાજીની મુર્તિઓ, સામે ખુણે મોટી ગણપતીની મુર્તિ તેમજ આગળના ભાગમા લાડુચીમાતાની સાથે સાત માતાઓની મુર્તિઓ આવેલી છે.

અહીથી થોડે દુર જતા નવ ગ્રહ મંદિર છે.

આ વિસ્તારમાં ૧રપ જેટલા મંદિરો હતાં આ મંદિરના સ્થાપત્યની વિશેષ્તાએ છે કે, ચણતરમાં ચુનો કે સાધા જોડવા માટે બીજી વસ્તું કે પદાર્થ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર બાંધકામને અનુરૂપ પત્થરને ધડીને ગોઠવ્યા છે.

રસ્તો સારો છે પણ છેલ્લા એક કી.મી. રસ્તો કાચો છે પણ ગાડી છેક મંદિર સુધી જઈ શકે.

રાજચંદ્ર વિહાર( Rajchandra Vihar ), Idar

રાજચંદ્ર વિહાર ઇડરથી ૩ કી.મી.ના અંતરે અને ઘંટિયા પહાડ ઉપર આવેલું છે. જાણે હિલ સ્ટેશન હોય એવું લાગે. ત્યાનું વાતાવરણ એકદમ શાંત અને રમણીય છે. જેને શાંત વાતાવરણ ગમતું હોત તેણે અચૂક જવું જોઈએ. ઉપર ચડવા માટે પગથીયાની વ્યવસ્થા છે. થોડા થોડા અંતરે શ્રીમદ રાજચંદ્રના સુવિચારોની તકતી મુકેલી છે તે વાંચતા વાંચતા ક્યારે ઉપર ચઢી જવાય તેની ખબર જ ના પડે. જયારે તમે પગથીયા ચઢતા હોય અને સુવિચારો વાંચતા હોય ત્યારે તમને પોતાને એક શુધ્ધતાનો અનુભવ થતો હોય એવું લાગે. ધ્યાન માટે શ્રેષ્ઠ સ્થળ છે.

એવું કેહવાય છે કે શ્રીમદ રાજચંદ્ર સાધના માટે અહી રોકાયા હતા. ધ્યાન મંદિરમાં સિદ્ધશીલા છે જ્યાં રાજચંદ્ર બેસીને સાધના કરતા હતા. રાજચંદ્ર ગાંધીજીના આધ્યામિક ગુરુ હતા.

IMG_20160505_064342

રાજચંદ્ર વિહારમાં તમે સવારે ઉગતા સુરજને અને સાંજે આથમતા સુરજને માણી શકો છો. મંદિરથી નીચેનું અને આજુબાજુના દ્રશ્યો ખુબજ આલ્હાદક લાગે. મંદિરની સામે ઉંચી ટેકરી ઉપર ચંદ્ર પ્રભુની ડેરી આવેલી છે. ત્યાં ટ્રેકિંગ કરવાની મજા આવે તેવું છે.

ખરેખર રાજચંદ્રવિહાર ખુબજ પવિત્ર સ્થળ છે.

સપ્તેશ્વર મહાદેવ મંદિર

સપ્તેશ્વર ઇડરથી ૩૩ કી.મી. અને હિંમતનગરથી ૩૦ કી.મી અંતરે આવેલું છે.  ઇડરથી દાવડ થઇને આરસોડીયા અને ત્યાંથી ૨ કી.મી. અંતરે આવેલુ છે જયારે હિંમતનગરથી ઇલોલ થઈને દાવડ આવવું પડે. સપ્તેશ્વર ડેભોલ અને સાબરમતીના સંગમસ્થાને આવેલું છે. અહી કુદરતી રીતે જમીન માંથી સ્વયંભુ શિવલીંગ ઉપર અવિરત પાણીની ધારાઓ પડે છે. દર્શન કરવા માટે તમારે પલળીને જ જવું પડે. મંદિરની આગળ એક કુંડ છે. એવું કેહવાય છે કે આ કુંડનું પાણી ક્યારેય સુકાતું નથી. આ કુંડ આમજ ભરેલો રહે છે. આ સ્થળે સાત ઋષિઓએ તપસ્યા કરી હતી તેથી આ સ્થળને સપ્તેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. અહી રહેવાની અને જમવાની સગવડ છે. ખુબજ રમણીય અને એકદમ શાંત સ્થળ છે.

ડાંગ પ્રવાસ

ડાંગ……

ઘણા સમયથી ડાંગ જવાની ઈચ્છા હતી પણ નહોતું જઈ શકાતું. એક પ્રસંગમાં સુરત જવાનું હતું એટલે પેહલા ડાંગનો પ્રોગ્રામ બનાવી લીધો. ડાંગ વિષે ઘણું સાભળ્યું છે. ડાંગ એટલે ગુજરાતનું સ્વિઝરલેન્ડ. ગુજરાતના ડાંગ જીલ્લામાં ઘણા ધોધ આવેલા છે. ડાંગ જીલ્લો કુદરતી સૌન્દર્યથી ભરપુર છે. અહી પૂર્ણા, અંબિકા જેવી નદીઓ છે,  જંગલો, ટેકરીઓ, ઉંચાનીચા રસ્તા, ઝરણાં, કુદરતને ખોળે વસતા લોકો – એમ ઘણું બધું છે. જોવાલાયક સ્થળનું લીસ્ટ બનાવી લીધું. અને રૂટ પણ બનાવી લીધો. અહિયાથી આહવા વાયા રાજપીપળા, દેડિયાપાડા, સોનગઢ થઇને શબરીધામ જવાનું નક્કી કર્યું. આહવામાં અને કીલાડમાં રેહવા માટેનું એડવાન્સ બુકિંગ કરાવી દીધું.

૧૪ અપ્રિલ,૨૦૧૬, ગુરુવાર

૧૪ અપ્રિલ,૨૦૧૬ ને ગુરુવારે સવારે ૪:૧૫ વાગે અમે નીકળ્યા. સવારે ૬:૧૫ વાગે વડોદરા પહોચ્યા. આગળ ચા-નાસ્તો કરીશું એમ વિચારીને અમે ડભોઇવાળા રસ્તે આગળ ચાલ્યા. ડભોઈમાં ચા-નાસ્તો કર્યો. અમે સવારે ૮:૩૦ વાગે પોઈચા નીલકંઠધામ પહોચ્યાં. નીલકંઠધામ નર્મદા નદીને કિનારે વિશાળ જગ્યામાં  આવેલું છે. નીલકંઠધામના મુખ્યદ્વાર પાસે શિવની તાંડવ કરતી વિશાળ મૂર્તિ આવેલી છે. ખરેખર ખુબજ સુંદર લાગતી હતી. નદીને સામે કિનારે કુબેરભંડારી મંદિર આવેલું છે. ત્યાં હોડીમાં બેસીને જઈ શકાય. દરરોજ સાંજે સ્વામીનારાયણ પ્રભુની નગરયાત્રા નીકળે છે જે ખરેખર જોવા જેવી હોય છે. પણ સમયના અભાવે દર્શન કરીને રાજપીપળા બાજુ આગળ વધ્યા. રસ્તામાં કેળાંની વેફર બનાવતી ઘણી દુકાનો હતી. રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. ત્યાં રેહવાની અને જમવાની સગવડ છે.

રાજપીપળાથી ૨૭ કી.મી. મોવી ગામ આવે છે. ત્યાંથી બે ફાંટા પડે છે. એક નેત્રાંગ જાય અને બીજો ડેડીયાપાડા. ત્યાંથી ડેડીયાપાડા ૧૮ કી.મી. જેટલું થાય. રસ્તો ઉતાર ચઢાવ વાળો હતો પણ ડ્રાઈવ કરવાની મજા આવે તેવો છે. રસ્તામાં થોડા થોડા અંતરે નાની નાની નળિયાની બનાવેલી ઝુંપડીઓં આવે છે ત્યાં પાણીની સગવડ મળી રહે અને ત્યાં થોડીવાર બેસી રેહવાનું મન થાય એવી ઠંડક. અમે સવારે ૧૧:૦૦ વાગે ડેડીયાપાડા પહોચ્યા. અહિયાથી નિનાઈ ધોધ જવાનો ફાંટો પડે છે. અહીંથી નિનાઈ ધોધ ૩૬ કી.મી. થાય. ડેડીયાપાડાથી ૧૫ કી.મી. દુર કમ્બીપીઠા આવે છે ત્યાંથી ડાબીબાજુ ૧૦ કી.મી. દેવમોગરા આવે. કમ્બીપીઠા અને દેવમોગરા વચ્ચેનો રસ્તો થોડો સાંકડો છે પણ સારો છે. છેક મંદિર સુધી ગાડી જઈ શકે છે. અમે સવારે ૧૧:૪૫ વાગે પહોચ્યા હતા.

દેવમોગરામાં માં પંડેરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. આ દેવી વિશે એક એવી દંતકથા છે કે તે એક સુંદર રાજકુમારી હતી. ઘણા રાજકુમારો અને મહારાજા તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. તેમણે એક બહેન પણ હતી. કોઈપણ તેમની બહેન સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતા કારણ કે દેવ મોગરા માતા ખૂબ જ સુંદર હતા. તેથી મોગરા માતાએ જંગલમાં જવાનો અને ત્યાં રહેવા માટે નિર્ણય કર્યો હતો. અન્ય એક એવી દંતકથા છે કે પાંડવો સાથે વનવાસ દરમિયાન તેઓ આ જંગલ પર આવ્યા હતા. દર્શન કરીને રસ્તામાં ઘરેથી લાવેલો નાસ્તો કરી લીધો અને આગળ ચાલ્યા.

અમે પાછા કમ્બીપીઠા આવ્યા. ત્યાં આગળ જવાનો રસ્તો પૂછ્યો પણ કોઈ સોનગઢ જવાનો રસ્તો ના બતાવી શક્યું. ગૂગલ મેપ ચાલુ કરીને આગળનો રસ્તો જાણી લીધો. અહીંથી ૧૨ કી.મી. સાગબારા આવે છે. સાગબારાથી ૬ કી.મી. દુર મહારાષ્ટ્ર બોર્ડેર આવે છે. સાગબારાથી જમણીબાજુ વળવું ત્યાંથી ૨૦ કિ.મી.એ બોરડા ગામ આવે છે. બોરડાથી તાપી નદી અમારી સાથે થઇ ગઈ. આખો જંગલ વિસ્તાર છે. વચ્ચે થોડો રસ્તો ખરાબ હતો પણ ડ્રાઈવ કરવાની મજા આવે તેવો રસ્તો છે. વચ્ચે બે U-Turn આવે છે ત્યાં થોડું સાચવવું. બાકી રસ્તો મસ્ત છે. વચ્ચે ઉકાઈ ડેમ અને સોનગઢનો કિલ્લો ગાડીમાં જ જોઈ લીધો.

સોનગઢથી સુબીર તરફના રસ્તે, ૧૦ કી.મી. જેટલું ગયા પછી, ધોણ ગામ આવે છે, ત્યાંથી ડાબી તરફ એક ફાંટો પડે છે. આ ફાંટામાં ૪ કી.મી. જેટલું જાવ એટલે ગૌમુખ પહોંચાય છે. છેક સુધી પાકો રસ્તો છે, વાહન જઇ શકે છે. અમે બપોરે ૩:૧૫ વાગે પહોચ્યા. અહીં એક ગાયનું મુખ બનાવેલું છે, અને એ મુખમાંથી પાણી નીકળે છે. તેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. ગૌમુખની આજુબાજુ અને ખીણની સામે ગાઢ જંગલો છે. અહી એક ધોધ આવેલો છે. ગૌમુખ આગળ એક બોર્ડ મારેલું છે, ‘ધોધ તરફ જવાનો રસ્તો.’ આશરે ૧૦૦ જેટલા પગથીયા નીચે ઉતરતા આ ધોધ પાસે પહોચી શકાય છે. ચોમાસામાં અહી આવવાની મજા આવે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ધોધમાં પાણી ઘણું હોય છે. અત્યારે આ ધોધ સુકાઈ ગયો હતો. એકદમ શાંત વાતાવરણ હતું. અહી રેહવાની વ્યવસ્થા છે.

અહીંથી શબરીધામ તરફ આગળ વધ્યા. ગૌમુખથી શબરીધામ ૪૩ કિ.મી. થાય. રસ્તો ઉતાર ચઢાવ વાળો છે અને સાંકડો પણ એટલે થોડું સાચવવું પડે. રસ્તામાં મેધા, હિંદલા, ચીમાર, ગિરિમાલા જેવા આદિવાસી ગામ હતા. અહી બધે સરસ મજાના ધોધ આવેલા છે પણ ચોમાસામાં જ જવાય. અમે સુબીર થઈને સાંજે ૫:૦૦ વાગે શબરીધામ પહોંચ્યા. અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, શબરીની પ્રતિમા અને શીલાનાં દર્શન થાય છે. દર્શન કરતાં જ જાણે બધો થાક ઊતરી જાય છે. મંદિરના શિખરેથી આસપાસનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે. મંદિરમાં પ્રસાદ તરીકે બોર આપે છે. અહી રેહવા માટે સુબીર રેસ્ટ હાઉસ આવેલું છે પણ રોકવા માટે આહવા ફોરેસ્ટ ઓફિસમાંથી મંજુરી લેવી પડે.બીજું અહી શબરીધામ રિસોર્ટ & ફાર્મ આવેલું છે.અહીંથી પમ્પા સરોવર ૮ કી.મી. દુર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ જતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. પમ્પા સરોવરથી આહવા ૨૭ કી.મી. જેટલું થાય. રસ્તામાં સનસેટની મજા લેતા લેતા સાંજે ૭:૦૦ વાગે આહવા પહોચ્યા. અમે જ્યાં રોકાયા હતા ત્યાંજ જમવાની વ્યવસ્થા હતી. જમીને ઊંઘી ગયા અને ક્યાં સવાર પડી ગઈ ખબર જ ના પડી.

૧૫ અપ્રિલ ૨૦૧૬, શુક્રવાર

કોઈ પણ સ્થળ ઉપર જાવ ત્યાંની સવાર હંમેશા માણવી. બસ સવારે વહેલા ઉઠીને મોર્નિંગ વોક માટે નીકળી પડ્યો. ચહેલપહેલ બહુ ઓછી હતી. થોડાઘણા લોકો દેખાતા હતા. મેઈન રોડ તરફ ચાલવા લાગ્યા. મેઈન રોડ ઉપરથી સૂર્ય ઉગતો દેખાતો હતો. ત્યાં એક ભાઈ જીપમાં બેઠા હતા. તેમનું નામ જયદીપ હતું. ડાંગના લોકોનો સ્વભાવ મળતાવડો લાગ્યો. અમે સાથે ચા પીધી અને થોડી પેક કરાવી લીધી જેથી નાસ્તો કરીને વેહલા અંજનકુંડ જવાય. અહીંથી અંજનકુંડ ૩૦ કી.મી. જેટલું થાય. પણ એ પેહલા અમે ઝારખંડેશ્વર મહાદેવ મંદિરે ગયા. જે આહવાથી ૨ કી.મી.ના અંતરે આહવા ઘાટ ઉતરતા જ આવે છે. મંદિરમાં પેહલા શાંતિસાગર હનુમાનજી મંદિર છે અને તેની બાજુમાં થોડે ઉપર ઝારખંડેશ્વર મહાદેવ મંદિર છે. મંદિરની સામે બેસવા માટે બાંકડા મુકેલા છે.

અમે ત્યાંથી પાછા આહવા આવ્યા અને ત્યાંથી જમણીબાજુ સાપુતારા રસ્તે ૧૦ કી.મી. પાયારધોડીથી ડાબીબાજુ લિંગા તરફ જવું પડે. ત્યાંથી ૧૩ કી.મી. દુર અંજનકુંડ આવેલું છે. જો અત્યારે ઉનાળામાં ડાંગ આટલું સરસ હોય તો ચોમાસામાં તો કેટલું સરસ હશે. જાણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોય તેવું લાગતું હતું. અમે અંજનકુંડ સવારે ૯:૦૦ વાગે પહોચી ગયા હતા. પોરાણિક કાળનું દંડકારણ્ય વન એટલે હાલનો ડાંગ વિસ્તાર. ડાંગના લોકો એવું મને છે કે ભગવાન હનુમાનજીનો જન્મ અંજની પર્વતની એક ગુફામાં થયો હતો તેને અંજન ગુફા તરીકે ઓળખાય છે. જે અહીંથી દોઢેક કિલોમીટર દુર છે. ત્યાં ચાલીને જઈ શકાય. એવું પણ કેહવાય છે કે લક્ષ્મણને મૃત્યુથી બચાવવા માટે ભગવાન હનુમાન સંજીવની જડીબુટ્ટી સાથેનો હિમાલય પર્વત લઈને લંકા તરફ જતા હતા ત્યારે તે પર્વતનો થોડો ભાગ અહી પડી ગયો હતો તે પર્વતને અંજની પર્વત તરીકે ઓળખાય છે. ભગવાન હનુમાન જયારે નાના હતા ત્યારે જે કુંડમાં નાહતા હતા તેને અંજનકુંડ તરીકે ઓળખાય છે. ત્યાં ઘણા નાના છોકરા ભેગા થઈ ગયા. તેમને ચવાણું આપ્યું તો બધા ખુશ થઇ ગયા. તેમની સાથે ફોટા પડાવ્યા અને એમની સાથે થોડું ક્રિકેટ રમ્યા. ત્યાં બાજુમાં એક કુવો હતો તેમાં લાકડાની સીડી બનાવેલી હતી છોકરાઓ પાણી પીવા માટે ત્યાંથી નીચે ઉતરતા. હવે બીજીવાર ચોમાસામાં આવીશું ત્યારે અંજનગુફા અને અંજન પર્વત પણ ચોક્કસ જઈશું એવું વિચારીને પાછા ફર્યા. ત્યાંથી પાછા પાયારધોડી આવ્યા અને ત્યાં ચા-નાસ્તો કર્યો. ત્યાંથી પાછા આહવા આવ્યા અને વઘઈ તરફ આગળ વધ્યા. આહવાથી કીલાદ કેમ્પસાઈટ ૩૫ કી.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જમવાની વ્યવસ્થા નથી. જમવા માટે તમારે વઘઈ આવવું પડે. ત્યાં એક મિત્ર મળી ગયો તે લોકો આખી લક્ઝરી બસ લઈને આવ્યા હતા. તેને કીધું કે અમારી સાથે જ જમી લો. રૂમ ઉપર જઈને આરામ કર્યો.

અમે બપોરે ૩:૦૦ વાગ્યા જેવા માયાદેવી જવા નીકળ્યા. કીલાદ કેમ્પસાઈટથી ભેંસકતરી ૩૦ કી.મી. જેટલું થાય. ત્યાંથી માયાદેવી માત્ર ૨ કિ.મી. ના અંતરે છે. પહેલીવાર રસ્તામાં બે વ્હીલવાળું ટ્રેકટર જોયું. થોડું અજુગતું લાગ્યું. તેને બાઈકની જેમ ચલાવવું પડે. અમે બપોરે ૩:૪૫ વાગે માયાદેવી પહોંચ્યા. પરિસરમાં રામેશ્વર મહાદેવ નામનું શીવમંદિર આવે છે. બાજુમાં હનુમાન મંદિર છે. મંદિર આગળ બગીચો છે. બાળકોને રમવા માટે હીંચકા, લપસણી વગેરે છે. એક દુકાન છે. મંદિર આગળ બેઘડી આરામ ફરમાવવાનું મન થઇ જાય એવું છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, હિમાલયની પુત્રી દેવી શિવને પ્રાપ્ત કરવા માટે જંગલમાં ભટકે છે. ત્યારે તારકાસુર દેવીની પાછળ પડે છે અને દેવી પૂર્ણા નદીની ગુફા સંતાઈ જાય છે. માબાપ તેને શોધીને શીવજી સાથે પરણાવી અને રાક્ષસને માયા છોડવા જણાવ્યું. આથી આ સ્થળ માયાદેવી કહેવાય છે. ગુફા માટે મંદિરની પાછળ પત્થરો ઉપર ચાલીને જવું પડે. અને પછી મનમાં એક સરસ સ્થળ જોયાનો આનંદ માણીને આગળ વધ્યા.

અહીંથી ૧૭ કી.મી. દુર એક ખાતડ ગામ આવે છે. ત્યાંથી દોઢેક કી.મી. ડાબીબાજુ જતા પૌરાણીક મંદિર પુર્નેશ્વર મહાદેવ મંદિર આવે છે. આ મંદિર આશરે ૫૦૦ વર્ષથી વધારે પૂરાણુ છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, પેશ્વા-મરાઠા સૈન્યનો પડાવ આ સ્થળ પર રેહતો. તે સમયે અહી પેશ્વાઓ દ્વારા શહસ્ત્ર(૧૦૦૦) શિવલિંગની પૂજા કરવામાં આવતી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતા.બીજી લોકવાયકા પ્રમાણે અહલ્યાબાઈ સોમનાથ યાત્રાએ જતા જ્યાં રોકાતા ત્યાં ત્યાં શિવમંદિર બનાવતા.

ત્યાંથી વઘઈ તરફ આગળ વધ્યા, રસ્તામાં રોડ ઉપર આંબો હતો કેરી લટકતી જોઈને ખાવાનું મન થયું એટલે અમે ઉભા રહ્યા. જેના ઘરે આંબો હતો ત્યાં એક ભાઈ ઊભા હતા એમને પૂછ્યું કે વેચાતી આપશો. એ ભાઈએ કીધુ કે અમારો આંબો નથી. તેઓ ઝડપથી ઘરમાં જઈને પાછા આવ્યા. તેમના બંને હાથમાં કેરી હતી અને અમને આપી. પૈસાની વાત કરી તો એમને લેવાની ના પડી અને મારા દીકરા સામે જોઇને એમને કીધું કે અમારો છોકરો ખાશે. બે મિનીટ પેહલા અમે અજાણ્યા હતા પણ પછી તો જાણે અમને વર્ષોથી જાણતા હોય એમ અમારી આગતાસ્વાગતા કરવા માંડ્યા. એમના ફેમીલીની ઘણી વાતો કરી. તેમનું નામ જિમનભાઈ અને તેમના પત્નીનું નામ સરજુબેન હતું. તેમનું ઘર ખુબજ રંગબેરંગી હતું. તેમણે હાલમાંજ નવું ટ્રેકટર ખરીદ્યું હતું તે બતાવ્યું. ત્યાં એક બહેન હતા તેમને નાગલીના લોટના પાપડ બતાવ્યા. અમે એમની પાસેથી એ ખરીદ્યા. નીકળતા નીકળતાં અમને પાછી થોડી કેરી આપી. ખરેખર આવા માણસો જિંદગીભર યાદ રેહશે. ફરીથી ડાંગ આવીશું તો ચોક્કસ મળવા આવીશું એમ કહીને અમે પીપરીબાજુ આગળ વધ્યા અને વઘઈ પહોચ્યા.

વઘઈથી ૧ કી.મી. દુર સાપુતારા રસ્તે મકરધ્વજ હનુમાનજી મંદિર આવેલું છે. ત્યાં માતાજીનું અને વનેશ્વર મહાદેવનું મંદિર છે. મકરધ્વજ હનુમાનજી મંદિર બેટદ્વારકામાં પણ આવેલું છે. આમ તો વધઈથી સાપુતારા માત્ર 48 કિ.મી. જ દૂર છે પરંતુ બે દિવસના અમારા ટૂંકા પ્રવાસમાં તેનો સમાવેશ કરવો શક્ય નહોતું. ત્યાંથી વઘઈનું રેલવેસ્ટેશન જોવા ગયા. વઘઈથી સાપુતારા રસ્તે બે કી.મી. જઈએ ત્યાં જમણીબાજુ ૨ કી.મી. અંતરે આંબાપાડા ગામ છે. અહી ઘરે ઘરે વુડન ટોય્ઝ બનાવે છે. ઇડરમાં ખરાદી બજાર પણ પ્રખ્યાત છે. ત્યાં સાગના લાકડામાંથી જુદીજુદી વસ્તુઓ બનાવે છે. જયારે અહી વાંસમાંથી રમકડાં બનાવે છે. યાદગીરી માટે થોડા રમકડાં ખરીદ્યા. અને પાછા ચાલ્યા વઘઈ તરફ હવે બધાને ભૂખ પણ લાગી હતી. ત્યાં કોર્નરમાં આત્મીય રેસ્ટોરન્ટમાં જમ્યા. ત્યાં મધ, નાગલીનો લોટ, બામ્બુ(વાંસ)નું અથાણું મળતું હતું. જમીને રાત્રે ૮:૩૦ વાગે કીલાદ કેમ્પસાઈટ પાછા આવ્યા.

૧૬ અપ્રિલ ૨૦૧૬, શનિવાર

સવારે ૬:૦૦ વાગે ઉઠીને કેમ્પસાઈટના ફોટા પડ્યા. ત્યાંથી ગેટની બહાર ચેકડેમ બનાવેલો છે. પણ પાણી ઓછું હતું. ત્યાંથી નદીએ નદીએ આગળ ચાલ્યો. ત્યાં એક નાનો છોકરો તાપણી કરતો હતો. તે રોજ સવારે આંબાપાડાથી કોઈ ફળ તોડવા અહી આવે છે. નદી ક્રોસ કરીને ઊંચા ટેકરા ઉપર ચઢતા જ આંબાપાડા ગામ દેખાયું. પાછા આવીને મેઈન રોડ ઉપર ચા પીવા ગયા અને થોડી પેક કરાવી લીધી. મેઈન રોડ પાસે જ વાંસદા નશનલ પાર્ક આવેલું છે. ત્યાં અત્યારે મજા નહિ આવે એવું ત્યાંના ગેટકીપરે કહ્યું એટલે ત્યાં જવાનું માંડી વાળ્યું.

સવારે ૯:૦૦ વાગે સુરત જવા નીકળ્યા. ત્યાંથી ૨૧ કી.મી. ના અંતરે જાનકી વન આવે છે. તેમાં અશોક વાટીકા, આમ્ર વન, બીલી વન, વાલ્મીકી આશ્રમ, ચંદન વન અને ડાંગ જીલ્લાની માહિતી આપતું પરિચય કેન્દ્ર બનાવેલું છે. બહાર નીકળીને શેરડીનો રસ પીધો. ત્યાંજ એક સાઈ ભક્ત ઉંધા ચાલતા શેરડી જતા હતા.

અમે સવારે ૧૦:૩૫ વાગે ઉનાઈ પહોંચ્યા. વધઈથી ઉનાઈ કુલ 35 કિ.મી. છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. હાલમાં પાણીના સ્તર નીચે ગયેલા હોવાની પાણીના કુંડ જોવા ના મળ્યા. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહમણો મળી શકયા નહી તેથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહમણોને યજ્ઞૉ કરવા માટે બોલાવવામા આવ્‍યા તે બ્રાહમણોને ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમા બાણ મારીને ગંગાનો ગરમ પ્રવાહ ઉત્પન્ન્‍ા કર્યો. ઉપરાંત બીજી લોકાકૃતિ મુજબ વનવાસ ભોગવી રહેલા શ્રી રામ સીતા અને લક્ષ્મણ જયારે દંડકારણ્‍યમા શરભંગ રૂષીના આશ્રમમાં આવ્‍યા ત્‍યારે ઋષીએ યોગ બળથી પોતાનું દૂર્ગધયુકત ખોળિયું બદલ્યું, તેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ધ્યાન ઋષીના વેદના ભર્યા દર્દ પ્રત્‍યે દોર્યુ. મહારોગથી વ્‍યથિત ઋષીની સ્થિતિ દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધીયુકત ઝરા બહાર ફુટયા સાથે ઉષ્ણ અંબાની ભવ મૂર્તિ પ્રગટ થઈ સીતાજીએ ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકિત રૂપે અહીં વસવાટ કર્યો વળી સીતાજી આ જગામા સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ”હું નાઈ” તેમના મીઠાશ ભર્યા શબ્દોથી આ સ્થળ ગામનું નામ ”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયું. અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે લોકો દર્શનાર્થે આવે છે.

IMG_20160416_104015

ત્યાંથી ૧૧:૦૦ વાગે સુરત તરફ જવા નીકળ્યા. ત્યાંથી વચ્ચે એના ગામ આવે છે ત્યાં ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર જોવા જેવું છે. હવે અમારો પ્રવાસ સમાપ્ત થવા આવ્યો હતો. ઉનાઈથી વલોદ થઈને અમે સીધા જ સુરત પહોચ્યા.

ઉનાળામાં જંગલો ખૂંદવાનો પ્રોગ્રામ અમે મન ભરીને માણ્યો. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં આ પ્રકારના અનેક સ્થળો છે જે લોકોની જાણ બહાર છે. શહેરોથી દૂર એવાં આ નાનાં નાનાં ગામડાંમાં આવેલાં પર્યટન સ્થળો આપણા ગુજરાતને ખરા અર્થમાં સ્વર્ણિમ બનાવે છે. પ્રવાસમાં જોયેલી આ અદ્દભૂત જગ્યાઓ અને અહીના લોકો કાયમ યાદ રહેશે અને એ યાદો મનમાં હંમેશાં રોમાંચ જગાવતી રહેશે.

ચાલો ચાલતા મહાકાલેશ્વર

મને યાદ છે મારા દાદા શ્રાવણ મહિનામાં ઘરેથી દરરોજ સવારે વેહલા ચાલતા મહાકાલેશ્વર જતા હતા. ત્યારે તો હાલના જેવા રસ્તા પણ નહિ હોય. બસ એમજ મનમાં વિચાર આવ્યો અને ગ્રુપમાં પોસ્ટ કરી દીધું કે ચાલતા મહાકાલેશ્વર. ચાલતા જવાની મજા જ કઈ અલગ હોય છે એ પણ સવારમાં. ઓફ રોંડ જવાનું નક્કી કર્યું. રુટ મળીને નક્કી કરીશું. અમે સવારે ૬:૦૦ વાગે ઇડર બસ સ્ટેન્ડે મળવાનું ગોઠવ્યું.

બધાએ રેલ્વેના પાટે ચાલતા જવાનું નક્કી કર્યું. અમે ઇડર બસ સ્ટેન્ડથી સવારે ૬:૧૫ વાગે રેલ્વે ફાટક બાજુ ચાલવાનું ચાલુ કર્યું. ત્યાં રેલ્વે ક્રોસિંગ પાસે સુંદર ફૂલછોડ વાવ્યા હતા. થોડીકવાર ઉભા રહીને રેલ્વે સ્ટેશન બાજુ ચાલવા લાગ્યા. પાટાની બાજુમાં સાંકડો રસ્તો હતો. અમને એમ કે છેક સુધી હશે પણ આગળ જતા તો ચલાય એવી જગ્યા જ નહોતી. તો અમેં બધા રેલ્વેના પાટાની વચ્ચેની જગ્યામાં ચાલવા લાગ્યા. ધીમેધીમે સૂર્ય ઉગતો જતો હતો. બસ વાતો કરતા કરતા ઇડર રેલ્વે સ્ટેશને પહોચ્યા ત્યારે ૬:૩૦ વાગ્યા હતા. અહિયાં થોડી અવરજવર દેખાતી હતી. જયારે ઇડર બસસ્ટેન્ડ પાસે નહીવત લોકો જ દેખાતા હતા. જેને સવાર ગમે છે તેવા લોકો મોર્નિંગ વોક કરતા દેખાતા હતા. મેં જેટલા ને જોયા તે બધા મોટી ઉંમરના જ હતા. ત્યાં બાંકડા ઉપર થોડા લોકો બેઠા હતા, કદાચ ટ્રેનની રાહ જોતા હશે. પૂછ્યું તો જાણવા મળ્યું કે ટ્રેન ૭:૩૦ પછી આવશે. મહાકાલેશ્વર જે ડુંગરમાં છે તે ડુંગર ખુબ સુંદર દેખાતો હતો. ટ્રેન રીટર્નમાં જોઈશું એમ નક્કી કરીને આગળ ચાલતા થયા.

આગળ જતા રસ્તામાં કૂતરાઓનું ઝુંડ મસ્તી કરતુ હતું. પણ બીજી કોઈ ખાસ અવરજવર નહોતી.  અમેં ઇડરની બહાર આવી ગયા હતા. અમે મહાકાલેશ્વર ડુંગરની નજીક આવતા જતા હતા. થોડા આગળ ગયા ત્યાં તૂટેલા ઘરો દેખાયા. નજીક જઈને જોયું તો ઘરો ઉપર બોર્ડ મરેલા હતા “ઇન્દીરા આવાસ યોજના” અને જેને ફાળવામાં આવ્યા છે તેને નામ હતા. પંદર વીસ ઘરો હશો પણ ત્યાનું બાંધકામ પૂરું નહિ થયું હોય એવું લાગ્યું.

હવે બસ ખેતરો જ દેખાતા હતા. ખેતરની સામેની બાજુમાં મેઈન રોડ દેખાતો હતો. પણ એ બાજુ જવાનો કોઈ રસ્તો નહોતો. ખેતરની ચારેબાજુ વાડ કરેલી હતી. ત્યાંથી દુર છત્રીઓ દેખાતી હતી જ્યાં અમિતાભ બચ્ચનનો આલ્બમના એક ગીતનું શુટિંગ અહી થયું હતું. બસ અમે વાડની કિનારે કિનારે ચાલતા રહ્યા. ખેતર પૂરું થયું ત્યાજ મહાકાલેશ્વરનો મેઈન ગેટ દેખાયો. હજી ૭:૦૦ વાગવામાં ૧૫ મિનીટની વાર હતી.

IMG_20160411_063545

મેઈન ગેટની અંદર દાખલ થતા જ એક મોટુ શિવલિંગ દેખાય છે. ત્યાં બાજુમાં જ એક બીજો દરવાજો છે તેની અડીને અંદર ગુફા જેવું છે. તેને મહાકાલેશ્વર ગુફા કેહવાય છે. આ ગુફાની અંદર શિવલિંગ છે. મંદિરની બાજુમાં એક કુંડ છે. કુંડની બાજુમાં જ શનિદેવનું મંદિર આવેલું છે. ખરેખર ખુબ રમણીય સ્થળ છે. એકદમ શાંત જગ્યા છે. જો મેળ પડે તો એક વાર સાંજે જજો ખુબ મજા આવશે. બધાંએ દર્શન કર્યા અને બેઠા. અમે ૬ કિલોમીટર જેટલું ચાલ્યા હોઈશું.

હવે બધા પાછા જવા માંટે તૈયાર હતા. ખેતરો જોતા જોતા ૭:૧૫ વાગે પાછા ઇડર રેલ્વેસ્ટેશન પાછા આવ્યા પણ ટ્રેનને આવવાની હજુ પણ વાર હતી. ત્યાં ત્રણ નાના બાળકો ને જોયા જે અમારા કરતા પણ બહુ ઝાડપથી ચાલતા હતા. એવું લાગ્યું કે સ્કુલે જવાનું મોડું થતું હશે. અત્યારે તો સ્કુલવાનમાં બેસીને સ્કુલે જવાનું એટલે મોડા પહોચાવાનું કોઈ ટેન્શન જ નહિ. ત્યાં આગળ જતા રસ્તામાં એક સ્કુલ આવી, ત્યાં ઘણા બાળકોનું ટોળુ હતું પણ સ્કુલ હજુ ખુલી જ નહોતી. બસ ત્યાંથી ૭:૩૦ વાગે ઇડર બસસ્ટેન્ડે પહોચી ગયા.

IMG_20160411_070745

ખરેખર ખુબજ મજા આવી. બસ બહુ જલ્દી આવો જ બીજો પ્રોગ્રામ બનાવીશું એવું વિચારીને બધા છુટા પડ્યા.