કચ્છ પ્રવાસ (Kutch Road Trip) Day 5

30 12 2017 શનિવાર

આજે સવારે ઉઠવામાં મોડું થયું ધરમશાળાના પાછળના ભાગમાં ભચાઉનું રેલ્વેસ્ટેશન અને આગળ ભચાઉ સામખીયાળી હાઇવે આવેલો છે. એટલે આખી રાત ટ્રકોના અને ટ્રેનના હોર્નના અવાજ આવ્યા કરતાં હતા એટલે રાત્રે ઊંઘ બરાબર ના આવી. ઊઠીને સૌપ્રથમ ગીઝર ચાલુ કરી દીધું એટલે પાણી ગરમ થવા માંડે. ફટાફટ તૈયાર થઈને ગાડીમાં બધાં ગોઠવાઈ ગયા. સવારે ૮:૧૫ વાગે ધોળાવીરાના રસ્તે નીકળી પડ્યા. લગભગ ત્રણેક કિલોમીટર પછી હોટેલ લોધેશ્વરની બાજુમાં જમણી બાજુએ એક ફાંટો પડે છે. સીધો રસ્તો ભુજ જાય. જ્યાંથી અમે કાલે આવ્યા હતા. જમણી બાજુ ૧૫ કીલોમીટરના અંતરે ખરોઈ ગામ આવે છે. ખરોઈ ગામ થી ભરુડીયા જવા માટે બે રસ્તા છે. એક રસ્તો ડાબી બાજુ મનફરા થઈને ભરૂડિયા પહોંચાય અને સીધો રસ્તો કુડાજામપર થઈને ભરૂડિયા જવાય. તે ત્રણ રસ્તા ઉપર એક ભાઈને પુછ્યું કે એકલ માતાજી જવું હોય તો? તેમણે કીધું કે મનફરા વાળો રસ્તો થોડો ખરાબ છે એટલે આ રસ્તે આગળ વધો. અમે આગળ વધ્યા ત્યાં છ કિલોમીટર પછી કંથડનાથજી મંદિરનું બોર્ડ મારેલું હતું. ત્યાંથી આઠ કિમીએ મંદિર આવેલું છે. નજીક હોવાથી જમણી બાજુ કંથકોટના રસ્તે વળી ગયા. થોડા આગળ પહોંચ્યાં હોઈશું દુર ડુંગરની ટોચ ઉપર એક મંદિર દેખાતું હતું. કદાચ એ જ કંથડનાથજી મંદિર હશે. અમે કંથકોટ ગામ પછી એક કીલોમીટર પછી ડાબી બાજુ ચઢાવ વાળા રસ્તે વળી ગયા. કંથકોટ કિલ્લાના ભવ્ય દરવાજાના દર્શન થયા. દરવાજાની અંદર પ્રવેશતા જ ખુલ્લું મેદાન દેખાયું થોડું અચરજ થયું. દરવાજાની જોડે જ પુરાતત્વ શિવમંદિર છે. પણ તે તૂટી ગયેલું જણાયું. સવારે ૮:૪૫ વાગે કંથડનાથજી મંદિર આગળ પહોંચ્યા. દર્શન કર્યા. મંદિરની બહાર આવીને સામે કંથડનાથજી અખાડા નામનું મકાન હતું. અંદર પ્રવેશતાં ડાબી અને જમણી બાજુએ સંતોને રહેવા માટેની રૂમો હતી. અહીં કંથકોટનો કિલ્લો પ્રખ્યાત છે. એક ભાઈને પૂછ્યું કે આ કિલ્લો ક્યાં છે? તેમણે કીધું કે તમે જ્યાં ઉભા છો એ જ કંથકોટનો ભવ્ય કિલ્લો છે. ધરતીકંપમાં પૂરેપૂરો પડી ભાગ્યો. તે ભાઈએ પ્રસાદમાં ચા આપી.

નીચે ઉતરીને કંથકોટ કિલ્લામાં પ્રવેશધ્વારની સામે એક રસ્તો જતો હતો. અમે એ તરફ આગળ વધ્યા. ત્યાં જે રસ્તામાં દૂરથી દેખાતું હતું એ મોમાઈ માતાજી નું મંદિર હતું. ખુબજ શાંત વાતાવરણ હતું. મંદિર ઊંચાઈ ઉપર છે ત્યાંથી નીચેનું દ્રશ્ય ખુબ જ આહલાદક લાગતું હતું. બસ અહીં બેસી જ રહીએ એવી મનોસ્થિતિ હતી.

ત્યાંથી આઠ કિમીએ રામવાવ ત્રણ રસ્તા આવ્યા. જમણી બાજુનો રસ્તો રાપર જતો હતો અને ડાબી બાજુનો રસ્તો કુડાજામપર જતો હતો. ડાબી બાજુના રસ્તે ત્રણ કિલોમીટરના અંતરે કુડાજામપર અને ત્યાંથી જમણી બાજુ ભરૂડિયા જવાના રસ્તે આગળ વધ્યા. ત્યાથી ભરોડિયા ૪ કિ.મી.ના અંતરે છે. ભરૂડિયા ગામથી થોડે દુર ગયા ત્યાં જ નર્મદા કેનાલ આવી. બે ઘડી ઊભા રહ્યા. નર્મદાનું પાણી છેક કચ્છના સૂકા વિસ્તાર સુધી પહોંચવું એ આનંદની વાત છે. કેનાલમાં પાણી વહેતું હતું. ખુશનુમા વાતાવરણમાં અમે સવારે ૧૦:૧૫ વાગે એકલ માતાજી પહોંચ્યા.

એકલ માતાજીના મંદિરના પ્રવેશદ્વારમાંથી અંદર પ્રવેશતા જ આંખોને ઠંડક મળે એવી લીલોતરી દેખાઈ. મંદિરના આંગણામાં ઘણાં વૃક્ષો જોવા મળ્યા અને આ ઘટાદાર વૃક્ષો વચ્ચે એકલ માતાજીનું મંદિર સ્થિત છે.  તેની બાજુમાં   પ્રિતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગમાં ડાબી બાજુએ પરમ પૂજ્યશ્રી રુદ્ર ભદ્ર બાપુના ચરણાવિંદ છે. જેઓ રુદ્ર ભદ્ર તરીકે પ્રતિષ્ઠિત થયા. ત્યાં રાખેલી તકતી મુજબ  1857ની અફળ રહેલી ક્રાંતિ પછી ભગવાધારી ચાર જણા કચ્છમાં આવ્યા. તેમાંના એક આ બાબા રુદ્ર રણની કાંધીએ એકલમાતાના આશરે અહીં લોક કલ્યાણના કાર્યમાં પરોવાયા. અને મનની માનેલ દિકરીના સુખ કાજે મનફરામાં યોગી કંથડનાથજીની જગ્યામાં જીવતે સમાધિ લીધેલ. તેમની સ્મૃતિમાં આ સ્મૃતિસ્થાન બનાવેલ છે. તેવી જ રીતે જમણી બાજુએ કચ્છના પ્રખ્યાત જાદુગર તરીકે જેની ગણના થતી હતી એવા મોનજી રામજી પોપટ ઉર્ફે “મોનો ખેલાડી” ના ચરણવિંદ  બનાવેલા છે. જેઓ જીવનભર આત્યંતિક ગરીબાઈ  વચ્ચે પણ વિચલિત થયા વગર વેદનાને લોકરંજનમાં ફેરવી અને લોકહીતના કાર્યો કરતા મૃત્યુ પામ્યા. મંદિરની સામે સુંદર મજાનું ઘટાદાર લીમડાનું ઝાડ છે. તેની બાજુમાં બેસવા માટે સુંદર અને વિશાળ ઓટલો છે. ત્યાં પ્રસાદ તરીકે ચા મૂકેલી જ હોય છે.

 

મંદીરની થોડે દૂર એક સફેદ રણ આવેલું છે જેને એકલનું રણ તરીકે ઓળખવામાં આવે છે. ગાડી છેક સુધી જાય તેવો રસ્તો છે. એકલ રણ માં અમારા સિવાય કોઈ જ નહોતું. દૂર-દૂર સુધી એકદમ નીરવ શાંતિ પથરાયેલી હતી. અહીં સીધા સીધા જઈએ તો ધોળાવીરા પહોંચાય, પણ જોખમ ન લેવાય ક્યાંક મીઠાના સફેદ રણમાં ગાડી ફસાઈ જાય તો  કોણ બચાવવા આવે. ત્યાથી 10:40 રવેચી માતાના રસ્તે આગળ વધ્યા.

એકલ માતાજી થી નારણપર સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો ખરાબ હતો. વચ્ચે એક પાણીનું ખૂબ જ મોટું કહી શકાય એવું નાળું પાર કર્યું. ત્યાં ખૂબ જ પ્રમાણમાં ખળખળ કરતુ પાણી વહેતું હતું. આમ સુવાઈ થઈને અમે સવારે 11:00 વાગે રવેચી માતાના મંદિરે પહોંચ્યા.

IMG_20171230_110946

અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતિવાળું છે. ઘટાદાર વૃક્ષો, તળાવ કિનારાની શીતળ હવા અને કુદરતી સૌંદર્ય જોઇને મન પ્રફુલ્લિત થઇ જાય છે. બધી જ મુશ્કેલી અને સંકટો વિસરાઈ ગયા હોય એવો અનુભવ થયો. અહીં યાત્રિકોને નિશુલ્ક સાદું અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબૌ, જેસકા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રિના વાતો નથી. માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપેલું છે.

પ્રવેશદ્વારમાં દાખલ થતા શીતળામાતા, ગણપતિ, હનુમાનજી, વાસંગી ખેતરપાળની મૂર્તિઓ છે. પાસે ધર્મશાળા છે. બાજુ વિશાળ દેવીસર તળાવ આવેલું છે.

જમવાનો સમય પણ થઈ ગયો હતો એટલે ભોજનશાળામાં જઈને પ્રસાદ ગ્રહણ કર્યો. તેની સાથેની છાશ ખૂબ જ મીઠી હતી. ભોજનશાળાની બહારની રોડની બંને બાજુએ હારબંધ દુકાનો હતી. જોતા-જોતા ગાડીમાં બેસીને આગળ વધ્યા.

IMG_20171230_120448

જેમ-જેમ આગળ જતાં હતાં તેમ તેમ વેરાન અને ઉજ્જડ રસ્તાઓ સાથે મેળાપ થતો જતો હતો. વચ્ચે-વચ્ચે રસ્તાનું સમારકામ ચાલતું હતું. ધોળાવીરા એક ટાપુ છે જેને ખાદિર બેટ પણ કેહવામાં આવે છે. બાલાસરથી 17 કિ.મી.ના અંતરે ખાદીર બેટને જોડતો પૂલ બનાવેલો છે, જે દસ કિમી જેટલો લાંબો છે. બંને બાજુએ દૂર-દૂર સુધી સફેદ રણ દેખાય છે. આ ભાગ આ રસ્તાની ખૂબ જ સુંદર જગ્યા છે. બપોરે 03:00 વાગે આર્કિયોલોજિકલ મ્યુઝિયમ પહોંચ્યા.

સ્કૂલમાં હતા ત્યારે કોઈ સિંધુ ઘાટી સભ્યતા હતી. તેનું મુખ્ય શહેર હડપ્પા હતું, એટલે તેને હડપ્પા સભ્યતા કહેતા હતા. હડપ્પાની સાથે એક બીજી જગ્યા વિશે પણ ભણવામાં આવતું હતું. તે હતું મોહે-જો-દડો.  આ બંને અત્યારે પાકિસ્તાનમાં છે. પણ એવી જગ્યા છે જે તે સમયની છે તેમની જેમ લોકો વસતા હતા, તેમના જેવું આચરતા હતા, તેમના જેવી નગર વ્યવસ્થા હતી જે આજે ભારતમાં છે એવા ધોલાવીરા, કાલીબંગા, લોથલ અને રોકડ છે. આ બધા સિંધુ ઘાટીની સભ્યતાના નગર હતા. જે આજથી પાંચ હજાર વર્ષો પહેલા ઘણા સમૃદ્ધ હતા. મ્યુઝિયમમાં પ્રવેશની કોઈ ટિકિટ નથી. ફોટા પણ પાડી શકાય છે. મ્યુઝિયમ જોઈને અમે વાસ્તવિક સાઈટ ઉપર ગયા.

ત્યાંથી દસ કિ.મી.ના દાદા ગુરુ દત્તાત્રેય નું મંદિર આવેલું છે. જને ધોળાવીરાનો સનસેટ પોઇન્ટ કહેવાય છે. દરિયાનો આ પટ ખૂબ જ સુંદર હતો. મંદિરની બાજુમાં જ બીએસએફની ચોકીઓ આવેલી છે.

ત્યાંથી પાછા વળતાં ૨ કિમી દુર વનવિભાગ દ્વારા ફૂડ ફોસિલ પાર્ક બનાવેલો છે.  ઊબડખાબડ અને કાચા રસ્તા પર ગાડી, ધીરે ધીરે ચલાવીને ફોસિલ પાર્ક પહોંચ્યા. રસ્તો સાંકડો છે. સામેથી કોઈ ગાડી આવે તો પસાર થવું મુશ્કેલ થાય એવો રસ્તો છે. ગાડી પાર્ક કરી. હવે થોડાક અંતર સુધી ચાલતા નીચેની તરફ જવાનું છે. ત્યાં ચોકીદાર ભાઈ હતા જેઓ જોવા આવતા યાત્રિકોના નામ અને શહેરના નામ નોધતા હતા. શાંત અને રમણીય જગ્યા છે. ત્યાં બેસીને નાસ્તો કર્યો. આજુબાજુ વિવિધ આકારોના મોટા મોટા પત્થરો નજરે ચઢ્યા. અહીં વૃક્ષના થડના બે અશ્મિઓ ૧૬ કરોડ વર્ષ જૂના છે. નજીકમાં કાચના એક બંધ કબાટમાં નાના નાના અશ્મિઓને મૂકવામાં આવેલા છે.

હવે ત્યાંથી પાછા ફર્યા અને સમય બગાડ્યા વગર ધોળાવીરાને આવજો કર્યું.  બાલાસર આવીને ચા પીધી.

અંધારું થવા આવ્યો હતું. આજે જ અમદાવાદ પહોંચવાનું હતું પણ રાત્રે ગાડી ચલાવી હિતાવહ નથી એટલે વ્રજવાણીમાં રહેવાની કોઈ સગવડ થશે તો રોકાય જાશું નહીંતર બીજે ક્યાંક એમ વિચારી વ્રજવાણી તરફ આગળ વધ્યા. બાલાસરથી એક રસ્તો સીધો રવેચી રાપર જાય અને ડાબી બાજુનો રસ્તો બેલા જાય. બાલાસરથી વ્રજવાણીસતિ મંદિર ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. બાલાસરથી સાત કી.મી પછી વ્રજવાણીસતિ મંદિરનો એક ફાંટો પડે છે. અંધારામાં આ ફાંટો દેખાય એમ નહોતો. સારું હતું કે જીપીએસ ચાલુ હતું નહીતર અમે સીધા સીધા બેલા પહોંચી જાત. ત્યાંથી પાછા વ્રજવાણી આવવું પડે. પાછા વળીને વ્રજવાણી વાળા રસ્તે વળી ગયા, જે રસ્તો થોડો સાંકડો હતો અને રસ્તામાં નીલગાયો જોવા મળતી હતી ક્યાંક ક્યાંક અચાનક ગાડી આગળ ન આવી જાય તે ડરથી ધીમે ધીમે ગાડી હંકારતાં હતા રાત્રે સાત વાગે વ્રજવાણી સતિ મંદિરે પહોંચ્યા.

વ્રજવાણી મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલું છે. અંદર પ્રવેશતા જાણે નીરવ શાંતિ ઊઠાડતા હોય તેવો કોલાહલ શૈક્ષણિક પ્રવાસમાં આવેલા બાળકોનો સંભળાતો હતો. મંદિરમાં વચ્ચે રાધા કૃષ્ણ બિરાજે છે અને તેની ફરતે ૧૪૦ આહીર દીકરીઓની મૂર્તિઓ આવેલી છે. મંદિરના પાછળના ભાગમાં અતિથિગૃહ આવેલું છે. ત્યાં જ પૂજારી રહે છે. શૈક્ષણિક પ્રવાસમાં આવેલા બાળકો સાથે અમે પણ ત્યાં ગયા અને અમે બધા પૂજારીની ચારે બાજુ ગોઠવાઈ ગયા. તેમણે મંદિરના ઈતિહાસની ખૂબ જ સુંદર માહિતી આપી જે ખરેખર રોમાંચ ઉપજાવે તેવી હતી.

અહીના પૂજારીને મંદિર વિષે પૂછતા એમણે જણાવ્યું કે, સંવત 1511ના વૈશાખ સુદ ચોથના દિવસે ગામની 140 આહીર સ્ત્રીઓ અહી સતી થઇ હતી. મંદિરના ચોગાનમાં તેમના પાળિયા છે અને મંદિરની બરાબર સામે એક મોટો પાળિયો છે જે ગામના ઢોલીનો છે. સંવત 1511ના અખાત્રીજના દિવસની વાત છે. દિવસે ગામમાં તહેવાર જેવું વાતાવરણ હતું. આવતા વરસના વરસાદના શુકન શુભ હતા એટલે સૌ કોઈ આનંદમાં હતાં. ગામના ઢોલીના ઢોલની થપાટે આહીરાણીઓ ગરબે રમી રહી હતી. દિવસ પૂરો થયો તેમ છતાં ઢોલી અને સ્ત્રીઓના ઉત્સાનો અંત આવતો હતો. ઘરનાં કામ બાજુ પર રહ્યાં. બાળકો પણ ભૂખ્યાં સૂઈ ગયાં. ગરબા રમતાં રમતાં રાત પણ પડી ગઈ હતી. ગરબે રમતી આહીરાણીઓ પોતાના ઘરબાર જાણે કે ભૂલી ગઈ હતી. પોતાની પત્નીઓને ઘરે પાછી લઇ જવા માટે ગયેલા આહીરો વીલા મોઢે ઘરે પાછા ફર્યા. એમ લાગતું હતું કે, જાણે ઢોલીના ઢોલમાં કાનુડાની વાંસળીના સૂર વાગી રહ્યા હતા અને આહીરાણીઓ ગોકુળની ગોપીઓ બની ગઈ હતી. બીજા દિવસનો સૂર્યોદય થયો પણ ગરબા અને ઢોલ ચાલુ હતાં. હવે આહીરોના ગુસ્સાનો પારો ઊંચે ચઢતો જતો હતો. બધાને લાગ્યું કે, સમસ્યાનું મૂળ તો ઢોલીડો છે, જેની પાછળ આહીરાણીઓ પાગલ થઇ હતી. આથી સૌએ ઢોલીને પતાવી દેવાનો નિર્ણય કર્યો અને કેટલાક યુવાનો ખુલ્લી તલવારે ઢોલીની તરફ ધસી ગયા. ગરબામાં મગ્ન આહીરાણીઓને તો ખબર પડી કે, ક્યારે ઢોલીનું મસ્તક તેના ધડથી અલગ થઇ ગયું. ઢોલના તાલમા ભંગ પડ્યો ત્યારે સૌએ જોયું કે, ઢોલી તો લોહીના ખાબોચિયામાં પડ્યો છે. પોતાના પ્રિય ઢોલીની પાછળ એકસો ચાલીસ આહીરાણીઓ સતી થઇ એની યાદમાં મંદિર બાંધવામાં આવ્યું છે.

અમે પૂજારીને મળવા ગયા કે રાત રોકાવા માટે કોઇ વ્યવસ્થા થઇ શકશે. અતિથિગૃહમાં અગાઉથી એક લક્ઝરી બસ આવેલી હોવાથી ખાલી રૂમો ઓછા હતા. પણ તેમણે કીધું કે તમતમારે નિરાંતે જમીને આવો વ્યવસ્થા થઈ જશે. અમે જમવા માટે અન્નક્ષેત્રમાં ગયા. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ જમવાનું હતું. જમીને પાછા અતિથિગૃહે આવ્યા. પૂજારીજીએ અમારા માટે એક રુમ ખાલી કરાવીને રાખ્યો હતો. થાકેલા હતા એટલે ટપોટપ ઊંઘી ગયા.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s